ક્રાઈમ કોર્નર

ચોબારીમાં છોટા હાથીને ટ્રકે હડફેટમાં લેતા યુવાનનું મોત

ભચાઉ : ચોબારી પાસે ટ્રકે છોટા હાથીને હડફેટમાં લેતા ભચાઉના ચોબારીમાં રહેતા ૪ર વર્ષિય કરશન દેવકરણ મસુરિયાનું મોત નીપજ્યું હતું. હતભાગી ભચાઉથી પોતાના વાહનમાં પરત ફરતા હતા તે દરમિયાન ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બનાવને પગલે પોલીસે ટ્રકે ચાલક વિરૂધ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. બનાવમાં પુત્ર-પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારજનોમાં શોક છવાયો હતો.

ગાંધીધામ-મુંદરા હાઈવે પર ટ્રક અકસ્માતમાં યુવાનનું મોત

ગાંધીધામ : અહીંથી મુંદરા જતા હાઈવે પર હ્યુડાઈ શોરૂમ નજીક રોડ પર કોઈપણ પ્રકારના આડશ કે સિગ્નલ વિના ઉભેલી ટ્રક પાછળ બીજી ટ્રક અથડાતા યુવાન ચાલકનું મોત નીપજ્યું હતું. મોરબીથી ટાઈલ્સ ભરીને આવતી ટ્રક જેમાં રોડ પર ઉભેલી ટ્રક સાથે બીજી ટ્રક ભટકાતા વિજય નામના રર વર્ષિય યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે હાઈવે પર ટ્રાફિક જામ પણ સર્જાયો હતો. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નાના આસંબિયામાંથી ૩ જુગારીઓ ઝડપાયા

માંડવી : તાલુકાના નાના આસંબિયા ગામના તળાવની પાળ પર જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ૩ શખ્સોને પોલીસે ૧૧ હજારની રોકડ સાથે ઝડપી પાડ્યા હતા. જેમાં કોજાચોરાના મેઘરાજભાઈ નાથાભાઈ સંઘાર (ઉ.વ.પ૮) નાના આસંબિયાના ભૂપતસિંહ વનરાજસિંહ જાડેજા (ઉ.વ.ર૯) અને સહદેવસિંહ ભોજુભા જાડેજા (ઉ.વ.૩૯)ને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે.