ક્રાઈમ કોર્નર

અંજારમાંથી સગીરાનું અપહરણ

અંજાર : અંજારમાં સગીરાને લગ્નની લાલચ આપી અપહરણ કરતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ફરિયાદીની પુત્રીને માનવ મંદિર, વેસ્ટ કેબિનની બાજુમાં (રહે. મૂળ દત્રોજ તા. કડી, જિ. મહેસાણા) વાળો વિજય રણમલજી સોલંકી બે દિવસ પહેલા અંજાર આવ્યો હતો. બન્ને અગાઉથી સંપર્કમાં હતા. ફરિયાદીની પુત્રીએ મોબાઈલ લઈ હું બહેનપણીના ઘરે જાઉં છું તેમ કહી નીકળી ગઈ હતી જે પરત ન આવતા આરોપી લગ્નની લાલચે સગીરાનું અપહરણ કરી ગયો હતો. તેવી પોલીસ ફરિયાદ કરાઈ છે.

જંગીમાંથી ત્રણ જુગારી પકડાયા

ભચાઉ : ભચાઉ તાલુકાના જંગી ગામે જુગાર રમી રહેલા ત્રણ જુગારી પાસેથી રૂા.૧પ,૩૦૦ હજાર રોકડા સાથે પોલીસે પકડી પાડ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે આંબલીયારા રોડ પર મસ્જિદથી થોડે દુર તળાવની પાળ ઉપર જુગાર રમતા જંગી ગામના રણછોડભાઈ ભીમાભાઈ ડાંગર, હુસેનભાઈ મામદભાઈ રાયમા અને રાપરના સવજીભાઈ પૂજાભાઈ સોલંકીને રૂા.૧પ,૩પ૦ના મુદ્દામાલ સાથે પકડી લઈ ગુનો નોંધ્યો હતો.

આધોઈમાં અખાદ્ય ગોળ વેચનાર વેપારી સામે ગુનો નોંધ્યો

ભચાઉ : ભચાઉ તાલુકાના આધોઈ ગામે અખાદ્ય ગોળ વેચનાર વેપારી વિરૂધ્ધ ગુનો નોધ્યો હતો. આધોઈ ગામે રણજીત પ્રોવિઝન સ્ટોરમાં બાતમીના આધારે આઠ મહિના પહેલા દરોડો પાડ્યો હતો. જેમાં રૂા.૧૭પ૦ની કિંમતનો પાંચ કિલો અખાદ્ય ગોળ મળી આવતા ગોળના સેમ્પલ એફએસએલ રિપોર્ટ માટે મોકલાયા હતા. જે રિપોર્ટમાં ગોળ સડેલો અને અખાદ્ય હોવાનું જણાવાયું હતું. દુકાનના રાણાભાઈ જશાભાઈ સંઘાર દેશીદારૂ બનાવવા અખાદ્ય ગોળ રાખતો હોવાનો ગુનો દાખલ કરાયો હતો.

પંજાબથી મુંદરા આવતા રો-ટોવેલના ૪ કન્ટેનરો પૈકી ૧ સગેવગે

ગાંધીધામ : પંજાબથી મુંદરા આવતા ટોવેલના રો-મટિરિયનો જથ્થો બારોબાર સગેવગે થતા સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પંજાબના લુધિયાણાથી ગત તા.૮/૩/ર૧ના ૪ કન્ટેનરમાં રો-ટોવેલ (રૂમાલ) ભરીને અદાણી પોર્ટમાં આવતા હતા. જેમાંથી એક કન્ટેનર સાંતલપુર નજીકની ઓનેસ્ટ હોટલની બાજુમાં આવેલ પંજાબી ધાબાની વચ્ચેથી અન્ય કોઈ સ્થળે રવાના થઈ ગયું હતું. બનાવને પગલે રર લાખનો જથ્થો સગેવગે કર્યા શબબ મેનેજરે ૪ શખ્સો સામે સાંતલપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મુંબઈની ટ્રેનમાં ડોણની મહિલાનું હાર્ટએટેકથી મોત

ભુજ : ભુજથી મુંબઈ સુપરફાસ્ટ એસી ટ્રેનમાં મુંબઈ જવા નીકળેલા ડોણ ગામની મહિલાને હાર્ટએટેક આવવાથી મોત નીપજ્યું હતું. માંડવી તાલુકાના ડોણ ગામની મધુબેન જયંતિ શાહ પોતાના દિકરી-જમાઈ સાથે મુંબઈ જવા સુપરફાસ્ટ એક્સપ્રેસમાં રવાના થયા હતા. સામખિયાળી બાદ તેમની તબીયત લથડતા ડોકટર દ્વારા તપાસ કરતા તેમને હાર્ટએટેકથી મોત થયાનું માલુમ થયું હતું.

ભચાઉ નેશનલ હાઈવે પર બે ટ્રકો વચ્ચે અકસ્માત

ભચાઉ : ભચાઉ નેશનલ હાઈવે પર બે ટ્રકો અથડાઈ હતી. ભચાઉ નેશનલ હાઈવે પર જુનાવાડા વિસ્તાર પાસે રાત્રીના સમયે બે ટ્રકો વચ્ચે અકસ્માત થયો હતો. આ બનાવમાં કોઈ જાનહાની થઈ નહતી. આ રોડ પર અવારનવાર અકસ્માતના બનાવો બને છે.

રાપરમાં બાકી હપ્તા ન ભરાતા છેતરપિંડી અંગે ફરિયાદ કરાઈ

રાપર : રાપરમાં કાર વેચાતી લઈ રૂપિયા ર.૪૪ લાખના હપ્તા ન ભરી ઠગાઈ આચરાતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. રાપરના દુબરિયા વાડી વિસ્તારમાં રહેતા સિકંદર ગનીભાઈ પણકાએ વર્ષ ર૦૧૬ લોન કરાવી કાર લીધી હતી. તેમણે રાપરના સમાવાસમાં રહેતા અને હાલે રાધનપુર રહેતા રજબશા સુલતાનશા શેખને રૂા.૧૦૦ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી ડાઉન પેમેન્ટના રૂપિયા લીધા હતા તથા બાકીના ૩૬ હપ્તા ભરવાના રૂા.પ,૧૭,૧૪૦ કરાર કર્યો હતો, પરંતુ ૧૭ હપ્તા નહી ભરતા તેમણે વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

ગાંધીધામમાંથી દારૂ ઝડપાયો

ગાંધીધામ : ગાંધીધામના સેકટર-૭માં પોલીસે મકાનમાંથી દારૂ ઝડપાયો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે ગાંધીધામના સેકટર-૭ના પ્લોટ નંબર ૩માં રહેતા કુલદીપ લખુભાઈ કારીયાના મકાનમાં દરોડો પાડીને રૂા.ર૪પ૦ની કિંમતની દારૂની બોટલ નંગ-સાત મળી આવી હતી. આરોપી સ્થળ પર હાજર ન મળતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માધાપરમાં પાર્ક કરાયેલી કારમાંથી શરાબ સાથે ચાલક જબ્બે

ભુજ : તાલુકાના માધાપર નવાવાસમા મારૂતી પ્લોટમાં પાર્કિંગ કરાયેલી કારમાં દારૂ હોવાની બાતમીને આધારે ભુજ બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં જીજે. ૧ર. ડીએમ. ૮૭૭૭ નંંબરની કારમાંથી પોલીસે અક્ષયરાજસિંહ અનિરૂધ્ધસિંહ જાડેજા પાસેથી કારની ચાવી લઈને તપાસ કરતા રૂા.પ૧,૮૦૦નો દારૂ બીયર મળ્યો હતો. પોલીસે આરોપીની અટક કરીને જથ્થો આપનાર ભચાઉના મોટી ચીરઈના રામદેવસિંહ જાડેજા વિરૂધ્ધ પણ ગુનો નોંધ્યો હતો.

ભદ્રેશ્વરના શખ્સ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ તળે નોંધાઈ ફરિયાદ

મુંદરા : તાલુકાના ભદ્રેશ્વર ગામે પડતર જમીન પચાવી પાડનાર શખ્સ વિરૂધ્ધ કલેકટરમાં ફરિયાદ થયા બાદ ગુનો નોંધવાનો આદેશ કરાતા મુંદરા મરીન પોલીસ મથકે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ભદ્રેશ્વરમાં સર્વે નં.૭૩૩ પૈકીની અમુક પડતર જમીન પર દસેક વર્ષથી પ્રધ્યુમનસિંહ બહાદુરસિંહ જાડેજાએ કબ્જો કરી ઓરડી બનાવી દીધી હતી. તો બ્લોકનું કારખાનુ અને ઓફિસ બનાવીને વીજ કનેકશન પર મેળવી લીધું હતું. જે અંગે લેખિત ફરિયાદ કલેકટર કચેરીમાં કરાતા ગુનો નોંધવાના આદેશને પગલે કિડાણામાં રહેતા વકીલ યશપાલસિંહ લગ્ધીરસિંહ જાડેજાએ મુંદરા મરીન પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.

અંતરજાળ તથા ભારતનગરમાંથી જુગાર રમતા ખેલી ઝડપાયા

ગાંધીધામ : અંતરજાળ તથા ભારતનગરમાંથી પોલીસે દરોડો પાડી જુગારીને પકડી પાડ્યા હતા. આદિપુર નજીક અંતરજાળના રાજનગર પાસે બસ સ્ટેશન પાછળ જુગાર રમતા રામજી ધનજીભાઈ જરૂ, હિતેષ શામજીભાઈ જરૂ, ભૂરાભાઈ ઉર્ફે ગાભા વાલજીભાઈ મ્યાત્રા, મનોજભાઈ જયંતિભાઈ ચાવડા, કિશોર ઉર્ફે સચિન ગગુભાઈ કોઠીવાર અને ધનજી વીરજીભાઈ ડાંગરને રૂા.૧૧,૪૩૦ રોકડ સાથે પકડી પાડવામાં આવ્યા હતા. તો બીજી બાજુ ગાંધીધામના ભારતનગર ચાર રસ્તા પાસે જુગાર રમતી રહેલા મોહમ્મદ રમજાન સિપાહી, ઉસમાન ઈબ્રાહીમ સિપાઈ, રિયાઝ સલીમ સિપાહી અને હેમાભાઈ ધનાભાઈ ભરવાડને રૂા.૧૧,ર૦૦ રોકડા સાથે પકડી પાડવામાં આવ્યો હતો.