કંડલામાં યુવાને જાત જલાવી કર્યો આપઘાત

ગાંધીધામ : કંડલાના રેલ્વે ઝુંપડા વિસ્તારમાં રહેતા હારૂન કાસમ સાયચા (ઉ.વ.૩૯)એ જાત જલાવી અંતિમ શ્વાસ લીધો હતો. હતભાગીના લગ્ન બારેક વર્ષ અગાઉ થયા હતા જે બાદમાં તૂટી જતા આ યુવાન એકલો હતો અને મોડી રાત સુધી જાગતો રહેતો હતો. પરિવારજનોએ સૂઈ જવાનું કહેતા મોડી રાત્રે તેણે પોતાના ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દીધી હતી અને ગંભીર રીતે દાઝી જતા પ્રથમ રામબાગમાં અને ત્યારબાદ વધુ સારવાર માટે જી.કે. ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

રોજગારી માટે ભુજ આવેલા યુવાનનો આપઘાત

ભુજ : વેરાવળથી રોજગારી માટે ભુજ આવેલા યુવાને ર૦ દિવસ પૂર્વે હમીરસર તળાવ પાસે ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. કામકાજની શોધ માટે ભુજ આવેલા વિશાલદીપ નગાભાઈ વાજા (ઉ.વ.ર૬) નામના યુવાને આર્થિક સંકળામણમાં ઝેરી દવા ગટગટાવતા ભુજની જી.કે. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. બનાવને પગલે હતભાગીના પરિવારજનોમાં શોક સાથે અરેરાટી વ્યાપી ગઈ હતી.

રાપરની કોર્ટમાંથી વકીલ પીધેલો ઝડપાયો

રાપર : અહીંની કોર્ટમાં નશાની હાલતમાં બબાલ કરતો વકીલ ઝડપાયો હતો. કોર્ટમાં ફરજ પર રહેલા પોલીસ કર્મી દશરથભાઈ શંકરભાઈ ચૌધરીએ આરોપી વકીલ કાનજી મેઘાભાઈ મકવાણા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફર્સ્ટ મેજીસ્ટ્રેટની સુચનાને પગલે વકીલને કોર્ટમાંથી પોલીસ મથકે લઈ જઈને કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વાડાસરની વાડીમાંથી ૪પ હજારના કેબલની ચોરી

ભુજ : તાલુકાના વાડાસરની સીમમાં આવેલી વાડીમાંથી કેબલની ચોરી થઈ હતી. બનાવને પગલે ભુજમાં રહેતા પ્રીતિબેન મૂળજીભાઈ વેલજીભાઈ વેકરીયાએ માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. તેમની માલિકીની વાડીમાંથી અજાણ્યા તસ્કરોએ રૂા.૪પ હજારના કેબલની ચોરી કરી હતી.

મોટા લાયજામાં દુકાનમાંથી તસ્કરી

માંડવી : તાલુકાના મોટા લાયજામાં આવેલી નિત્યા એગ્રો સીડ્‌સ એન્ડ ટ્રેડર્સ નામની દુકાનના તાળા તોડીને તેમાંથી રૂા.૬૪૬૦ની રોકડ રકમ ચોરાઈ હતી. બનાવને પગલે અબડાસાના કરોડીયાના વતની અને હાલ લાયજામાં રહેતા દુકાન માલિક મુરજી જીવરાજ ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.

લાકડીયામાંથી ૧૦ લાખના ડમ્પરની ચોરી

ભચાઉ : તાલુકાના લાકડીયામાંથી અજાણ્યા તસ્કરો રૂા.૧૦ લાખનું ડમ્પર હંકારી ગયા હતા. બનાવને પગલે ફરિયાદી રણજીતસિંહ મોકાજી જાડેજાએ ફરિયાદ નોંધાવી હતી. તેમનું જીજે. ૧ર. એડબલ્યુ. ૪પપ૭ નંબરનું ડમ્પર બગડી ગયું હતું. તેથી ડ્રાઈવર સરકારી શાળા પાસે પાર્ક કરીને ચાલ્યો ગયો હતો. જે ડમ્પર કોઈ અજાણ્યા તસ્કરો હંકારી ગયા હતા.

હવે ખાનગી મકાનમાંથી ચંદનનું ઝાડ કટરથી કાપીને કરાઈ ચોરી

ભુજ : શહેરના સ્મૃતિ મંદિરમાંથી ચંદનના ઝાડની થયેલી ચોરી બાદ હવે તેની સામે જ આવેલી સોસાયટીના ખાનગી મકાનમાં ઉભેલા ચંદનના ઝાડની ચોરી કરાઈ હતી. હોમિયોપેથીક ડોકટર ભરતભાઈ જોષીએ પોતાના ઘરના આંગણામાં વાવેલા અઢાર વર્ષ જુના ચંદનના ઝાડને કોઈ અજાણ્યા તસ્કરોએ કાપીને ચોરી કરી હતી. કટરથી વ્યવસ્થિત રીતે કાપીને અમૂલ્ય એવા ચંદનની તસ્કરી કરાઈ હતી.