ક્રાઈમ કોર્નર

બિયારણ લેવા ગયેલા ખેત મજૂરના ખિસ્સામાંથી ૩૩ હજાર ચોરાયા

રાપર : તાલુકાના સેલારી રોડ પર બાદરગઢના ખેત મજૂરના ખિસ્સામાંથી રૂા.૩૩ હજાર રોકડા ભરેલું પાકિટ ચોરાયું હોવાની ઘટના સામે આવી છે. બાદરગઢમાં રહેતા પ૦ વર્ષિય ખેતમજૂર શવજીભાઈ નરશીભાઈ ભોપા ખિસ્સામાં ૩પ હજાર લઈ બાદરગઢથી એસટી બસમાં બિયારણ અને રાશન લેવા રાપર આવ્યા હતા. સેલારી રોડ પર આવેલી દિલીપભાઈની દુકાનેથી ખોડની ગુણી લઈ તેમને ર હજાર ચૂકવ્યા બાદ પાકિટ શર્ટના ખિસ્સામાં રાખ્યો હતો. જેમાં ૩૩ હજારની રોકડ હતી. આ ગુણી તેઓ છકડામાં રાખતા હતા તે દરમિયાન પાકિટ ગુમ થઈ ગયું હોવાનું પોલીસ મથકે ફરિયાદ લખાવાયું છે.

પોર્નોગ્રાફી સંદર્ભે વધુ બે યુવાનોના મોબાઈલ પોલીસ સંકજામાં

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી સંદર્ભે પોલીસ દ્વારા સપાટો બોલાવામાં આવતો હોય છે ત્યારે વધુ બે યુવાનોના મોબાઈલ પોલીસ સંકજામાં આવ્યા છે. અંજાર તાલુકાના દેવળિયા ગામની સીમમાં આવેલી આરઆર સ્ટીલ કંપનીમાં નોકરી કરતા યુપીના મુકેશભાઈ મહાદેવભાઈ પાસ્વાનના મોબાઈલમાંથી બાળ અશ્લીલ વીડિયો અપલોડ થયો હોવાની ટીપલાઈનના આધારે તેનો મોબાઈલ જપ્ત કરાયો હતો. જ્યારે ખોખરા ગામે રહેતા રોહન કીર્તિકુમાર ઠાકરના મોબાઈલમાંથી પણ ચાઈલ્ડ પોર્નોગ્રાફીનો સાહિત્ય અપલોડ થયું હોવાની ટીપના આધારે તેનો મોબાઈલ કબજે કરી એફએસએલમાં મુકાયો છે.

ભુજમાં હોસ્પિટલ પાસે પાર્ક કરેલી પ્લેઝર ચોરાઈ

ભુજ : શહેરમાં હોસ્પિટલ રોડ પર આવેલ વાયબલ હોસ્પિટલ પાસે સવારે ૧૧ વાગ્યાના અરસામાં કોટડાના આરોગ્ય ખાતામાં ફરજ બજાવતા માધુરીબેન રાજુભાઈ ભટ્ટે પોતાની પ્લેઝર નં.જીજે૦૪-બીપી-૩૯૦૧ પાર્કિંગ કરી હતી. જોકે, તેઓ થોડી મિનિટમાં પરત આવી પોતાનો વાહન લેવા આવ્યા ત્યારે સ્કૂટર જોવા ન મળતા ચોરી થયાનું માલૂમ પડ્યું હતું. જેથી બી-ડિવિઝનનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

જવાહરનગર સીમમાં બે બાઈક ચોર ઝડપાયા

ભુજ : ગાંધીધામ એ-ડિવિઝન પોલીસે પાના-પકડથી લોક તોડી બાઈક ચોરીને અંજામ આપતા બે તસ્કરોને ભચાઉના જવાહરનગરની સીમમાંથી દબોચી લીધા છે. પોલીસે નાની ચીરઈમાં રહેતા રોનક ઉર્ફે ભૂકંપ ભલાભાઈ બઢિયા અને મોટી ચીરઈના અકબર ઉમર કુંભારને ઝડપી પાડી તેઓ પાસેથી ૩૦ હજારની કિંમતની બે ચોરાઉ બાઈક કબજે કરી હતી.

નિંગાળમાં યુવતીની છેડતી બાદ મામલો બિચક્યો

અંજાર : તાલુકાના નિંગાળ ગામે યુવતીની છેડતી થયા બાદ મામલો બીચકતા તેના માતા-પિતાના પણ માર મારવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ગત રાત્રે યુવતીની એકલતાનો લાભ લઈ તેના કૌટુંબિક સંબંધીએ યુવતીની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં યુવતીએ પ્રતિકાર કરતા આરોપી નાસી છૂટ્યો હતો. જોકે, બાદમાં આરોપીએ યુવતીના માતા-પિતાને પણ ગાળો આપી ધકબુશટનો મારમારતા ચાર આરોપીઓ સામે ગુનો નોંધાયો છે.

શિકરામાં કંપનીના બે કામદારના મોબાઈલ ચોરાયા

ગાંધીધામ : ભચાઉ તાલુકાના શિકરા ગામે રહેતા અને અહીં આવેલી ગુડલક કંપનીમાં મજૂરી કામ કરતા રપ વર્ષિય અજયકુમાર રામતવંકલ ગુપ્તા અને કંપનીના અન્ય કામદારો નારાણભાઈ મકાનના અલગ અલગ રૂમમાં રહે છે. ગત રાત્રે જમીને સુઈ ગયા બાદ બારી ખુલી રાખી હતી. જોકે, સવારે ૬ વાગ્યે ઉઠીને જોતા તેમનો ૭ હજારની કિંમતનો મોબાઈલ ક્યાંય દેખાયો ન હતો. ઉપરાંત બીજા રૂમમાં રહેતા મીથીલેશ મહેશ્વર ચોપાલનો પણ રૂા.૭ હજારની કિંમતનો મોબાઈલ ચોરાઈ ગયો હતો. એક સાથે બે કામદારના મોબાઈલ ચોરાઈ જતા ભચાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

ગળપાદર રોડ પર ટ્રક હડફેટે આવી જતા બે ઘાયલ

ગાંધીધામ : ગાંધીધામથી મુન્દ્રા તરફ જતા ગળપાદર હાઈવે વધુ એક અકસ્માતની ઘટના બનવા પામી હતી. પૂરપાટ ઝડપે જતા ટ્રક ચાલકે આગળ જતી બાઈકને ટક્કર મારતા બાઈક સવાર બે યુવાનોને ઈજા પહોંચી હતી. ગાંધીધામ રહેતા ૪૦ વર્ષિય સુનિલભાઈ પ્રેમજીભાઈ સીંચ અને તેમના ફઈના દીકરા ભાઈ અશોકભાઈ ઝીંઝક સાથે જતા હતા ત્યારે શર્મા રિસોર્ટ નજીક પાછળથી આવતા ટ્રક ચાલકે ટક્કર મારતા માથામાં અને હાથમાં ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે અંજાર પોલીસમાં ફોજદારી ફરિયાદ નોંધાવાઈ છે.

ઘર પાસે ગાય છાણ કરી જતા યુવકને લાકડીથી મરાયો

ગાંધીધામ : અહીંના ગળપાદરમાં ગાયના ગોબર જેવી નજીવી બાબતે યુવાન પર હુમલો કરાયો હતો. ગળપાદરના કૈલાશનગરમાં રહેતા ૪૦ વર્ષીય ધર્મેન્દ્રસિંહ દાજુભા વાઘેલા ગત બપોરે પોતાના ઘરેથી નીકળ્યા ત્યારે પડોશમાં રહેતા બાલુભા વાઘેલાએ તમારી ગાય અમારા ઘર પાસે છાણ કરે છે, તમારો દીકરો અમારા ઘર પાસેથી આવ-જાવ કરે છે તેવું કહેતા ધર્મેન્દ્રસિંહ તેમને સમજાવવા ગયા હતા. આ દરમિયાન ઉસ્કેરાયેલા બાલુભાએ તેમના બે પુત્રો રામદેવસિંહ અને રઘુભાને બોલાવ્યા હતા. જ્યાં પિતા અને બે પુત્રો દ્વારા લાકડી અને ધારિયાથી ધર્મેન્દ્રસિંહને માર મરાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.