ક્રાઈમ કોર્નર

વરસામેડીમાં યુવાનનો અકળ આપઘાત

અંજાર : તાલુકાના વરસામેડીની ગીતા કંપનીની શ્રમિક વસાહતમાં કામ કરતા અને રહેતા રજનીભાઈ સમાય માજી સાવનાલી (ઉ.વ.ર૬) નામના યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હતભાગીએ પ્રેમલગ્ન કર્યા હતા અને પોતાના પરિવાર સાથે રહેતો હતો. કોઈ અગમ્ય કારણોસર પોતાના ગમછા વડે ગળે ફાંસો ખાઈને તેણે આપઘાત કરી લીધો હતો. બનાવને પગલે પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ જી.બી. માજીરાણાએ આગળની તપાસ હાથ ધરી હતી.

સાંઘી કંપનીમાંથી ચોરી કરનાર ૪ શખ્સો જબ્બે

નલિયા : અબડાસાના સાંઘી સિમેન્ટ એકમમાંથી માઈન્સ પ્લાન્ટના ખુલ્લા પ્લોટમાંથી લોખંડના ૧૩૬ રોલરની ચોરીના કેસમાં વાયોર પોલીસે બરંદાના ૪ શખ્સોની ધરપકડ કરી હતી. જેમાં અલીઅકબર ઈસ્માઈલ લુહાર, સલીમ હુશેન હજામ ખલીફા, ઈરફાન ઉર્ફે કરીમ આમદ સમેજા અને તારમામદ ઈસ્માઈલ સમેજાની ધરપકડ કરાઈ હતી.

અંજારમાંથી આંકડાનો જુગારી ઝડપાયો

અંજાર : શહેરના ગંગાનાકા નજીક જૂની લક્ષ્મી ટોકીઝ પાસે આંકડાનો જુગાર લેતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. પૂર્વ કચ્છ એસીબીએ મોબાઈલમાં સોશિયલ મીડિયાના માધ્યમથી આંકડો લેતા ઈબ્રાહીમ લાલમહમદ સુરંગીને ઝડપી પાડ્યો હતો. આરોપીના કબ્જામાંથી ૧૦,૩પ૦ની રોકડ રકમ અને મોબાઈલ મળીને ૧પ,૩પ૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. આ શખ્સ પોતાના શેઠ મજીદ ઓસ્માણને આંકડા લખાવતો હતો. પોલીસે બનાવને પગલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ટાગોર રોડ પર અકસ્માતમાં યુવક-યુવતીને ઈજા

ગાંધીધામ : અહીંના ટાગોર રોડ પર સર્જાયેલા બે અકસ્માતમાં યુવક અને યુવતીને ઈજા પહોંચી હતી. આદિપુર પોલીસમાં પ્રસાદરાવ ગુટુલાએ અજાણ્યા સ્કોડા ચાલક સામે ગુનો નોંધાવ્યો હતો. તેમની ભાણેજીને કાર ચાલકે ટક્કર મારી હેમરેજ સહિતની ઈજાઓ પહોંચાડી હતી. તો ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં કુવરબેન દેવીપૂજકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના પતિ સંજયભાઈ દેવીપૂજકને બાઈક ચાલકે હડફેટમાં લઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.

નાના કપાયામાં પરિણીતાએ ગળે ફાંસો ખાધો

મુંદરા : તાલુકાના નાના કપાયામાં પરપ્રાંતિય પરિણીતાએ ગળે ફાંસો ખાઈને જીવનલીલ સંકેલી હતી. યુવતીના પતિ વિજય ઠક્કરીયા વાસુંબિયાએ આપેલી કેફીયતને ટાંકીને પોલીસે કહ્યું હતું કે, સંગીતા વિજય વાસુંબિયા (ઉ.વ.૧૮)એ અગમ્ય કારણોસર પોતાના ઘેર આડીમાં રસ્સી બાંધીને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. બનાવને પગલે મુંદરા પોલીસે અસ્કમાત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

નારાણપરમાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ જેલ હવાલે

ભજ : તાલુકાના નારાણપર ગામે યુવતીનું બળજબરીપૂર્વક અપહરણ કરીને દુષ્કર્મ ગુજારનાર યુવકની પોલીસે ધરપકડ કરીને જેલમાં ધકેલ્યો છે. નારાણપરની અપહત યુવતીએ કોર્ટમાં આપેલા નિવેદનને આધારે આરોપી યુવક સમીર લતીફ ચાકી જેલમાં ધકેલાયો હતો. પોલીસે આરોપીની માંગરોલથી ધરપકડ કરી હતી. આ ગુનામાં નારાણપરના હિરેન માયા મહેશ્વરીએ મદદગારી કરતા પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.