ક્રાઈમ કોર્નર

મુંદરાના ગુંદાલા, માંડવીના કોડાય નજીક અકસ્માતે રના મોત

મુંદરા : તાલુકાના વડાલા-ગુંદાલા વચ્ચે બાઈક સ્લીપ થતા મૂળ અમદાવાદના હટડી ગામે રહેતા અને અદાણી બંદરે નોકરી કરતા જયરાજસિંહ અશોકસિંહ ઝાલા (ઉ.વ.ર૩)નું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ભુજ-માંડવી હાઈવે પર કોડાય નજીક સ્વામિનારાયણ ગુરૂકુળ પાસે બોલેરોની હડફેટે એકટીવા આવી જતા વૃધ્ધનું મોત નીપજ્યું હતું. બનાવમાં મસ્કાના લાલજી કરશન કેરાઈ (ઉ.વ.૬ર)ને ગંભીર ઈજાઓ થતા મોત નીપજ્યું હતું.

કોઠારા નજીક બાઈકનું ટાયર ફાટતા એકનું મોત

નલિયા : ભુજના દાદુપીર રોડ રહેતા સસરા-જમાઈ સેન્ટ્રીંગ કામ માટે જખૌ જતા હતા તે દરમિયાન કોઠારા નજીક બાઈકનું ટાયર ફાટતા સસરાનું મોત થયું હતું. જયારે જમાઈને ઈજાઓ થઈ હતી. બનાવમાં ઉમર ઓસ્માણ સમા (ઉ.વ.પપ)એ દમ તોડ્યો હતો. જયારે કાસમ ઈસ્માઈલ સુમરા (ઉ.વ.રર)ને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે કોઠારા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

મોડવદરમાં સગીરા અને મેઘપરમાં યુવાનનો આપઘાત

ભુજ : તાલુકાના મોડવદર ગામની સીમમાં ઝેરી દવા પી જનાર સગીરાનું મોત નીપજ્યું હતું તો મેઘપર (બોરીચી)ના યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. મોડવદરની વાડીમાં કામ કરતી ૧૬ વર્ષિય પુરીબેન ઉમરભાઈ કોલીએ ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું. તો અંજારના મેઘપર (બો.)માં રહેતા સુરેન્દ્રકુમાર રંજનકુમાર નામના યુવાને પોતાના ઘેર દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

રાપરમાં બંધ મકાનમાંથી ૮ર હજારની ચોરી

રાપર : શહેરના ગેલીવાડી વિસ્તારમાં શહેરી નં.૮મા દિનદહાળે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરોએ રોકડ રકમ તેમજ દાગીના મળીને ૮ર હજારની તસ્કરી કરી હતી. ફરિયાદી ગંગાભાઈ અંબાવીભાઈ પટેલ સવારે ૬ વાગ્યે વાડી ગયા બાદ બપોરે પરત આવતા ચોરીનો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. જેને પગલે રાપર પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

આદિપુરમાં ધોળા દિ’એ ૪૩ હજારની ચોરી

ગાંધીધામ : આદિપુર વોર્ડ નં.૧/એ આંબેડકર સોસાયટીમાં બંધ મકાનના તાળા તોડી ૪૩,પ૦૦ની માલમત્તા ચોરાઈ હતી. બનાવને પગલે ટોકરશીભાઈ પંચાણ લાલણે આદિપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગત તા.ર૪/૬ના તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડ રૂા.૩ર,પ૦૦ તેમજ ચાંદીની ઝાઝર મળીને ૪૩,પ૦૦ તસ્કરી કરી હતી. બનાવને પગલે પોલીસે તપાસ આદરી છે.

ડુમરામાં યુવાનનું એફબી હેક કરી નાણા ખંખેરવા પ્રયાસ

નલિયા : અબડાસાના ડુમરામાં રહેતા યુવાનનું ફેસબૂક એકાઉન્ટ હેક કરી નાણા ખંખેરવા પ્રયાસ કરાયો હતો. બનાવને પગલે કોઠારા પોલીસ મથકે ફરિયાદ અરજી કરાઈ હતી. ફરિયાદી સુમરા સતાર ઈબ્રાહીમના જુના ફેસબૂકની આઈડી પરથી કોઈ હેકરે તેના કેટલાક મિત્રો સાથે સામાન્ય વાતચીત કર્યા બાદ આર્થિક રીતે નાણાકીય મદદ કરવા માટેના મેસેજ કરી ઓનલાઈન રૂપિયા જમા કરાવવા માટેની માંગણી કરી હતી. તેમના મિત્રોને સંકા જતા તેમણે સતારભાઈને પુછપરછ કરતા તેમણે કોઈ મેસેજ મોકલ્યા ન હતા. જેને પગલે કોઠારા પોલીસમાં અરજી કરાઈ હતી.

આધોઈમાં પતિએ પત્નીને માર્યો માર

ભચાઉ : તાલુકાના આધોઈમાં પત્નીએ દાઢી માટેના પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ થપ્પડ માર્યા બાદ પથ્થર વડે માર માર્યો હતો. બનાવને પગલે રંજનબા ઉર્ફે ગગુભા ઝાલુભા બળવંતસંગ વાઘેલાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેઓ તેમના ભાઈ દિલીપસિંહના ઘેર ગયા હતા. તે દરમિયાન તેના પતિએ ઝાલુભાએ આવીને દાઢી માટેના પૈસા માંગ્યા હતા જે ન હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા પતિએ માર માર્યો હતો.