કંડલામાં ડમ્પરે ટક્કર મારતા સાયકલ સવારનું મોત

ગાંધીધામ : સંકુલના કંડલામાં એલએમજી ગોડાઉન પાસે પૂરપાર જતા ડમ્પર ચાલકે શ્રમિકોને ભોજન આપીને સાયકલથી પરત ફરતા વૃધ્ધને ટક્કર મારી હતી. બનાવને પગલે પંકજકુમાર મધુસુધન રાય યાદવે કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેના ૬૬ વર્ષિય કાકા દિનેશરાય યાદવને ડમ્પર ચાલકે હડફેટમાં લઈને મોત નીપજાવ્યું હોવાનું જણાવ્યું હતું. બનાવને પગલે કંડલા મરીન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

નવી ભચાઉના વૃધ્ધનો બીમારીથી કંટાળી આપઘાત

ભચાઉ : નવી ભચાઉ વિસ્તારમાં રહેતા ૭૬ વર્ષિય પરબતભાઈ કચરાભાઈ પટેલે છછડા તળાવમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. હતભાગી પેટની ગાંઠથી પીડાતા હતા. બે-ત્રણ દિવસમાં અમદાવાદથી રીપોર્ટ આવી ગયા બાદ ભચાઉની ખાનગી હોસ્પિટલમાં પેટનું ઓપરેશન પણ થવાનું હતું. તે પૂર્વે જ હતભાગીએ સવારે ચા-નાસ્તો કર્યા બાદ કકરવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ તળાવમાં ઝંપલાવી મોતને વ્હાલું કર્યું હતું.

નંદગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત

ભચાઉ : તાલુકાના નંદગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકનું મોત નીપજ્યું હતું. મુંદરાથી સોયા ભરીને થરાદ જવા નીકળેલા મૂળ યુપીના ઓમપ્રકાશ દિનાનાથ રાઠોડ આગળ જતી ગાડીમાં પોતાના કબ્જાનું ટ્રક અથડાવી દેતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બહુમાળી ભવન પાસે નાણા મુદ્દે વકીલને માર મરાતા ફરિયાદ

ભુજ : અહીંની બહુમાળી ભવનની કચેરી ખાતે રૂપિયા મુદ્દે વકીલને ફડાકા ઝીંકી દેવાતા ફરિયાદ નોંધાઈ હતી. જુની રાવલવાડીમાં રહેતા જોગેશકુમાર મોહનલાલ આશરએ મયુર પરમાર વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ એક વર્ષ પૂર્વે રૂા.પ૦૦૦ આપીને વકીલાત બાબતે સલાહ લઈને કામ પણ કરાવ્યું હતું. છતાં નાણાની ઉઘરાણી કરી ઉશ્કેરાઈને માર મારતા ફરિયાદ નોંધાઈ હતી.

આદિપુરમાં યુવાનને મારમારી જાતિ અપમાનિત કરાયો

ગાંધીધામ : આદિપુરમાં છોકરીને મુકવા બાબતે યુવાનને મારમારી જાતિ અપમાનિત કરતા એટ્રોસિટી એકટની કલમો તળે ગુનો નોંધાયો હતો. બનાવને પગલે અંકિત નવીનભાઈ ભીલે ફરિયાદ નોંધાવી હતી. આરોપી અજયસિંહ વાઘેલાએ ફરિયાદીને જાતિ અપમાનિત કરીને ધકબુશટનો માર માર્યો હતો. તેમજ તેના કાકાને છરી મારવા જતા હાથ વચ્ચે નાખતા હાથમાં ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે આદિપુર પોલીસે એટ્રોસિટી એકટને પગલે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઝરપરા વાડી વિસ્તારમાંથી ૪ર હજારની તસ્કરી

મુંદરા : તાલુકાના ઝરપરા ગામે ખોયડી વાડી વિસ્તારમાં ઓયડીના નળિયા ખસેડીને રૂા.૪ર હજારની રોકડ રકમની તસ્કરી કરાઈ હતી. બનાવને પગલે વાડી માલિક પુનશી વિશ્રામ ગઢવીએ ગુનો નોંધાવ્યો હતો. તેમની વાડીની ઓયડીના બંધ મકાનને અજાણ્યા તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી હતી. જેને પગલે મુંદરા પોલીસે તપાસ હાથ ધરી છે.

ખોખરાની વાડીમાંથી ૧૧ હજારનો કેબલ ચોરાયો

અંજાર : તાલુકાના ખોખરા વાડી વિસ્તારમાંથી ૧૧ હજારના કેબલની ચોરી કરાઈ હતી. ફરિયાદી ઘનશ્યામસિંહ ભીખુભા જાડેજાની વાડીની મોટર ખરાબ થઈ જતા રિપેરીંગ માટે બહાર કાઢી હતી. સાંજે મોડુ થઈ જતા મોટર, વાયર અને ઘોડી ત્યાં જ મૂકી દીધા હતા. જેમાંથી રાત્રી દરમ્યાન કોઈ અજાણ્યા ઈશમોએ ૧૧ હજારનો કેબલ ચોરી જતા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ હતી.

ધાણેટીમાં બોલાચાલી થતા યુવાન પર હુમલો

ભુજ : તાલુકાના ધાણેટી ગામે થયેલી બોલાચાલીમાં યુવાનને લોખંડના પાઈપ અને હોકી વડે માર મારવામાં આવ્યો હતો. બનાવને પગલે રામુ ભીમા માતા (ઉ.વ.૪૦)એ ભરત બચુભાઈ માતા, વાલા લખણ માતા અને નિકુલ વાલા માતા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.