ક્રાઈમ કોર્નર

ભુજ-અંજારમાં ૮ ચોરીઓ કરનાર શખ્સ જબ્બે

અંજાર : ભુજ અને અંજારમાં ૮ ચોરીઓને અંજામ આપીને નાસતા-ફરતા આરોપીને અંજાર પોલીસે ઝડપી પાડ્યો હતો. અંજારના ગંગાનાકે આવેલી મુકેશ ફતનદાસ રાજાણીની કેબિનના તાળા તોડીને ૧પ,૦૦૦ના મુદ્દામાલની ચોરી થઈ હતી. જેમાં આરોપી સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતા પોલીસે તપાસ આદરીને આરોપી કાનજી ઉર્ફે કાનો પ્રેમજીભાઈ વાઘમશી (સોરઠિયા)ની ધરપકડ કરાઈ હતી. આરોપીની પૂછતાછમાં અંજારમાં નોંધાયેલા ૬ અને ભુજ બી ડિવિઝન પોલીસમાં નોંધાયેલા બે મળીને ૮ ગુનાનો ભેદ ઉકેલાયો હતો.

પચ્છમના કોટડામાંથી ગૌમાંસ સાથે એક જબ્બે

ભુજ : સરહદી ખાવડા પચ્છમ વિસ્તારના કોટડા ગામની સીમમાંથી ખાવડા પોલીસે ગૌવંશનું કતલખાનું ઝડપી પાડ્યું હતું. બાતમીને આધારે પોલીસે ૧૦૦ કિલા ગૌમાસ, ર કુહાડી, ૩ છરા અને ૧ મોબાઈલ સાથે મોડજી કાસમ સમા નામનો શખ્સ ઝડપાયો હતો. જ્યારે અન્ય ચાર ઈશમો રહીદ હારૂન સમા, અબ્દ્રીમ્ન ઉર્ફે બોડો કાસમ સમા, અલાના ઈશાક સમા તેમજ હશન તૈયબ સમા નાશી ગયા હતા. પોલીસે બનાવને પગલે રૂા.૮૬પ૦નો મુદ્દામાલ ઝડપી ગુનો રજીસ્ટર કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ભુજ અને ભીમાસરમાંથી ૬ જુગારી જબ્બે

ભુજ : શહેરના એરપોર્ટ રોડ પર રેલ્વે ફાટકની બાજુમાં આવેલ રસીદની ચાયની હોટલ પાછળ ધાણીપાસાનો જુગાર રમતા રાજ બીપીન રાજગોર અને વ્રજલાલ રેવાશંકર રાજગોરની રોકડા રૂા.૧૦,રપ૦ સાથે અટક કરાઈ હતી. તો રાપરના ભીમાસર (ભુ)માં રેલ્વે સ્ટેશન તરફ જતા માર્ગ પર બાવળની ઝાડીઓમાં જુગાર રમતા ભચુભાઈ જીવાભાઈ રબારી, મગન રાયમલ કોલી, જયસુખ રામજી કોલી અને જયરાજ દુદા કોલીની ૧૩,૮૦૦ની રોકડ તેમજ ૬પ૦૦ના ૪ નંગ મોબાઈલ સાથે ધરપકડ કરાઈ હતી.

આધોઈના નદીપટ્ટમાંથી મળ્યું નર કંકાલ

ભચાઉ : તાલુકાના આધોઈ ગામે નદીના પટમાંથી માનવ ખોપરી મળતા ભેદભરમ સર્જાયા હતા. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ દોડતી થઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસે જણાવ્યું હતું કે, બાજુમાં આવેલા સ્મશાનમાંથી કોઈ જાનવરે કબરખોદી તેમાંથી ખોપરી બહાર કાઢી હોવાનું જણાઈ આવે છે. તેમ છતાં આ બાબતને ગંભીરતાથી લઈને ઝીણવટ ભરી તપાસ કરવામાં આવશે તેવું પોલીસ સુત્રોએ ઉમેર્યું હતું.

સતાપર નજીક બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

અંજાર : તાલુકાના સતાપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત નીપજ્યું હતું. સ્વામિનારાયણનગરમાં રહેતા રાહુલ દિલીપભાઈ બારોટ (ઉ.વ.૩પ)નું મોત નીપજ્યું હતું. હતભાગી યુવાન બાઈક લઈને કંપનીમાં જવા નીકળ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થતા માથાના ભાગે નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

માધાપરથી કાર લઈને નાઠેલો સાધુ ઝડપાયો

ભુજ : માધાપર હાઈવે પરથી કાર લે-વેચ કરતા વેપારી પાસેથી ફોરચ્યુનર કાર લઈને નાસેલો સાધુ અંતે ઝડપાયો હતો. આરોપી સાધુ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હોઈ પોલીસે કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ભુજ બી ડિવિઝન પોલીસની ટીમે રાજસ્થાનથી આરોપી પ્રદીપકુમાર શાહ (ઉ.વ.૬૦) નામના ઢોંગી સાધુની ધરપકડ કરી હતી. આરોપી પાસેથી પોલીસે કાર અને રૂા.પ૦ હજાર રિકવર કરીને આગળની તપાસ હાથ ધરી છે.