સામખિયાળીમાં યુવાનનો અકળ આપઘાત

ભચાઉ : સામખિયાળીમાં રહેતા મૂળ પીપરાણાના ર૮ વર્ષિય નિકુલ શાંતિલાલ રાવલે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. હતભાગીએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આત્મઘાતિ પગલું ભરતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે. હતભાગીની બે પુત્રીઓએ બનાવને પગલે પિતાની છત્રછાયા ગૂમાવી છે. બનાવ અંગે સામખિયાળી પોલીસે અકસ્માત મોતનો ગુનો દર્જ કરીને તપાસ હાથ ધરી છે.

મોટા અંગિયામાં દુકાનમાંથી રૂા.૪૦ હજારની ચોરી, તો ભુજમાં મોબાઈલની ચીલઝડપ

નખત્રાણા : નખત્રાણા તાલુકાના મોટા અંગિયા ગામે સંજય કપુરચંદ શાહની સંજય સ્ટોર નામની દુકાનના નળિયા ખસેડીને કોઈ હરામખોરો રૂા.૪૦ હજારની રોકડ ચોરી ગયા હતા. મોટા અંગિયામાં સંજય સ્ટોરના નળિયા ખસેડીને તસ્કરોએ કાઉન્ટરના ખાનામાં પડેલ રૂપિયા ૪૦ હજાર રોકડની ચોરી કરી હતી. આ અંગે વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે. તો બીજી બાજુ ભુજ જિલ્લા પંચાયત કચેરી સામેના રોડ પર ભાવેશ્વરનગરમાં રહેતા રમેશ ધારશી કોરડિયાનો રૂપિયા દસ હજારનો મોબાઈલ ફોન અજ્ઞાત બાઈક ચાલક ઝુંટવી ગયો હતો. આ અંગે ફરિયાદી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

નકલી ચલણી નોટ મામલે દંપતીની રિમાન્ડ તળે પૂછતાછ જારી : મધ્યપ્રદેશના ઘરની જડતી

ભુજ : ખરીદી દરમ્યાન નકલી ચલણી નોટો વેપારીઓને પધરાવી દેવાયા બાદ પકડાયેલા મધ્યપ્રદેશના દંપતીના રિમાન્ડ હેઠળ સઘન પૂચ્છપરછ ચાલુ છે. તો પશ્ચિમ કચ્છ પોલીસે આપેલા ઈનપુટ બાદ મધ્યપ્રદેશમાં ત્યાંની પોલીસે આરોપીઓના ઘરની જડતી લીધી હતી. રાહુલ કૃષ્ણકુમાર અને તેની પત્ની મેઘાની પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ દ્વારા રિમાન્ડ હેઠળ પૂછતાછ અવિતર ચાલુ છે. તેમને સંબંધીત સ્થળોએ લઈ જવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે. આ દંપતી ધુતારાના હાથે સસ્તા સોના નામે બે તબક્કે રૂા.૧ર લાખની રકમમાં છેતરાયા હતા. તો પછી તેમને ધુતવા જાલી નોટ લઈ તેઓ આવ્યા હતા તેવું સપાટીએ આવી રહ્યું છે. દરમ્યાન પશ્ચિમ કચ્છ પોલીસના ઈનપુટ બાદ મધ્યપ્રદેશના રતલામ અને આરોપીઓના ઘરે ત્યાંની પોલીસે જડતી કરી હતી. જેમાં કોમ્પ્યુટરને સલગ્ન સામગ્રી જેના દ્વારા નકલી નોટો છપાતી હતી તે કબ્જે કરાઈ છે. તો બે હજાર તથા પાંચસો દરની બે જાલી નોટ પણ મળી આવી હતી.

અંજાર પોલીસે મધ્યપ્રદેશના ત્રણ ચેઈન ચીલઝડપ કરનાર આરોપીઓને પકડ્યા

અંજાર : અંજાર પોલીસે ચેઈનની ચીલઝડપ કરનારા મધ્યપ્રદેશના ત્રણ ભાગેડુ આરોપીઓને પકડી પાડ્યા હતા. મધ્યપ્રદેશના ઉજ્જૈનના ત્રણ આરોપીને ઈલેકટ્રોનિક સર્વેલન્સના આધારે વોચ રાખીને રાહુલ ઉર્ફ ભૂરા મલાન સવા, અશ્વિન ઉર્ફે ચંચલ મલાન સવા તથા વિકાસ નામના શખ્સને અંજાર પોલીસે પકડી પાડ્યા હતા.