ક્રાઈમ કોર્નર

ગાગોદર નજીક ટ્રેઈલરની ટક્કર લાગતા કલીનરનું મોત

રાપર : રાપર તાલુકાના ગાગોદર નજીક ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રેઈલરે ઠોકર મારતા ટ્રકના કલીનરનું મોત નીપજ્યું હતું. ગાગોદર વળાંક નજીક જીવલેણ અકસ્માત બન્યો હતો. જેમાં જામનગરથી આવતી ટ્રક જીજે. ર૭. ટી. ૮૦૪૭ના ચાલક જયરાજસિંહ ભાવસિંહ ઝાલા અને કલીનર હિતેશભાઈ નામના યુવાને ટ્રકમાં ખામી સર્જાતા ગાગોદર પાસે વાહન ઉભું રાખ્યું હતું. તેવામાં પાછળથી આવતા ટ્રેઈલર નંબર એચઆર. પ૬. એ. ૯૬૦રના ચાલકે ટ્રેકને ઠોકર મારતા કલીનર હિતેશસિંહનું મોત નીપજ્યું હતું. જ્યારે જયરાજસિંહને ઈજાઓ પહોંચી હતી.

ભચાઉમાં તસ્કરોએ ત્રણ ઘરના તાળા તોડી એક લાખની ચોરી કરી

ભચાઉ : ભચાઉ શહેરમાં આવેલ પટેલવાસમાં તસ્કરોએ ત્રણ મકાનને નિશાન બનાવીને ધોળા દિવસે એક લાખની માલમતાની ચોરી કરી હતી. ભચાઉના પટેલવાસમાં રહેતા ખીમજી રાજાભાઈ વૈધ (પટેલ)એ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના ઘરના તાળા તોડી તસ્કરો સોનાનું મંગલસુત્ર, પગના સાંકળાની જોડી નંગ-ર, રોકડ રૂપિયા દસ હજાર સોનાની રીંગની જોડ-૧ એમ કુલ રૂા.૮૮,૦૦૦ની મતાની ચોરી થઈ હતી. ઉપરાંત ફરિયાદીના પડોશમાં ઘરના તાળા તોડી રોકડા રૂપિયા દસ હજારની ચોરી કરી હતી. તેમજ આ જ વિસ્તારમાં રહેતા જસાભાઈ સાંઢાના ઘરમાંથી સોનાની વીંટી, પગના સાંકળાની જોડી તથા રોકડા ૭૦૦ રૂપિયાની ચોરી કરી હતી. આમ તસ્કરોએ ત્રણ ઘરમાંથી કુલ રૂા.૧,૦૮,૭૦૦ની મતાની ચોરી કરી હતી.

ગાંધીધામમાં યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો

ગાંધીધામ : ગાંધીધામમાં ૩પ વર્ષિય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ગાંધીધામ રેલ્વે કોલોની પાસે ખોડિયારનગરના ઝુંપડામાં રહેતા ૩પ વર્ષિય બિલાવરસિંગ સતબીરસિંગ વાલ્મિકીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ ફાની દુનિયાને અલવિદા કરી દીધી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માંડવીમાં દારૂ સાથે બુટલેગર ઝડપાયો

માંડવી : માંડવીમાં ૧૪ હજારના દારૂ સાથે મિરજાપરનો બુટલેગર ઝડપાયો હતો. માંડવીના વ્હારાના હજીરાની બાજુમાં નદી પટ્ટમાં મારૂતિ-૮૦૦ની બાતમીને આધારે પોલીસે તલાસી લેતા તેમાં દારૂની ૩૬ બોટલ કિંમત રૂપિયા ૧ર,૬૦૦ દેશી દારૂ ૬૦ લીટર કિંમત રૂપિયા ૧ર૦૦ તથા કારની કિં.રૂા.૩૦,૦૦૦ એમ કુલ રૂપિયા ૪૩,૮૦૦ના મુદ્દામાલ સાથે મિરજાપરના મોહિત અમૃતલાલ સોનીને પોલીસે પકડી પાડ્યો હતો. તેમજ આ કામમાં તેની સાથે વિનોદ અજીતસિંહ ચુડાસમા અને મામદ બ્લોચ (રહે. બન્ને માંડવી) સંડેવાયેલા હોવાથી પોલીસે ત્રણ વિરૂધ્ધ કાર્યવાહી આદરી છે. અત્રે નોંધનીય છે કે, મોહિત વિરૂધ્ધ દારૂ સંબંધિત અન્ય ગુનો નોંધાયેલા છે.

કુકમામાં પરિણીતાને પીવડાવાઈ ઝેરી દવા

ભુજ : તાલુકાના કુકમાની પરિણીતાને તેના સાસરીયાઓ દ્વારા બળજબરી પૂર્વક ઝેરી દવા પીવડાવી દેતા સારવાર માટે ખસેડાઈ છે. મરીયમબાઈ ઉમર બાફણે પોલીસ નોંધમાં જણાવ્યું હતું કે, પરિણીતાને તેની સાસુ અને દેરાણીએ પકડી રાખી હતી અને તેના દિયર સુલેમાન ઉર્ફે સલોએ માથામાં ધોકો મારીને બળજબરીથી ઝેરી દવા પીવડાવી હતી. ભોગગ્રસ્તને જી.કે.માં ખસેડાતા પધ્ધર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

માધાપરમાં પરિણીતાની છેડતી કરી માર મારવાની ધમકી

ભુજ : માધાપરમાં બે ભાઈઓએ પરિણીતાને ગંદા ઈશારા કરીને તેમજ તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો હતો. માધાપર નવાવાસમાં રહેતી પ૦ વર્ષિય પરિણીત મહિલાએ આરોપી કપીલભાઈ દેવજી સુથાર અને અમીત દેવજી સુથાર વિરૂધ્ધ ગંદા ઈશારા કરી છેડતી કર્યાની તેમજ રમીલા દેવજી સુથાર અને પૂજા કપીલભાઈ સુથાર વિરૂધ્ધ માર મારવાની ફરિયાદ નોંધાવી હતી.

વરસામેડીમાં સગીરાની છેડતી કરાતા ફરિયાદ

અંજાર : તાલુકાના વરસામેડીમાં ૧૩ વર્ષિય સગીરાની છેડતી કરાતા સગીરાની માતાની ફરિયાદને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વરસામેડીમાં બાગેશ્રી સોસાયટીમાં રહેતા સંજય ભૂતાભાઈ મહેશ્વરીએ સગીરાના ખંભા પર હાથ મૂકી તેનો હાથ પકડતા સગીરાએ બૂમો પાડી હતી. બનાવને પગલે અંજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

સંઘડમાં નોકર ચોરી કરી પ૧ હજારનું ડિઝલ બારોબાર વેચાયું

અંજાર : તાલુકાના સંઘડમાં મીઠાના કારખાનામાં ચાલતા ૪ લોડરના ચાલકોએ ડીઝલ ચોરી કરીને બારોબાર વેંચી મારતા કંડલા મરીન પોલીસમાં ગુનો નોંધાયો હતો. જય જોગણીનાર સોલ્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા કલ્પેશ હીરાભાઈ ચૈયાએ રમેશકુમાર રળીયારામ, અમીતકુમાર સુભાષલાલ, બલવીર ગોપાલદાસ તેમજ મોસિતખાન આલમ નામના લોડર ચાલક તેમજ અસગર નામના એક બાઈક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ચારે લોડર ચાલકો દરરોજ રાત્રે લોડરમાંથી ર૦-ર૦ લીટર ડીઝલ કાઢીને બાઈક ચાલક આરોપીને આપતા હતા. ૩૦ દિવસમાં કુલ પ૧,૬૦૦નું ૬૦૦ લીટર ડીઝલ વેચી મારી વિશ્વાસઘાત ઠગાઈ આચરતા ગુનો નોંધાયો હતો.