ક્રાઈમ કોર્નર

ગાંધીધામમાં ગાડીની લૂંટ ચલાવાતા ફરિયાદ

ગાંધીધામ : શહેરના સેકટર ૧ર/એમાં પાર્કિંગના વાડામાંથી ૩ શખ્સોએ છરી બતાવીને રૂા.રપ,૦૦૦ના વાહનની લૂંટ કરી હતી. ફરિયાદી લાખારામ હરચંદરામ વાઘેલાએ કાર નં. જીજે. ૧ર. ડીજી. ર૭૧૧માં આવેલા ૩ શખ્સો પૈકી હરદીપસિંહ ઉર્ફે બોમ્બ જાડેજા અને બે અજાણ્યા ઈશમો સામે ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ ચોલા મંડલમ્‌ ફાયનાન્સનો ગાડી રીલિઝ કર્યાનો પાસ બતાવીને ગાડી લઈ જવાની વાત કરી હતી. ત્યારે સુરક્ષા કર્મીએ ગેટ પાસની માંગણી કરતા આરોપીઓ છરી કાઢીને યુવાનને મારમારી ગાડી લઈ ગયા હતા. બનાવ અંગે ત્રણેય વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા તપાસ હાથ ધરાઈ છે.

આદિપુરમાં યુવાન પાસેથી મોબાઈલની ચીલઝડપ

ગાંધીધામ : આદિપુરમાં મૈત્રી બગીચા પાસે પગપાળા જતા યુવાનના ૧૭ હજારના મોબાઈલની ચીલઝડપ થઈ હતી. બનાવને પગલે નરેન્દ્ર કેશવલાલ થારોટે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી મોબાઈલ ઉપર તેની પત્ની સાથે વાત કરી રહ્યો હતો. ત્યારે પાછળથી નંબર પ્લેટ વગરની સફેદ એકટીવામાં સવાર એક શખ્સે મોબાઈલની ચીલઝડપ કરી હતી. આ બગીચા પાસે અગાઉ પણ એક મહિલા પાસેથી મોબાઈલની ચીલઝડપ કરાઈ હતી. ત્યારે આ વિસ્તારમાં ચૂસ્ત પોલીસ પેટ્રોલિંગ કરાય તેવી માંગ ઉઠી છે.

કોઠારામાં ખેતર પચાવી પડાતા લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ

નલિયા : અબડાસાના કોઠારા ગામે ૧૬ એકરનું ખેતર પચાવી પડાતા લેન્ડ ગ્રેબિંગ તળે ફરિયાદ નોંધાઈ હતી. માંડવીના બિદડામાં રહેતા ઈશ્વરસિંહ ખેતુભા જાડેજાએ કોઠારાના જીવણજી આશરિયાજી ધલ, ભેદીના ટપુભા માનસંગજી ધલ, હકુભા માનસંગજી ધલ તેમજ વડાપધ્ધરના મહેન્દ્રસિંહ ભગવતસિંહ જાડેજા અને ઈસ્માઈલ જુસબ સુમરા વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો. ફરિયાદીની જમીન પર કબ્જો કરાયા બાદ સમાધાન માટે અનેક પ્રયાસો કરાયા હતા. જે વિફળ જતા અંતે ફોજદારી ફરિયાદ નોંધાવાઈ હતી.

મોટી સિંધોડીમાંથી પવનચક્કીનો કેબલ ચોરાયો

નલિયા : અબડાસાના મોટી સિંધોડીની સીમમાં સુઝલોન કંપનીની પવનચક્કીના રૂા.૩ર,૦રપના કેબલની ચોરી થઈ હતી. જે અંગે સિંધોડીના કાનજી ગોપાલ ગઢવીએ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે જખૌ મરીન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

વરસામેડી નજીકની કંપનીના સિનિયર મેનેજર પર હુમલો

અંજાર : તાલુકાના વરસામેડી નજીક આવેલી ખાનગી કંપનીના સિનિયર મેનેજરને ચાર શખ્સોએ માર મારતા ફરિયાદ નોંધાઈ હતી. એસએમ સંજીવકુમાર હરિશંકર સિન્ધી કોલોનીના ગેટ પાસે હતા ત્યારે કંપનીમાં કામ કરતા કેતન બારોટ, મયૂર ડાંગર, મયૂર મણવર અને એક અજાણ્યા શખ્સે જુની અદાવતે મારમારી ધમકી આપી નાશી ગયા હતા. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

વરસામેડીમાંથી બે બોગસ દાકતરો ઝડપાયા

અંજાર : તાલુકાના વરસામેડીમાં આવેલી શાંતિધામ-૩ સોસાયટી અને માધવનગર વિસ્તારમાંથી પૂર્વ કચ્છ એસઓજીએ બે બોગસ તબીબોને ઝડપ્યા હતા. બાતમીને આધારે પોલીસે જુદી જુદી ટીમો બનાવીને આરોગ્યની ટીમને સાથે રાખીને દરોડો પાડ્યો હતો. જેમાં ભાબરંજન ભગીરતી શાહુ અને કલ્પેશ સુરેશ શ્રીમાળીની અટકાયત કરી હતી. બન્ને પાસેથી મેડિકલ પ્રેકટીસના પ્રમાણપત્રો માંગવામાં આવતા રજૂ કરી શકયા ન હતા. પોલીસે બન્નેના કબ્જામાંથી રૂા.૩પ,પર૪નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.