ક્રાઈમ કોર્નર

ભુજના યુવાનનો આર્થિક સંકળામણને કારણે આપઘાત

ભુજ : શહેરના મટન માર્કેટ દેવરી ફળિયામાં રહેતા યુવાને આર્થિક ભીંસને કારણે ગળે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી હતી. ર૦ વર્ષિય દીપક વાલજીભાઈ મહેશ્વરીએ પોતાના ઘેર આત્મઘાતી પગલું ભર્યું હતું. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરાદીના કિશોરનું સર્પ દંશથી મોત

માંડવી : તાલુકાના ફરાદીમાં રહેતા ૧૩ વર્ષિય અસલમ મામદ ચવાણનું સર્પ દંશથી મોત થયું હતું. હતભાગી પોતાના મોટાભાઈ સાથે સૂતો હતો. ત્યારે રાત્રીના ૧ વાગ્યાના અરસામાં સાપ કરડ્યો હતો. ભોગગ્રસ્તને પ્રથમ માંડવીમાં સારવાર આપ્યા બાદ ભુજ ખસેડાતા માર્ગમાં દમ તોડ્યો હતો.

ભચાઉના કંથકોટ અને નખત્રાણાના ભડલીમાં પરિણીતાઓનો આપઘાત

ભચાઉ : તાલુકાના કંથકોટમાં તેમજ નખત્રાણાના ભડલીની પરિણીતાઓએ આપઘાત કરી જીવનલીલા સંકેલી હતી. કંથકોટમાં રહેતા ર૧ વર્ષિય પરિણીતા સંગીતાબેન હિતેષભાઈ કોલીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. બનાવને પગલે સામખિયાળી પોલીસે તપાસ હાથ ધરી છે. તો નખત્રાણાના ભડલીમાં રહેતી ર૧ વર્ષિય મમતાબેન ભાવેશભાઈ મહેશ્વરી ગત ર૬મી જૂને વધુ પડતી ગોળીઓ ખાઈ જતા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બનાવને પગલે નખત્રાણા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ભુજમાં પ મહિલા જુગારીઓ ઝડપાઈ

ભુજ : સરપટનાકા બહાર આશાપુરાનગર પાસે તીનપત્તીનો જુગાર રમતી પ મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી. પોલીસના દરોડામાં ભારતીબેન તુલસીભાઈ કોલી, પારૂલબેન હેમરાજભાઈ કોલી, ગીતાબેન ચંદ્રેશભાઈ કોલી અને અનિતાબેન રમેશભાઈ કોલી નામની પાંચ મહિલાઓ બબીબેનના ઘરની બહાર જુગાર રમતા ઝડપાઈ હતી. પોલીસે તેમના કબ્જામાંથી રોકડ રૂા.ર૯૧૦ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.

ભચાઉમાં યુરો કંપનીમાંથી ૭૦ હજારનો કેબલ ચોરાયો

ભચાઉ : તાલુકાના નવાગામમાં આવેલ યુરો સિરામિક કંપનીને તસ્કરોએ નિશાન બનાવીને બે મોટર અને કેબલ મળીને ૭૦ હજારની તસ્કરી થઈ હતી. બનાવને પગલે કંપનીમાં સિક્યોરિટીની કામગીરી સંભાળતા બાબુભાઈ રબારીએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગત તા.ર૭/૬થી ર૯/૬ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ ૧૦ હજારની બે મોટર અને પ૦૦ મીટર કેબલ મળીને અંદાજે રૂા.૭૦ હજારની તસ્કરી કરી હતી. બનાવને પગલે ભચાઉ પોલીસે તપાસ હાથ ધરી છે.

ખાવડાની સગીરાનું અપહરણ કરી ભાગેલો શખ્સ બાઈક સ્લીપ થતા ઝડપાયો

ભુજ : તાલુકાના ખાવડામાંથી કુરન ગામના શખ્સે સગીરાનું અપહરણ કર્યું હતું અને ધ્રોબાણા પાસે બાઈક સ્લીપ થઈ જતા બન્ને ઝડપાયા હતા. સગીરાના પિતાએ ખાવડા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં કુરનના મનોજ નારાણ લાખિયાએ ૧૪ વર્ષિય સગીરાનું અપહરણ કર્યું હતું. લલચાવી ફોસલાવી બદઈરાદાથી લઈ જનાર શખ્સનું બાઈક ધ્રોબાણા નજીક સ્લીપ થઈ જતા બન્નેને ઈજાઓ પહોંચી હતી. બન્ને ખાવડા સીએચસીમાં ખસેડાયા હતા. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજના યુવકને બે અજાણ્યા શખ્સોએ ધોકાથી માર્યો માર

ભુજ : શહેરના ભીડનાકા વિસ્તારમાં રહેતા વિવેક મહેન્દ્રભાઈ ગોસ્વામી (ઉ.વ.રપ) નામના યુવાનને રસ્તામાં આતરીને બે શખ્સોએ માર માર્યો હતો. ધોકા વડે યુવાનને માર મરાતા ઘવાયેલા વિવેકને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.