ક્રાઈમ કોર્નર

માતાનામઢમાં આધેડે ગળે ફાંસો ખાધો

દયાપર : માતાનામઢમાં રહેતા ૪પ વર્ષિય આધેડે અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. દયાપર પોલીસે આપેલી વિગતો મુજબ જુસબ આમદ કુંભાર ઉર્ફે દાદાએ કોઈ અમગ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરતા પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરીને હતભાગીના મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા. આગળની તપાસ હાથ ધરી છે.

ચોરાઉ સોના-ચાંદી સહિતના મુદ્દામાલ સાથે નલિયાનો શખ્સ જબ્બે

નલિયા : પશ્ચિમ કચ્છ એસઓજીએ નલિયાના એક શખ્સને ૪૩,૮ર૦ના ચોરાઉ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. એસઓજી દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ભાવેશ લાખિયારજી દલને પોલીસે સોના-ચાંદીના દાગીના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેરામાંથી શરાબ સાથે બે ઝડપાયા

ભુજ : તાલુકાના કેરા ગામે ઘોડા સર્કલ પાસેથી માનકુવા પોલીસે બાઈક પરથી બે શખ્સોને શરાબની ૧૦ બોટલ સાથે ઝડપ્યા હતા. મુંદરા તાલુકાના બોચા ગામના મમુ ગાંડા રબારી અને ભાવેશ હિરા રબારીની પોલીસે ધરપકડ કરી હતી. જયારે શરાબ આપનાર તરીકે નખત્રાણાના સપ્લાયર રાહુલ પરમારનું નામ ખુલ્યું હતું.

અંજારના ખેડોઈ અને મેઘપર (બો)માં આગના બે બનાવ

અંજાર : તાલુકાના ખેડોઈ નજીક જીજે. ૧ર. ડીએમ. ર૦૦૬ નંબરની કારમાં અગમ્ય કારણોસર આગનો બનાવ બન્યો હતો. બનાવ અંગે જયંતિભાઈ ચૌધરીએ પોલીસમાં નોંધ કરાવી હતી. તો મેઘપર બોરીચીમાં ગોકુલ કંપનીના ગોડાઉનમાં આગ લાગતા સરસવના ખોળનો અંદાજે ર૯૦ ટન જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જે અંગે ડે.જનરલ મેનેજર સુશીલ શ્યામનારાયણ દ્વિવેદીએ પોલીસમાં જાણવાજોગ નોંધાવી હતી.

ભચાઉની પરિણીતાએ કોર્ટ સામે જ પીધી દવા

ભચાઉ : અહીંના ન્યાયાલયની સામે પરિણીતાએ ઝેરી દવા ગટગટાવતા સારવાર માટે ખસેડાઈ હતી. ભચાઉ પોલીસમાંથી મળતી વિગતો મુજબ ગીતાબેન કોલીએ કોર્ટમાં દિકરાના કબ્જા માટેના ચાલતા કેસ અંગે કોર્ટની સામે જ દવા પીતા તેને સારવાર માટે ભુજ ખસેડાઈ હતી.

લાકડીયા નજીક ર.ર૭ લાખના બાયો ડિઝલ સાથે એકની અટક

ભચાઉ : તાલુકાના લાકડીયા નજીક ગેરકાયદેસર પેટ્રોલિયમ પ્રવાહીના જથ્થા સાથે પૂર્વ કચ્છ એલસીબીએ એક શખ્સને ઝડપી પાડ્યો હતો. એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પૂર્વ બાતમીના આધારે ખોડાસર ગામના પાટીયા પાસે બિકાનેરી હોટલના ગ્રાઉન્ડમાં રેઈડ કરાઈ હતી. જેમાં આરોપી કુલદીપસિંહ દિગ્વિજયસિંહ ગોહિલ ગેરકાયદેસર બાયો ડિઝલનું વેંચાણ કરતો હતો. આરોપીના કબ્જામાંથી ૩પ૦૦ લિટર બાયો ડિઝલ તેમજ લોખંડનો ટાંકો અને અન્ય સાધનો કબ્જે કરાયા હતા.