ક્રાઈમ કોર્નર

મીઠીરોહરના બેન્સામાં આગથી મેનેજરનું કરૂણ મોત

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં આવેલ અરૂણાચલ ટીમ્બર કંપનીમાં લાગેલી આગના બનાવમાં હૈદરાબાદના પી.સંપત (ઉ.વ.પ૭)નું મોત નીપજ્યું હતું. મંગળવારે સાંજે લાગેલી આગ બુધવારે સવારે કાબૂમાં આવી હતી. ભીષણ આગની જવાળાઓમાં મેનેજર સંપડાઈ જતા જીવતા ભૂંજાઈ ગયા હતા. આગના બનાવમાં તેઓ કોઈ કારણોસર બહાર ન નીકળી શકતા કરૂણ મોત નીપજ્યું હતું. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.

વાયોર પોલીસની હદમાં ચોરીના બે શખ્સ જબ્બે

નલિયા : અબડાસાના વાયોર પોલીસ મથકમાં દાખલ થયેલા ચોરીના કેસમાં ઐડાના બે શખ્સોની ધરપકડ કરાઈ છે. પોલીસે સિધ્ધરાજસિંહ દિલુભા જાડેજા અને સિકંદર ઉરસ ઉઠારની ઝડપી પાડી ચોરાઉ મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અન્ય કોઈ શખ્સોની સંડોવણી છે કે કેમ તેની તપાસ હાથ ધરાઈ છે.

કેરાના દાબેલીના ધંધાર્થી સાથે પ૬૦૦ની ઓનલાઈન ઠગાઈ

ભુજ : તાલુકાના કેરા ગામે આર્મીના જવાનના નામે રૂા.પ૬૦૦ની ઓનલાઈન ઠગાઈ કરાઈ હતી. કેરામાં શિવાંશ દાબેલીવાળા દિપેશભાઈ ભરતભાઈ ઉમરાણીયા સાથે છેતરપીંડી કરાઈ હતી. ઈન્ડીયન આર્મીના જવાનના નામે ૧૮૦૦થી ર૦૦૦નો નાસ્તો બૂક કરાવ્યા બાદ આરોપીએ એટીએમમાંથી નાણા નીકળ્યા ન હોવાનું કહીને દીપેશભાઈ પાસેથી કાર્ડનો ફોટો મંગાવી તેમાં ટ્રાન્સફર કરવાનું જણાવ્યું હતું. ફરિયાદીએ ના પાડતા સામેથી વીડિયો કોલ કર્યો હતો અને યુનિફોર્મમાં સજ્જ થઈ હિન્દીમાં વાત કરીને ‘‘મૈ તુમ્હારે જૈસે છોટે ઈન્સાન કો ક્યૂ લૂંટુંગા, મૈ જાનતા હું માહોલ કૈસા હૈ’’ તેવી વાતો કરીને વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરી હતી.

સમાઘોઘાથી બિનવારસુ મળેલા ટ્રેલરના નંબર ખોટા

મુંદરા : તાલુકાના સમાઘોઘા નજીક જિંદાલ કંપની નજીકથી બિનવારસુ મળેલા બે ટ્રેલર પૈકી એકની નંબર પ્લેટ અને ચેચીસ નંબર ખોટા હોવાનું બહાર આવ્યું હતું. જેને પગલે પોલીસે આ મામલામાં હંસરાજ પૂરણ યાદવ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કંડલામાં પવનચક્કીમાં ટ્રેલર ટકરાતા પ૮ લાખનું નુકશાન

ગાંધીધામ : કંડલામાં બેદરકારીપૂર્વક ફોરકલીપ ટ્રેલર ચલાવનાર ચાલકે પવનચક્કીના પાંખડામાં પ૮ લાખનું નુકશાન થયું હતું. બનાવને પગલે લોજિસ્ટીક કંપનીના ફરજ બજાવતા સુફિયા મેન પાવર સિક્યોરિટીના વોચમેન દ્વારા કંડલા મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી.

સાડાઉ નજીક અકસ્માતે ગુંદાલાના શિક્ષકનું મોત

મુંદરા : તાલુકાના સાડાઉ-ગુંદાલા વચ્ચે સામસામે બાઈક ભટકાતા ગુંદાલામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પંકજ રમણભાઈ પટેલનું મૃત્યું થયું હતું. બનાવને પગલે નિમિત બનેલો દારૂનો મુદ્દો ફરીથી ચર્ચાની એરણે ચડ્યો છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે નશામાં દ્યુત શખ્સે રોંગ સાઈડમાં વાહન હંકારી હતભાગી શિક્ષક ઉપર ચડી આવીને અકસ્માત નોતર્યો હતો. ત્યારે શિક્ષક સમાજ સહિત કંઠીપટ્ટમાં આ ઘટનાને લઈને ભારોભાર રોષ પ્રવત્યો છે.