કનૈયાબે પાસે ટ્રેઈલર હડફેટે ચાલક ઘવાયો

ભુજ : કનૈયાબે પાસે પુરપાટ ગતીએ આવતા ટ્રેઈલરે રિક્ષાને હડફેટે લેતા રિક્ષા ચાલક ઘવાયો હતો. આ અંગથ્ે મળતી વિગતો અનુસાર એએમડબ્લ્યુ કંપની નજીક રોડ પર ટીસી ટ્રેઈલર નં. જીજે. ૧ર. બીડબ્લયુ. ૮૮૩૯નો ચાલકે ટ્રેઈલરને પુરઝડપે ચલાવીને રિક્ષા નં. જીજે. ૧ર. બી. ૬૭૦૬ને અડફેટે લેતા રિક્ષા ચાલક મહિપતસિંહ શિવુભા જાડેજા (રહે. ગોવિંદપુરા, રાપર) વાળાને ગંભીર ઈજા પહોંચી હતી. મહિપતસિંહને માથામાં ગંભીર ઈજા થતા ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.

જંગીમાં પોલીસે યુવાનનો મોબાઈલ જપ્ત કર્યો

ગાંધીધામ : રાપર તાલુકાના જંગી ગામના યુવાને બાળ અશ્લિલ વીડિયો અપલોડ કર્યા હોવાની ટીપલાઈન મળતા પોલીસે યુવાનનો મોબાઈલ જપ્ત કર્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર જંગીના દીપક વેલજી મસુરીયા (મારાજ) દ્વારા બાળ અશ્લિલ વીડિયો અપલોડ કરાયો હતો. આ અંગે ટીપ મળતા આડેસર પોલીસ મથકે તેને બોલાવાયો હતો, પરંતુ તેના મોબાઈલમાં વીડિયો મળી આવ્યો ન હતો. જેથી તપાસ અર્થે મોબાઈલ કબ્જે લઈ પોલીસે એફએસએલ તપાસ માટે મોબાઈલ મોકલાવ્યો હતો.

ગાંધીધામમાં ટેસ્ટ ડ્રાઈવનું કહીને બાઈક હંકારી જવાઈ

ગાંધીધામ : શહેરમાં નગરપાલિકા પાસે વાહન લે-વેચની દુકાનમાં ટેસ્ટ ડ્રાઈવનું કહીને એક શખ્સ બાઈક સાથે નાસી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગળપાદર રહેવાસી સામજી ધનજી છાંગા નામનો યુવાન ગાંધીધામ નગરપાલિકા નજીક ક્રિષ્ના ઓટો કન્સલ્ટન્સી નામની દુકાન ચલાવે છે. ગત તા.રર/પના બપોરે એક વાગ્યે અજાણ્યો શખ્સ આવ્યો હશે અને બાઈક ખરીદવાની ઈચ્છા દર્શાવી હતી. ત્યારબાદ ટેસ્ટ ડ્રાઈવ માટે બાઈક નં. જીજે. ૧ર. ડીકે. ૮૩૪પ વાળી હંકારીને રફુચક્કર થઈ જતા દુકાન માલિકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરોપીને પકડવા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સાળંગપુર ગયેલો આદિપુરનો યુવાન ગુમ

ગાંધીધામ : આદિપુરમાં રહેતો યુવાન પોતાના ઘરેથી સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ ૧૦ દિવસથી લાપતા બનતા સ્થાનિક પોલીસ સ્ટેશને ગુમનોંધ નોંધાઈ છે. આ અંગે જાણવા મળતી વિગતો અનુસાર આદિપુરના વોર્ડ – ર/બી, ટીએચએક્સ-૩૯માં રહેતા લલીત નારાણ ક્રિપલાણીએ ગુમનોંધ નોંધાવી છે કે, તેમનો ૩૪ વર્ષિય ભાઈ દિનેશ નારાણ ક્રિપલાણી તા.૪/૬ના વહેલી સવારે પઃ૩૦ વાગ્યે સાળંગપુર જવાનું કહીને નીકળ્યા બાદ તેનો અતોપતો નથી. સગા-સંબંધી સહિત દરેક જગ્યાએ શોધખોળ છતાં યુવાન ન મળતા છેવટે ગુમનોંધ નોંધાવાઈ હતી. પોલીસે ગુમનોંધના આધારે તપાસ હાથ ધરી છે.