ક્રાઈમ કોર્નર

ભુજમાં સાયકલનો અનોખો શોખ ધરાવતા યુવાનનો આપઘાત

ભુજ : શહેરના મુંદરા રોડ પર લાયન્સનગરમાં રહેતા ૩૮ વર્ષિય યુવાને આપઘાત કર્યો હતો. મસાલાની પેકીંગનું કામકાજ કરતા અને સાયકલનો અનોખો શોખ ધરાવતા રાહુલ લાભશંકર જોષીએ કોઈ અગમ્ય કારણોસર ઘરના રસોડાની છતની હુંકમાં નાયલોનની દોરી વળે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરતા પીએસઆઈ વી.આર. ઉલ્વાએ આગળની તપાસ હાથ ધરી છે.

પરજાઉમાં નળિયા સંચારતો યુવાન નીચે પટકાતા મોત

નલિયા : અબડાસાના પરજાઉ ગામે ઘરના નળિયાનું સંચારકામ કરતો ૪૦ વર્ષિય યુવાન નીચે પટકાયા બાદ સારવાર દરમિયાન મોતને ભેટ્યો હતો. અબડાસાના વાંકુ ગામે રહેતા જુવાનસિંહ હરીસિંહ જાડેજા ગત રરમી જૂનના પરજાઉમાં આવેલા અજીતસિંહ જટુભા જાડેજાના મકાનના નળિયા સંચાર તો હતો. દરમિયાન અકસ્માતે નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો. જ્યાં તેણે દમ તોડતા જખૌ પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરી આગળની તપાસ હાથ ધરી છે.

ટેસ્ટ ડ્રાઈવના બહાને માધાપરથી રાજસ્થાની સાધુ કાર લઈ ફરાર

ભુજ : માધાપર હાઈવે પર વાહન લે-વેંચની ઓફિસ ધરાવતા યુવાન પાસેથી રાજસ્થાનના સાધુએ કારની ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહાને કાર લઈને રફુચક્કર થઈ જતા ગુનો નોંધાયો હતો. બનાવને પગલે મહેશનગર વેલગર ગુંસાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ પ્રદીપ બાપુ નામનો શખ્સ તેમની ઓફિસે આવ્યો હતો અને રાજસ્થાનના બાડમેર નજીક રૂડિયાધામના ગદિપતિની ઓળખ આપી હતી. ફરિયાદીની ફોરચ્યુનર કારની ટેસ્ટ ડ્રાઈવ લેવાના બહાને કાર સહિતના દસ્તાવેજો અને પ૦ હજાર રૂપિયા લઈને સાધુ ફરાર થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

ભચાઉના એસટી ડેપોમાં બે સલામત સવારી ટકરાઈ

ભચાઉ : અહીંના એસટી ડેપોમાં નારાયણ સરોવરથી અમદાવાદ તરફ જતી બસ અને ભુજથી દહેગામ જતી વોલ્વો બસ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં નારાયણ સરોવર-અમદાવાદ રૂટની બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. સદનસીબે મોટો અકસ્માત ટળ્યો હતો, પરંતુ ઘટનાને કારણે મુસાફરોને હાલાકી થઈ હતી.

ભચાઉમાં વેપારના રૂપિયા અને બાઈક લઈ બે ભાઈઓ ફરાર

ભચાઉ : શહેરના કસ્ટમ ચાર રસ્તા પાસે આવેલ ગાયત્રીભેલ સેન્ટર ચલાવતા ગજેન્દ્રસિંહ દિવાનસિંહ સિસોદીયા પાસે ૪-પ વર્ષથી કામ કરતા સોનુ અને રવિ ગોવેરામ નામના યુવાનો વેપારના રૂા.૪ર૦૦ અને શેઠની ભલામણથી પડોશીની રૂા.૪૦ હજારની બાઈક લઈને છૂ થઈ ગયા હતા. બનાવને પગલે ભચાઉ પોલીસમાં ફરિયાદ અરજી અપાઈ હતી.