ક્રાઈમ કોર્નર

લખપતના સિયોત અને રાપરમાં અકસ્માતે ર મોત

દયાપર : લખપત તાલુકાના સિયોત નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મોત નીપજ્યું હતું. તો રાપરમાં અજાણ્યા વાહન હડફેટે વૃધ્ધ મોતને ભેટ્યા હતા. સિયોત ગામે બાઈક પર જતા મુધાનના ભીમજી વંકાજી જાડેજા (ઉ.વ.૩પ)નું વાહન સ્લીપ થતા માથામાં ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. આ તરફ રાપરથી ચિત્રોડ જતા માર્ગ પર માનવ ધર્મ આશ્રમના ગેટ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ૭૦ વર્ષિય લાધાભાઈ નાથાભાઈ રાવરિયાને અજાણ્યા વાહને હડફેટમાં લેતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રાપરના યુવાને ગળે ફાંસો ખાઈ મોતની સોડ તાણી

રાપર : અહીંના ખડીવાસમાં રહેતા અને રસકસની દુકાન ધરાવતા રપ વર્ષિય દજાભાઈ ગેલાભાઈ સોલંકીએ વાડી વિસ્તારમાં જઈ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. સંતાનમાં ૩ પુત્રી અને એક પુત્ર ધરાવતા આશાસ્પદ યુવાને અગમ્ય કારણોસર પગલુ ભરી લેતા પરિવારજનોમાં શોક ફેલાયો છે. બનાવને પગલે રાપર પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં અજ્ઞાત વાહન હડફેટે બાઈક ચાલકનું મોત

ગાંધીધામ : અહીંથી ભચાઉ જતા હાઈવે પર સ્મશાન પુલિયા પાસે અજાણ્યા વાહને બાઈકને હડફેટમાં લેતા એકનું મોત નીપજ્યું હતું. મેઘપર (બો)માં રહેતો હતભાગી પુષ્પરાજસિંહ પોતાની બાઈક લઈને જતો હતો. તે દરમિયાન અજાણ્યા વાહને તેને હડફેટમાં લેતા માથામાં અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે આશિષ સંતોષ પાંડેએ અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

કકરવામાં દારૂડિયા પતિએ પત્નીને માર્યો માર

ભચાઉ : તાલુકાના કકરવામાં દારૂડિયા પતિને પત્નીએ કમાવવાનું કહેતા ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ધારિયુ મારી ઈજા પહોંચાડી હતી. બનાવને પગલે કકરવામાં રહેતી અને આશાવર્કર તરીકે નોકરી કરતી ૩૦ વર્ષિય ધારાબેન મુકેશભાઈ જેઠાભાઈ પરમારે તેના પતિ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. પતિએ દારૂના નશામાં દ્યુત થઈને ફરિયાદીને માથામાં ધારિયાનો હાથો ફટકાર્યો હતો. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

અંજારમાં ચોરાઉ બાઈક સાથે તરૂણ સકંજામાં

અંજાર : અહીંની સ્થાનક પોલીસે ચોરાઉ મનાતા શંકાસ્પદ બાઈક સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને પકડ્યો હતો. વાહન ચેકીંગ દરમિયાન પોલીસે જીજે. ૦૩. ડીકે. ૬૮પ૮ નંબરનું બાઈક કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.