ક્રાઈમ કોર્નર

સતાપરમાં દિનદહાળે ૩૪ હજારની ચોરી

અંજાર : તાલુકાના સતાપર ગામે દિનદહાળે ઘરના તાળા તોડીને રૂા.૩૪,૬૦૦ની માલમતા ચોરાતા ફરિયાદ નોંધાઈ હતી. અંજાર પોલીસ મથકે નિતેશ કાનજીભાઈ માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરના તાળા તોડીને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ ૧પ ગ્રામ સોનાની કંઠી અને ૧૩ ગ્રામ સોનાની ચેઈન સહિત કુલ ૩૪,૦૦૦ અને ૬૦૦ની રોકડ રકમની ચોરી થઈ હતી. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલારામાંથી પેરોલ જંપ કરી ફરાર શખ્સ ઝબ્બે

ભુજ : પાલારા જેલમાંથી વચગાળાના પેરોલ જમીન પર છૂટીને પરત ન આવેલા નાસતા ફરતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. ભુજના સોનીવાડમાં રહેતા અને પાલારા જેલમાં સજા ભોગવતા શામજી ઉર્ફે શ્યામ હીરજીભાઈ વાઘેલા (ઉ.વ.ર૦) નામનો શખ્સ પેરોલ પર છૂટીને હાજર નહી થતા પોલીસે તેને ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.

નાના કપાયામાં બસોમાંથી ૬૬ હજારનું ડીઝલ ચોરાયું

મુંદરા : તાલુકાના નાના કપાયામાં આવેલી એસવીસીટી કોલોનીમાં રહેતા લોકોની આવન-જાવન માટે રખાયેલી પાંચ બસમાંથી ડીઝલ ટેન્કનું લોક તોડીને ૬૮૦ લીટર ડીઝલ કિ.રૂા.૬પ,૯૬૦ની ચોરી કરી હતી. બનાવને પગલે ડેપ્યૂટી જનરલ મેનેજર હેમેશભાઈ ઘનશ્યામભાઈ રાવલે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

નાની વિરાણીના ખેડૂતની વાડીમાં નુકશાની બદલ ફરિયાદ

દયાપર : લખપતના નાની વિરાણીના ખેડૂતની વાડીમાં ગેરકાયદેસર પ્રવેશ કરીને નુકશાન પહોંચાડ્યા બદલ પવનચક્કી કંપની વિરૂધ્ધ દયાપર પોલીસ મથકે ગુનો નોંધાયો છે. બિપીનભાઈ રાજુભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ પવનચક્કીનું નિર્માણ કરતી સાયટેક અને ઓપેરા કંંપની દ્વારા ફરિયાદીની જમીન પર વગર મંજૂરીએ ગેરકાયદેસર પ્રવેશ કરીને જમીનના શેઠા-પાળા અને બોર તોડી પાડીને નુકશાન પહોંચાડાયું હતું. પોલીસે કંપની અને તેના જવાબદાર નિકુંજભાઈ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આદિપુર-ગાંધીધામમાંથી ૪૩,પ૦૦નો દારૂ જબ્બે

ગાંધીધામ : આદિપુર અને ગાંધીધામમાંથી પોલીસે જુદા જુદા દરોડા પાડીને ૪૩,પ૦૦નો શરાબ ઝડપી પાડ્યો હતો. ગાંધીધામના કિડાણાની ગાયત્રી સોસાયટીમાં કાના અમરાભાઈ ભરવાડના કબ્જામાંથી પોલીસે ૩૧,પ૦૦નો શરાબ ઝડપી પાડ્યો હતો. તેમજ આદિપુરના કેશરનગર પાણીના પ્લાન્ટ પાસે રહેતા કાના લખુભાઈ ગુજરિયાના રહેણાંક મકાનમાંથી ૧ર,૦૦૦ની કિંમતનો દારૂ ઝડપાયો હતો.

વાંકીના મૃત જીઆરડી જવાનના ખાતામાંથી ૧૯ હજાર ઉપડી ગયા

મુંદરા : તાલુકાના વાંકી ગામે વિધવા મહિલાના મૃતક પતિના બેંક ખાતામાંથી રૂા.૧૮,૭૦૦ ઉપાડી લઈને ઠગાઈ આચરાઈ હતી. બનાવને પગલે ગીતાબેન ખેરાજભાઈ મહેશ્વરીએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના પતિ જીઆરડી જવાન તરીકે ફરજ બજાવતા હતા અને ૪ માસ અગાઉ હાર્ટએટેકથી મોત થયું હતું. હતભાગીના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં એટીએમ મારફતે રૂા.૧૮,૭૦૦ કોઈ અજાણ્યા ઈસમે ઉપાડી લીધા હોવાનું ધ્યાને આવતા ફરિયાદ નોંધાઈ હતી.