ક્રાઈમ કોર્નર

લુણવામાંથી વધુ ૭ લાખનો કેબલ ચોરાયો

ભચાઉ : તાલુકાના લુણવા ગામે વધુ બે વાડીમાંથી ૬.૯પ લાખના કેબલની ચોરી થઈ છે. ભચાઉ પોલીસ મથકે વાઘજીભાઈ દેવકરણભાઈ આહીર અને તેમના સાહેદની વાડીમાંથી તસ્કરોએ સ્કાય સોલાર પ્રોજેકટના લીધેલા કુલ ૭ કનેકશનના કેબલ કાપીને તસ્કરી કરી હતી. અગાઉ ૩ વાડીઓમાં ચોરીની ફરિયાદ થઈ હતી. ત્યારે વધુ એક ફરિયાદમાં બે વાડીઓમાંથી ૬.૯પ લાખની ચોરી થયાનું સામે આવ્યું છે.

લગ્નની લાલચે છેતરપીંડી કરતી ગેંગ ઝડપાઈ

માંડવી : તાલુકાના કાઠડા ગામના યુવાન સાથે લગ્ન કરાવી જમણવાર પેટે રૂા.૧,૮૦,૦૦૦ પડાવ્યા બાદ માવિત્રે ગયેલી યુવતીએ વિશ્વાસઘાત ઠગાઈ કરી હતી. જેની ફરિયાદ નોંધાતા માંડવી પોલીસે બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાંથી ગેંગને ઝડપી પાડી હતી. જેમાં આરોપી આરીફ ઉર્ફે આરૂડો અમીનભાઈ મેમણ, મૂળ યુવતી ધર્મિષ્ઠા લાલાભાઈ બુબડિયા, પ્રભુ રમેશ દેવરા, રાહુલ રમેશ દેવરા, કાળુભાઈ ધુડાભાઈ મકવાણા, દીપસંગજી ઉર્ફે દીપક વીરસંગજી ઠાકોરને પોલીસે ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

જખણિયા નજીકથી બાટલી સાથે એક શખ્સ ઝડપાયો

માંડવી : તાલુકાના જખણિયા-આસંબિયા માર્ગ પરથી બાતમીના આધારે વોચમાં રહેલી પોલીસે એક શખ્સને મોપડે પરથી દારૂની બાટલી સાથે ઝડપ્યો હતો. માંડવીના બાબાવાડીમાં રહેતા શ્રીકેશ જનકભાઈ સેરાજી (માલમ)ને પોલીસે ઝડપી પાડીને કાર્યવાહી કરી હતી.

ભદ્રેશ્વર નજીક અકસ્માતે ઘવાયેલા યુવાનનું મોત

મુંદરા : તાલુકાના ભદ્રેશ્વર ગામ નજીક ચારેક દિવસ પહેલા બાઈક સ્લીપ થઈ હતી. જેમાં ઘવાયેલા યુવાને દમ તોડ્યો હતો. મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મુંદરામાં રહેતા અંકિત દિનેશ તિવારી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત થયું હતું. મુંદરા મરીન પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં ર.પ૭ લાખની છેતરપીંડીનો આરોપી ઝડપાયો

ગાંધીધામ : શહેરના સુભાષનગરમાં આવેલી કુરિયર કંપની ઓફિસમાંથી રૂા.ર,પ૭,ર૦૭ની માલમત્તા લઈ જઈને આચરાયેલી વિશ્વાસઘાત ઠગાઈના બનાવમાં આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. કંપનીમાં કામ કરતા વિશાલ રમેશ સોલંકી વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે ઝીણવટભરી તપાસ આદરીને મૂળ વેરાવળના અને હાલ શિણાયમાં રહેતા આરોપીને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી રોકડા રૂા.૧,૯૧,૦૦૦ તેમજ બૂટની એક જોડી કબ્જે કરાઈ હતી. આરોપીને ઝડપી પાડી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.