ક્રાઈમ કોર્નર

નવાગામ નજીક બોલેરો ચાલકે બ્રેક લગાવતા પાછળ સવાર યુવાનનું મોત

ભચાઉ : તાલુકાના નવાગામ નજીક બોલેરો ચાલકે બ્રેક મારતા પાછળ ઠાઠામાં બેસેલા યુવાનનું મોત નીપજ્યું હતું. મૂળ લોદ્રાણી હાલે આમરડી રહેતા મધુબેન નારાણભાઈ બારોટે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ નારાણભાઈ બારોટ નવાગામ મધ્યે કંપનીમાં નોકરી પૂર્ણ કરીને બોલેરો ગાડીના ઠાઠામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે બોલેરોના ચાલકે અચાનક બ્રેક મારતા તેઓ રોડ ઉપર પટકાયા હતા. જેમાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું મોત નીપજ્યું હતું. પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાંથી ૬૩ હજારના શરાબ સાથે એક ઝડપાયો

ગાંધીધામ : શહેરના ખોડિયારનગરમાં ગાંધીનગર સ્ટેટ મોનિરટીંગ સેલની ટીમે દરોડો પાડીને આરોપી તૈયબ ઉર્ફે તૈયો ઓસ્માણ રાયમાના મીનરલ વોટર પ્લાન્ટની ઓરડીમાંથી ૬૩,પ૪૦ની કિંમતનો દારૂ ઝડપી પાડ્યો હતો. દરોડામાં અલતાફ ગુલમામદ રાયમાને ઝડપી પડાયો હતો. જ્યારે મુખ્ય આરોપી હાજર મળ્યો ન હતો. સ્થાનિક પોલીસને ઉંઘતી રાખીને સ્ટેટ મોનિરટીંગ સેલની ટીમે કાર્યવાહી કરી હતી.

વરસામેડીમાંથી સગીરાનું અપહરણ કરાતા ફરિયાદ

અંજાર : વરસામેડીની સીમમાં આવેલી સોસાયટીમાંથી ૧૭ વર્ષિય સગીરાનું અપહરણ કરાતા ફરિયાદ નોંધાઈ હતી. સગીરા પોતાના ઘેરથી સિલાઈ શીખવા જઉ છું તેવું કહીને નીકળ્યા બાદ પરત ફરી ન હતી. તપાસ કરતા વરસામેડીના શાંતિધામમાં રહેતા જગદીશ રવિલાલ જાટ (ઠાકોર)એ સગીરાનું અપહરણ કરવાનું જાણવા મળતા સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.

શેખપીર ચોકડી પાસે દૂધ બંધ કરવા બાબતે સરહદ ડેરીના અધિકારી પર હુમલો

ભુજ : તાલુકાના શેખપીર ચોકડી નજીક સરહદ ડેરીના લાખોંદ શીત કેન્દ્રના અધિકારી અજીતસિંહ કુંભાજી વાઘેલા ઉપર કરવામાં આવતા ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. ડેરીનું સાંજનું કલેકશનકાર્ય પૂર્ણ કર્યા બાદ અજીતસિંહ વાઘેલા બાઈકથી પરત ઘરે જઈ રહ્યા હતા ત્યારે સ્કોરપીયો ગાડીમાં આવેલા આરોપી માધાપર દૂધ મંડળીના મંત્રી પરેશ વાલજી હુંબલ તથા તેમની સાથેના બે અજાણ્યા શખ્સ તેમને આંતરી અપશબ્દો બોલીને બાઈક ઉપરથી પાડી દઈને હુમલો કર્યો હતો. માધાપર મહિલા મંડળીનું દુધ બંધ કરવા અન્વયે અદાવત રાખી આ ઘટનાને અંજામ અપાયાનું ફરિયાદમાં લખાવાયું છે.

રાપરમાંથી દારૂ ઝડપાયો આરોપી ફરાર

રાપર : શહેરના અયોધ્યાપુરી વિસ્તારમાં ચકરાની સામે આવેલા ઉમૈયા કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફલોરમાં સ્વરૂપસિંહ સવાઈસિંહ સોઢા પોતાના બિન રહેણાંક મકાનમાં દારૂનું વેચાણ કરતો હોવાની બાતમીને પગલે પોલીસે દરોડો પાડ્યો હતો. જેમાં રૂા.૬૮૬૦નો દારૂ ઝડપ્યો હતો. જ્યારે આરોપી હાથ લાગ્યો ન હતો.