ક્રાઈમ કોર્નર

રાપરના ભીમાસરની સગીરા પર છરીની અણીએ દુષ્કર્મ

રાપર : તાલુકાના ભીમાસરમાં શ્રમિક પરિવારની સગીરા પર લખાગઢના શખ્સે છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું. એક વખત બળજબરી કર્યા બાદ ફોટો વાયરલ કરીને વધુ ૩ વખત બદકામ કર્યું હતું અને ફોટો વાયરલ કરતા આડેસર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. ભોગ બનનારના પિતાએ બનાવ અંગે આરોપી નરેશ ભચુ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. આરોપીએ છરીની અણીએ પહેલા બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. બદકામ કરી તેણે મોબાઈલમાં ફોટો અને વીડિયો પણ લીધા હતા જે વાયરલ કરવાની ધમકી આપી વધુ ત્રણ વખત દુષ્કર્મ આચરતા પોલીસે તપાસ આદરી છે.

માધાપરમાં બીમારીથી કંટાળી વૃધ્ધાએ કર્યો આપઘાત

ભુજ : માધાપરના નવાવાસમાં રામમંદિર સામે રહેતા ૮પ વર્ષિય વૃધ્ધાએ બીમારીથી કંટાળીને એસીડ પી આપઘાત કર્યો હતો. હતભાગી રામબાઈ મનજીભાઈ પિંડોરીયાએ પોતાના ઘેર પડેલું એસીડ ગટગટાવતા એકોર્ડ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. હતભાગીના પુત્રએ પોલીસને આપેલી વિગતો મુજબ તેમના માતાને બીમારી હતી. બીમારીથી કંટાળીને તેમણે આ પગલું ભર્યું હતું.

ભુજની બાઈક ચોરીમાં આદિપુરનો શખ્સ જબ્બે

ભુજ : શહેરમાંથી બાઈકની થયેલી ચોરીનો ભેદ ઉકેલીને પોલીસે આદિપુરના શખ્સને દબોચી લીધો હતો. એ ડિવિઝન પોલીસે આરોપી સાગર હરગોવિંદ નાઈને પકડી પાડ્યો હતો. એએસઆઈ કિશોરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે નેત્રમ કેમેરાના સહયોગથી પોલીસે ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

વરસામેડીમાં મોબાઈલ-લેપટોપની ચોરી

અંજાર : તાલુકાના વરસામેડીમાં મોબાઈલ તેમજ લેપટોપની ચોરી અંગેની ફરિયાદ નોંધાઈ હતી. અરિહંત કોલોનીમાં રહેતા ગિરિપ્રકાશ દિલિપગર ગીરીએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમણે કંપનીના લેપટોપમાં કામ પતાવી થયેલામાં મૂકયું હતું. તેમજ મોબાઈલ રાખીને સૂઈ ગયા હતા. દરમિયાન રાત્રીના અજાણ્યા તસ્કરોએ મોબાઈલ અને લેપટોપ મળી રૂા.ર૧,૦૦૦ની તસ્કરી કરી હતી.

ચાંદ્રોડામાં હોટલ સંચાલકને મારાયો માર

અંજાર : તાલુકાના ચાંદ્રોડામાં આવેલી હોટલના સંચાલકને જૂની અદાવતના મનદુઃખે માર મારવામાં આવ્યો હતો. ચાંદ્રોડા નજીક હોટલ ચલાવતા દેવજીભાઈ ઉર્ફે સુરાભાઈ રત્નાભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચાંદ્રોડાના માદાભાઈ મજાભાઈ આહીર અને શૈલેષભાઈ શંભુભાઈ આહિરે મોટર સાયકલ પર આવીને ફરિયાદીને ખાટલા સાથે ભટકાવી ધકબુશટનો મારમાર્યો હતો. બાદમાં દિનેશભાઈ નારાણ આહિર અને લખુભાઈ શંભુભાઈ આહિરે આવીને એક વર્ષ પૂર્વે બોાલચાલી કેમ કરી હતી તેવું કહીને માર માર્યો હતો.

ભુજમાં ૬ હજારની રોકડ સાથે ૩ જુગારી જબ્બે

ભુજ : શહેરના આશાપુરાનગરમાં રહેણાંક મકાનની બહાર જાહેરમાં જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે પ૮૯૦ની રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસના દરોડામાં જુગાર રમતા કાસમ હુશેન બલોચ, રફીક મામદ લાખા અને હબીબ ઉર્ફે કારા જુમા ત્રાયાની પોલીસે અટક કરી જુગારાધારાની કલમો તળે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.