ક્રાઈમ કોર્નર

સમાઘોઘાની જિંદાલ કંપનીમાં શ્રમિકે જલદ પ્રવાહીમાં કૂદીને મોત આણ્યું

મુંદરા : તાલુકાના સમાઘોઘા નજીક આવેલી જિંદાલ સો પાઈપ કંપનીમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિક અત્યંત જલદ મેટલ માટે ભરેલ રેડલમાં કૂદી જતા સળગીને મોતને ભેટ્યો હતો. મુંદરા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ જાહેર કરનાર મંગુભા જીલુભા જાડેજાએ આપેલી કેફીયત મુજબ શ્રમિક નિર્મલ સાધુ રાજપાર (ઉ.વ.રપ) (રહે. હાલ સમાઘોઘા, મૂળ રામપુર, ઝારખંડ)ને ૮ ફૂટ ઉંચેથી જલદ પ્રવાહીમાં કૂદીને મોતને વ્હાલું કર્યું હતું. બનાવને પગલે મુંદરા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નંદગામમાં પરિણીતાને પતાવવા પતિ-સાસુનો પ્રયાસ

ભચાઉ : તાલુકાના નંદગામમાં પતિ અને સાસુએ પરિણીતાને ગળદાપાટુનો મારમારી બળજબરીથી ફીનાઈલ પીવડાવી પતાવવાનો પ્રયાસ કર્યો હતો. કલ્પનાબેન રમેશભાઈ કટારિયાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ રમેશભાઈ અને સાસુ રાંભઈબેને તેને મારમારી ફિનાઈલ પીવડાવ્યું હતું. ભોગ બનનારની દિકરી તેને ભચાઉ સીએચસીમાં સારવાર માટે લઈ ગયા બાદ ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગુંદાલામાં આંકડાના જુગારનો બુકી જબ્બે

મુંદરા : તાલુકાના ગુંદાલા ગામે બસ સ્ટેશન પર જાહેરમાં વરલી મટકાના આંક ફેરનો જુગાર રમાડતા બૂકીને પોલીસે ઝડપ્યો હતો. આરોપી હરેશ નારાણ મહેશ્વરીને પોલીસે રૂા.૧૧૬૦ની રોકડ તેમજ આંકડાના સાહિત્ય સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માંડવીમાં જુગાર રમતી ૭ મહિલા ઝડપાઈ

માંડવી : શહેરના ખારવા પાંચાડામાં ગંજીપાના વડે જુગાર ખેલતી ૭ મહિલાઓને પોલીસે ઝડપી પાડી હતી. ચેતનાબેન કિશોરભાઈ ધાયાણીના ઘરની બાજુમાં પોલીસે દરોડો પાડીને આરોપી ચેતનાબેન ઉપરાંત નીમીબેન શીવજી ચાવડા, ઉષાબેન ઉપેન્દ્રભાઈ ઝાલા, ભાવનાબેન ધર્મેશભાઈ ચુડાસમા, પાર્વતીબેન દિનેશભાઈ મીઠાવાલા, દમયંતીબેન નવીનભાઈ ભટ્ટ, ધનબાઈ હેમુભાઈ સંઘારને પોલીસે ઝડપી પાડી તેમના કબ્જામાંથી રોકડ રૂા.૧૦,૬પ૦ અને ૬ મોબાઈલ મળીને ૧૬,૬પ૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરનાર જબ્બે

ગાંધીધામ : શહેરના જવાહરનગરમાં આવેલા ભંગારના વાડામાં પોલીસે દરોડો પાડીને રૂા.૧.૮૦ લાખની ૧ર નંગ ચોરાઉ બેટરી સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે કરેલી કાર્યવાહીમાં આરોપી શૈલેષ માવજીભાઈ માલીની અટક કરાઈ હતી. ઝડપાયેલી બેટરી મોબાઈલ ટાવરમાંથી ચોરીને કે છળકપટથી મેળવવામાં આવી હોવાનું પોલીસે ઉમેર્યું હતું.

ગાંધીધામમાંથી શરાબ ઝડપાયો, આરોપી નહીં

ગાંધીધામ : શહેરના જુની સુંદરપુરી વિસ્તારમાં એક મકાનમાંથી પોલીસે રૂા.૪ર૦૦નો શરાબ ઝડપી પાડ્યો હતો. જ્યારે આરોપી હાથ લાગ્યો ન હતો. અહીંના ગરબી ચોક નજીકના રહેણાંક મકાનમાં એલસીબીએ દરોડો પાડ્યો હતો. જેમાં ૪ર૦૦ની ૧ર નંગ બોટલ કબ્જે કરાઈ હતી. જ્યારે આરોપી મિલન ગોવિંદભાઈ મહેશ્વરી હાજર મળ્યો ન હતો.