અંજાર-મુંદરા હાઈવે પર અકસ્માતમાં યુવાનનું મોત

અંજાર : અંજાર – મુંદરા માર્ગ પર વાહન અકસ્માત થયો હતો. જેમાં મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર ઈ.એફ ૮પ૧રના ચાલક મહમુદ કયુમ શેખ લઈ રસ્તો ઓળગંતા હતા. ત્યારે પૂરઝડપે આવતી હ્યુન્ડાઈ કંપનીની આઈટેન ગાડી નંબર જી.જે. ૧ર સી.જી. ૯૯૭૧ના ચાલકે ટક્કર મારી હતી. બનાવમાં ૩૦ વર્ષિય મહમુદને માથાના ભાગે હેમરેજ સહિતની ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. અંજાર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બિદડા આપઘાત પ્રકરણમાં પતિ, નણંદ સામે ગુનો નોંધાયો

ભુજ : માંડવીના બિદડા ગામે કાન્તાબેન રમેશભાઈ વિંઝોડા નામની પરિણીતાના આપઘાત કેસમાં હતભાગી કાન્તાબેનના પિતા લાલજીભાઈ નારાણભાઈ મહેશ્વરીએ પોતાની દિકરીને મરવા મજબુર કરાઈ હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકમાં નોંધાવી છે. હતભાગીના પિતાએ જમાઈ રમેશ વિંઝોડા અને તેની બહેન દેવિકાબેન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ભુજની ભાગોળે બિલ્ડીંગ પરથી પટકાતા યુવાનનું મોત

ભુજ : ભુજ-મિરજાપર હાઈવે પર આવેલા નેક્ષા કારના શો-રૂમની પાછળ બની રહેલી બિલ્ડીંગ પરથી મિરજાપર ગામે રહેતા રર વર્ષિય વિષ્ણુ બાબુલાલ મહારાજ નામનો યુવાન નીચે પટકાતા તેને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તાત્કાલિક સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં મોડી રાત્રીના અરસામાં યુવાને દમ તોડ્યો હતો. હતભાગીના વિસેરા લઈને ફોરેન્સિક લેબોરેટરીમાં મુકવામાં આવ્યા છે. બનાવની તપાસ એ ડિવિઝન પોલીસ પીએસઆઈ વાય.બી. જાડેજા ચલાવી રહ્યા છે. બનાવ શુક્રવાર મોડી રાત્રે બન્યો હતો.

ગાંધીધામના રહેણાંક મકાનમાં દારૂની બોટલો ઝડપાઈ

ગાંધીધામ : ગાંધીધામના જુની સુંદરપુરી વિસ્તારમાં આવેલ રહેણાંક મકાનમાં અંગ્રેજી શરાબની ૧ર બોટલો ઝડપાઈ હતી. જોકે, આરોપી સ્થળ પર હાજર ન હતો. આ અંગે મળતી વિગતો મુજબ ગાંધીધામના જૂની સુંદરપુરીના ગરબી ચોક વિસ્તારમાં મિલન ગોવિંદભાઈ મહેશ્વરીના રહેણાંક મકાનમાંથી રૂા.૪ર૦૦ની અંગ્રેજી શરાબની ૧ર બોટલો પોલીસે ઝડપી પાડી હતી.

આદિપુરમાં એકટીવાની ચોરી

ગાંધીધામ : આદિપુરના ગરબી ચોક વિસ્તારમાંથી ૧૮ દિવસ જુની એકટીવાની ચોરી પોલીસ ચોપડે નોંધાઈ હતી. બનાવની મળતી માહિતી મુજબ ગત તા.૩૦/પના બપોરના ર૦ મિનિટના સમયમાં ગરબી ચોક વિસ્તારમાંથી કોઈ શખ્સ એકટીવાની ચોરી કરી હંકારી ગયો હતો.