ક્રાઈમ કોર્નર

આદિપુરમાં સેન્ટ્રિંગ કારીગરનું વીજશોકથી મોત

ગાંધીધામ : આદિપુરમાં સેન્ટ્રિંગનું કામ કરતા યુવાનને વીજશોક લાગતા મોત નીપજ્યું હતું. મેઘપર કુંભારડીના ગુરૂકૃપાનગરમાં રહેતા દિલીપ ગોવિંદભાઈ ચારણ (ઉ.વ.રર) વાળો આદિપુરના મકાનમાં સેન્ટ્રિંગનું કામ કરી રહ્યો હતો. કામમાં તે લોખંડનો લાંબો સળીયો લઈને જતો જે વીજતાર સાથે સંપર્કમાં આવતા તેને વિદ્યુત આંચકો લાગ્યો હતો. જેમાં હતભાગી યુવાનનું મોત નીપજ્યું હતું.

ચોરાઉ કોપર અને એલ્યુમિનિયમના વાયર સાથે બે જબ્બે

માંડવી : તાલુકાના ભુજ-માંડવી હાઈવે પર કંઢેરાઈ ચોરી પ્રાથમિક શાળા નજીકથી છકડામાં ચોરાઉ મનતા તાંબા અને ધાતુના વાયર સાથે બે શખ્સોને પશ્ચિમ કચ્છ એલસીબીએ ઝડપી પાડ્યા હતા. ઉપરાંત બે જૂની ઈલેકટ્રીક મોટર સહિત ૩ લાખથી વધુનો જથ્થો કબ્જે કરાયો હતો. પોલીસે આરોપી નાઝીર રફીક બલોચ અને વિશાલ રામજી સથવારાને પોલીસે ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીધામમાંથી આંકડાના જુગારનો બૂકી જબ્બે

ગાંધીધામ : અહીંના ચાવલા ચોકમાં વરલી મટકાનો જુગાર રમી આંકડાનું બુકીંગ લેતા શખ્સને પોલીસે રૂા.ર હજારની રોકડ સાથે ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝનની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભારતનગરની ઝુલેલાલ સોસાયટીમાં રહેતા પપ વર્ષિય છનાલાલ પ્રભુરામ ઠક્કરને ઝડપી પાડી તેના કબ્જામાંથી રૂા.૧પ૦૦ની રોકડ રકમ અને રૂા.પ૦૦નો મોબાઈલ કબ્જે કર્યો હતો.

ઢોરીમાં દિયરે ભાભીને ધોકાવતા સારવાર તળે

ભુજ : તાલુકાના ઢોરી ગામે રહેતા હુરબાઈ લતીફ ખલિફાને તેના દિયર અસલમ અલીમામદ ખલિફાએ ધોકાથી મારમાર્યો હતો. ઈજાગ્રસ્તને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી.

ભુજમાં ઘર ખાલી કરવા મુદ્દે પરિવારમાં મારામારી

ભુજ : શહેરના કેમ્પ વિસ્તારમાં અબ્દુલ અજીજ ઈસ્માઈલ સમેજાએ બીજા લગ્ન કરી લીધા બાદ પ્રથમ પત્ની સમીબેન ઘરનો તમામ સામાન લઈ જતા અબ્દુલે તેને ઘર ખાલી કરી નીકળી જવાનું કહીને અને મારમાર્યો હતો. જ્યારે અબ્દુલને તેની પત્ની અને પુત્રએ માર મારતા ઘવાયેલા દંપતિને સારવાર માટે ખસેડાયું હતું.

તુણામાં થયેલી ચોરી અંગે બે ભાઈઓ-ભાભી સામે ફોજદારી

અંજાર : તાલુકાના તુણા ગામે એક ઘરમાં ઘૂસીને તિજોરીમાંથી રોકડ રકમ અને કટલેરી મળીને રૂા.૧૮,૦૦૦ મુદ્દામાલ ચોરી કરવાના કિસ્સામાં બે ભાઈ અને ભાભી વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. બનાવને પગલે ફાતમાબેન હુશેન જુણેજાએ ભાઈ અબ્દુલ અને તેમની પત્ની ફાતમા તેમજ બીજા ભાઈ અકબર અને ભાભી તાયબા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. બનાવને પગલે પોલીસે તપાસ આદરી છે.