ક્રાઈમ કોર્નર

બાયઠમાં યુવાને ગળેફાંસો ખાધો

માંડવી : તાલુકાના બાયઠ ગામે પ્રેમસંબંધમાં સગીરાને લઈ ગયા બાદ અપહરણ કેસની ફરિયાદની બીકે યુવાને આપઘાત કર્યો હતો. બાયઠ ગામે ફરિયાદીની સગીરવયની દીકરીનો ગામના મહેશ લાલજીભાઈ મહેશ્વરી સાથે પ્રેમસંબંધ હોતા બન્ને જણા ભાગી ગયા હતા. બાદમાં બન્ને પરત આવી જતા ફરિયાદીએ પુત્રીનો કબજો લઈને મહેશને પોલીસ ફરિયાદીની ધમકી આપતા ડરેલા મહેશે ગામના તળાવની પાળ પર આવેલી ઝાડીમાં ફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવ્યો હતો. ગઢશીશા પોલીસે સગીરાના પિતાની ફરિયાદ પરથી મૃતક સામે દુષ્કર્મ પોક્સો સહિતની કલમો તળે ગુનો નોંધ્યો હતો.

ભુજમાંથી બાઈકની ચોરી

ભુજ : શહેરના એરપોર્ટ રોડ પર શિવકોટેજ મધ્યે ઘરમાં પાર્ક કરેલી બાઈકની કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. ફરિયાદી અશોકભાઈ દામાભાઈ ગોહિલ અને તેનો પરિવાર પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે તેમની રૂપિયા ૧૦ હજારની કિંમતની બાઈક જે ઘર પાસે પાર્ક કરવામાં આવી હતી તેને કોઈ અજાણ્યા શખ્સે ચોરી કરી જતા ભુજ શહેર-બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી.

વિરાણી ફાટક નજીક રાહદારીને કારચાલકે અડફેટે લીધો

નખત્રાણા : તાલુકાના વિરાણી ફાટક પાસે રોડ ક્રોસ કરતા યુવાનને કાર ચાલકે અડફેટે લેતા માથા તથા શરીરના ભાગે ઈજા થતા હોસ્પિટલમાં ખસેડાયો હતો. નેત્રામાં રહેતા કલ્પેશ ધનજીભાઈ કોલી (ઉ.વ. ૧૮) બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણી કારના ચાલકે તેને અડફેટે લઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી. નખત્રાણા પોલીસે ઘાયલના પિતાની ફરિયાદ પરથી અજાણી કાર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાંથી રૂપિયા ર૬ હજારનો દારૂ પકડાયો

ગાંધીધામ : શહેરના મહેશ્વરી ઝુપડામાં રૂા.ર૬ હજારનો દારૂનો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો. જોકે, આરોપી ભાગી ગયો હતો. મહેશ્વરીનગર ઝુંપડામાં રહેતા જીતેશ ઉર્ફે જીતુ ગાંગજી મહેશ્વરીના ઘરે દરોડો પાડ્યો હતો. જ્યાં તપાસ કરતા સ્થળ પરથી રૂા.ર૬,૪૦૦નો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હતો, પરંતુ આરોપી જીતેશ નાસી જવામાં સફળ રહ્યો હતો.

સુંદરપુરીમાં યુવાને ગળે ફાંસો ખાધો

ગાંધીધામ : શહેરના સુંદરપુરીમાં કોઈ અગમ્ય કારણોસર યુવાને ગળે ફાંસો ખાધો હતો. નવી સુંદરપુરી ગેટ પાસે રહેતા પ્રજાપતિ વિમલભાઈ ભાઈલાલજી (ઉ.વ. ર૪) કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધો હતો. જેને સ્ટર્લિંગ હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.