ક્રાઈમ કોર્નર

અંજારમાં યુવાન અને વૃધ્ધનું અકાળે મોત

અંજાર : અહીંની જૈન કોલોનીમાં યુવાને ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. તો મોટી નાગલપરમાં વીજ શોક લાગતા વૃધ્ધનું મોત નીપજ્યું હતું. જૈન કોલોનીના હંગામી આવાસમાં રહેતા ૧૮ વર્ષિય ગૌતમ ગોપાલ ભલાણી નામના યુવાને અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. તો મોટી નાગલપરમાં વીજ આંચકો લાગતા વિશ્રામપુરી દેવપુરી ગોસ્વામી (ઉ.વ.૬૦)ને ગણપતિ મંદિરના પરિસરમાં વીજળીની ચાંપ ચાલુ કરવા જતા લાગેલા વીજશોકથી મોત નીપજ્યું હતું. બન્ને બનાવોને પગલે અંજાર પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

અંતરજાળમાં જુગાર ખેલતા ડઝન શખ્સો જબ્બે

ગાંધીધામ : તાલુકાના અંતરજાળમાં જાહેરમાં જુગાર ખેલતા શખ્સો પર પોલીસે દરોડો પાડીને ૧ર જુગારીઓને રપ હજારની રોકડ સહિત ૬૧ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પરેશ મણીલાલ ઠક્કર, શામજીભાઈ જેસંગભાઈ ખટારિયા, પ્રેમજી નગાભાઈ બારોટ, જખુભાઈ અરજણભાઈ બવા, કાનજી ડાહ્યાભાઈ પ્રજાપતિ, નરેશભાઈ જીવરામભાઈ સોલંકી, દેવદાન માદેવાભાઈ મ્યાત્રા, દિનેશ રણછોડ ખાંડેકા, શામજી ખીમજી ઝરૂ, લક્ષ્મણભાઈ મલાભાઈ મ્યાત્રા, ગોવિંદ લાલચંદ સતરામદાસાણી અને ભગવાન પ્રભુલાલ ઠક્કરનો સમાવેશ થાય છે.

રૂદ્રમાતા પાસે ટ્રક હડફેટે બે બાઈક સવારને ઈજા

ભુજ : તાલુકાના ખાવડા માર્ગે રૂદ્રમાતા નજીક ટ્રકે બાઈકને હડફેટમાં લેતા બે જણને ઈજા પહોંચી હતી. બનાવમાં શાંતાબેન શિવજીભાઈ ચારણ (ઉ.વ.પ૦) અને હેત ચારણ (ઉ.વ.રર)ને ઈજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગાંધીધામના સ્પોર્ટસ ગ્રાઉન્ડમાંથી બાઈક ચોરાઈ

ગાંધીધામ : અહીંના રમતગમત સંકુલમાં ક્રિકેટ રમવા ગયેલા યુવાનનું મેદાનની બહાર પાર્ક કરાયેલ બાઈક ચોરાયું હતું. બનાવને પગલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે વિનોદભાઈ ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

કંડલામાં પતિએ પત્નીને માર માર્યો

ગાંધીધામ : સંકુલના કંડલા મરીન પોલીસ મથકે રઝીયાબેન છરેચાએ તેના પતિ ગની આમદ છરેચા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મહિલા દિયરના લગ્નમાં જઈને પરત આવ્યા બાદ કેમ આવી છો તેવું કહીને છેલ્લા દસેક દિવસથી તેનો પતિ તેના પર શંકા કરીને ત્રાસ આપતો હતો. દરમિયાન ધકબુશટનો માર મારતા ફરિયાદી જીવજંતુ મારવાન ચોક ખાઈ ગઈ હતી. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી તળે કાર્યવાહી યથાવત : વધુ ૩ની તપાસ

ગાંધીધામ : પૂર્વ કચ્છમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી તળે કરાતી કાર્યવાહી યથાવત છે. પોલીસ દ્વારા સાયબર પોલીસ સ્ટેશન દ્વારા અપાતી ટીપલાઈનને આધારે કંડલા વાવાઝોડા વસાહતમાં રહેતા નવેદઅલી શાકીર હુસેન મનીયાર, ગાંધીધામના ગણેશનગરમાં રહેતા અનિલ બાબુલાલ મહેશ્વરી અને મૂળ ધ્રાંગધ્રાના કિશન દેવશીભાઈ વાઢેર વિરૂધ્ધ કાર્યવાહી કરાઈ હતી. પોલીસે ત્રણેય શખ્સોના મોબાઈલ કબ્જે કરીને ગાંધીનગર એફએસએલ તપાસ અર્થે મોકલ્યા છે.