ક્રાઈમ કોર્નર

સામખિયાળી નજીક અજાણ્યા વાહન હડફેટે શ્રમિકનું મોત

ભચાઉ : સામખિયાળી મોરબી હાઈવે પર આવેલી રીયલ પ્લાયવુડમાં મજુરી કામ કરતા શ્રમિકને અજાણ્યા વાહને હડફેટમાં લેતા મોત નીપજ્યું હતું. ૪ર વર્ષિય પુરાણમાલ જુગલકિશોર શર્મા હાઈવે પર આવેલી ચાની કેબિન પર ચા પીને કંપનીમાં આવવા રોડ ક્રોસ કરી રહ્યા હતા. ત્યારે પૂરપાટ વેટે આવતા અજ્ઞાત વાહને તેમને હડફેટમાં લેતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે કંપનીના સંચાલક રમેશભાઈ મગનભાઈ પટેલે હિટ એન્ડ રનની ઘટના તળે સામખિયાળી પોલીસ મથકે ગુનો નોંધાવતા ફરિયાદ હાથ ધરાઈ છે.

ચિત્રોડ પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

રાપર : તાલુકાના ચિત્રોડ નજીક જેઠાસરી પાસે બાઈક સ્લીપ થતા યુવાનનું મોત નીપજ્યું હતું. રાપર તાલુકાના સઈ ગામે રહેતા રમેશ ભચુ કોલી બાઈક પર જતા હતા. તે દરમિયાન વચ્ચે પથ્થર આવી જતા બાઈક સ્લીપ થવાથી હતભાગીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે હતભાગીના પરિવારજનોમાં શોક ફેલાયો હતો.

ગળપાદરમાં તરૂણે ડિપ્રેશનમાં ગળે ફાંસો ખાધો

ગાંધીધામ : તાલુકાના ગળપાદરમાં રહેતા ૧૪ વર્ષિય તરૂણે ગળે ફાંસો ખાઈને આ ફાનિ દુનિયાને અલવિદા કરી હતી. કૈલાશ સોસાયટીમાં રહેતા આકાશ ખેતાભાઈ રાણાએ તેનો પરિવાર કામ પર ગયા બાદ ઘેર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક તરૂણ છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતો હતો. તેનો સ્વભાવ પણ ચીડિયો બની ગયો હતો. કોઈ બાબતની ચિંતામાં તેણે આત્મઘાતી પગલું ભર્યું હતું. બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં પતિ-પુત્રએ મહિલાને માર્યો માર

ગાંધીધામ : શહેરના અપનાનગરમાં પતિ અને પુત્રએ પરિણીતાને મારકુટ કરીને ઘરેથી કાઢી મુકવાની ફરિયાદ મહિલા પોલીસ મથકે નોંધાઈ છે. ૪૮ વર્ષિય શિલ્પાબેન ભરતભાઈ જેઠાલાલ ગાલાએ તેના પતિ ભરતભાઈ ગાલા અને પુત્ર નિરવ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બન્નેએ મહિલાને નાની-નાની બાબતમાં ત્રાસ આપી મારકુટ કરી ઘરમાંથી કાઢી મુકતા ફરિયાદ નોંધાઈ હતી.

અંજારમાંથી વરલી-મટકાના આંકડાનો બુકી જબ્બે

અંજાર : અહીંની વરસામેડી ઓકટ્રોય ચોકી પાસે આવેલી એક ઓફિસમાં પૂર્વ કચ્છ એસઓજીએ દરોડો પાડીને રૂા.૧૯ હજારના મુદ્દામાલ સાથે આંકડાના બુકીને ઝડપી પાડ્યો હતો. આરોપી શક્તિસિંહ પ્રતાપસિંહ જાડેજા વરલી મટકાના કોડનો જુગાર રમાડતા ઝડપાયો હતો. સાથે જ તેની પૂછતાછમાં મોરેભાઈ શૈલેન્દ્રસિંહ જાડેજા અને ડી.ઠક્કરના નામનો ખુલતા તેની સામે પણ ગુનો નોંધાયો હતો. એસઓજીની કાર્યવાહી બાદ જાગેલી અંજાર પોલીસે ગંગાનાકેથી વરલી મટકાના જુગારનો આંકડો લેતા આરોપી શિવુભા બાલુભા જાડેજાને રૂા.૧૩પ૦ની રોકડ રકમ સાથે ઝડપ્યો હતો.

ચાઈલ્ડ પોર્નોગ્રાફી તળે વધુ બે સામે કાર્યવાહી

ગાંધીધામ : અહીંની ઉદયનગર ઈફકો કોલોની અને ભાવેશ્વરનગરમાં રહેતા બે યુવાનો વિરૂધ્ધ ચાઈલ્ડ પોર્નોગ્રાફી હેઠળ કાર્યવાહી કરાઈ હતી. ટીપલાઈનને આધારે ભુજ બી ડિવિઝન પોલીસે ઈફકોમાં રહેતા પૂર્ણચંદ્ર દિલ્લીરાવ દુબાસી અને ભાવેશ્વરનગરમાં રહેતા હિતેષ દેવાભાઈ સોઢાના મોબાઈલ જપ્ત કરીને તેમાંથી બાળ અશ્લિલ સાહિત્ય ડિલિટ કર્યાની શંકાએ તેમના મોબાઈલ ગાંધીનગર એફએસએલમાં મોકલ્યા છે.