અંજારમાં બે ચોરાઉ બાઈક સાથે ૩ જબ્બે

અંજાર : શહેરમાં સતાપર ફાટક પાસેથી પોલીસે બે ચોરાઉ બાઈક સાથે શંકાના આધારે ૩ આરોપીઓ ઝડપી પાડ્યા હતા. ચોરાઉ બાઈક ખત્રીચોક અને ગંગાનાકા નજીકથી ચોરાઈ હતી. પોલીસે આરોપી ઈબ્રાહીમ અબ્દુલા ચાવડા, ઈસ્માઈલ હારૂન અધા કકલ અને યાસીન ઉર્ફે અપોલો રસુલ કટીયાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

બિદડામાં નોકરીમાંથી છુટો કર્યાના મનદુઃખે મારામારી

માંડવી : તાલુકાના બિદડામાં ડ્રાઈવીંગની નોકરીમાંથી છૂટા કરાયાના મનદુઃખે મારામારી થઈ હતી. ટ્રાન્સપોર્ટ કંપનીના સુપરવાઈઝર રણજીતસિંહ બુચુભા જાડેજાએ શેરડીના લાખા સંઘાર, અરવિંદ સંઘાર અને કાનજી સંઘાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી લાખાએ ફોન કરીને કહ્યું હતું કે, મને ડ્રાઈવીંગમાંથી છૂટો કેમ કરી નાખ્યો છે અને શેઠથી મળી સમાધાનની વાત કરવા આવેલા આરોપીઓએ મારામારી કરતા ફરિયાદ નોંધાઈ હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

ભુજમાંથી ચોરાયેલી બાઈક સાથે આરોપી જબ્બે

ભુજ : શહેરના નિર્મલવ્યૂ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ૧૦ દિવસ પૂર્વે ચોરાયેલી મોટર સાયકલ સાથે રીઢા શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે માંડવીના દેવપર ગઢમાં રહેતા સલીમ ભચુ સાટીની ધરપકડ કરી હતી. ૩૬ ગુનામાં સંડોવાયેલો આ રીઢો ગુનેગાર લાલ ટેકરી પાસે બાઈક લઈને ફરતો હતો ત્યારે બાતમીને પગલે પોલીસે ઝડપ્યો હતો.

ગાંધીધામમાંથી આંકડાનો બૂકી ઝડપાયો

ગાંધીધામ : શહેરના સુંદરપુરીમાં જાહેરમાં વરલી મટકાનો જુગાર ખેલતા એક શખ્સને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રોકડા રૂા.૧૦,૭૦૦ કબ્જે કરીને કાર્યવાહી હાથ ધરી છે. આરોપી લાલજી ભચુ ચૌહાણને પોલીસે ગ્રાહકો પાસેથી વરલી મટકાના જુગારનો આંકડો લેતા ઝડપી પાડ્યો હતો.

કોરોનાને કારણે પાલારામાંથી છૂટ્યા બાદ હાજર ન થનાર જબ્બે

ભુજ : કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા જેલમાંથી કેદીઓને મુક્ત કરાયા હતા. ત્યારે ભુજની પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર છૂટીને પરત હાજર ન થયેલા લાલજી રણજીત મહેશ્વરીને પોલીસની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ઝડપી પાડ્યો હતો. જી.કે. હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આરોપીને પકડી જેલ હવાલે કરાયો હતો.

મુંદરાની વાઈન શોપમાંથી ચોરી કરનાર એક જબ્બે

મુંદરા : શહેરની વાઈન શોપમાંથી ચોરી કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી હતી. મુંદરાની શિલ્પ વાટીકા સોસાયટી બારોઈ રોડ પરથી મીત પ્રેમજી ચૌહાણની ધરપકડ કરાઈ હતી. આરોપીના કબ્જામાંથી જુદી – જુદી બ્રાન્ડની શરાબની બોટલ કિ.રૂા.ર૧,૦૩૪ સાથે ઝડપી પડાયો હતો. પેટ્રોલિંગમાં રહેલી પોલીસે આરોપીને ઝડપી પાડી તેના કબ્જામાંથી મુદ્દામાલ રિકવર કરી આગળની તપાસ હાથ ધરી છે.

મામાએ ભાણેજ-ભાણેજા વહુને માર માર્યો

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં મામાએ તેના ભાણેજ અને ભાણેજા વહુને મિલકતના ભાગ બાબતે માર માર્યો હતો. બનાવને પગલે ઓસ્માણ અયુબ ઓસ્માણ કકલે ફરિયાદ નોંધાવી હતી. તેના મામા અલીમામદ ખમીસા સોઢાએ ફરિયાદીની માતા સહિતના તેના ભાઈઓને મિલકતમાં ભાગ ન આપવા મુદ્દે માર માર્યો હતો.