ક્રાઈમ કોર્નર

ભુજોડી-માધાપર રોડ પર ટ્રકની અડફેટે આવી જતાં વેપારીનું મોત

ભુજ : તાલુકાના ભુજોડી – માધાપર હાઈવે પર ટ્રકની અડફેટે મોપેડ સવાર વેપારી આવી જતાં મોત નિપજ્યું હતું. ભુજોડી નજીક વર્ધમાનનગરમાં રહેતા અને વર્ધમાનનગરમાં જ કરિયાણાની દુકાન ચલાવતા સુરેશભાઈ જેમલભાઈ દોશી (ઉ.વ. પ૮) સવારે માધાપરથી ભુજોડી તરફ પોતાની મોપેડ પર જતાં હતા ત્યારે પુરપાટે આવતી અજાણી ટ્રકના અડફેટે વેપારી આવી જતાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જયાં સારવાર કારગત થાય તે પૂર્વ વેપારીને મોત આંબી ગયું હતું. હતભાગીના સંબંધી અર્પણભાઈ દોશીએ હોસ્પિટલ ચોકીમાં જાણવાજોગ નોંધ કરી હતી.

ગણેશનગરની દુકાનમાં આગ

ગાંધીધામ : શહેરના ગણેશનગરમાં આવેલી કરિયાણાની દુકાનમાં આગ લાગી હતી જે અંગેેની નોંધ પોલીસ મથકે કરાઈ હતી. ગણેશનગર ચાર રસ્તા પાસે કરિયાણાની દુકાન ધરાવતા બિકાસ હરધન પાસે કરેલી પોલીસને જાણ મુજબ તેમની દુકાનમાં તા. ર૪-૪ની મધ્યરાત્રે આગ લાગી હતી. આ બાબતે દુકાન પાછળ રહેતા વેલજીભાઈ કાનજીભાઈ એ જાણ કરતા તેઓ ત્યાં ગયા હતા. આગને પાણીથી કાબુમાં લઈ લેવાઈ હતી પરંતુ આગમાં મોટું નુકશાન થયું હોવાનુ તેમણે જણાવ્યું હુતં. જો કે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું.

ભુજના યુવાન સાથે રૂા. ર૬ હજારની ઓનલાઈન છેતરપિંડી

ભુજ : શહેરના યુવાન સાથે ઓનલાઈન રૂા. ર૬ હજારની છેતરપિંડી કરવામાં આવતા ભુજ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. ભુજના ઉમેદનગરમાં રહેતા શ્યામ પુરષોત્તમભાઈ ઠક્કરે (ઉ.વ. ર૪) જણાવ્યું હતું કે તેમના મોબાઈલમાં રેડબર્ડ નામની સાઈટ પર કપાયેલા રૂા. ૭૦૦ પરત કરવા અજાણ્યા કોલરે ફરિયાદીને વિશ્વાસમાં લઈ ફરિયાદીને ટીમવીવો એપ ડાઉનલોડ કરાવી ફરિયાદીના સેન્ટ્રલ બેન્ક એકાઉન્ટમાંથી રૂા. ૪૩, ૮પ૦ ઉપાડી લઈ તેમાંથી ૧૬ હજાર પરત કરીને રૂા. રપ, ૯૩૦ ની રકમ બંગાળના સુલેખા મંડળ નામની મહિલાના પેટીએમમાં જમા કરાવી દઈ ફરિયાદી સાથે છેતરપિંડી કરતા ભુજ એ ડિવિઝન પોલીસ મથકે અજાણ્યા કોલર, પેટીએમ એકાઉન્ટ ધારક બંગાળની મહિલા વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ રેલ્વે સ્ટેશને કોવિડ-૧૯ ટેસ્ટ વગરના ૪ મુસાફરો સામે ગુનો

ગાંધીધામ : શહેરના રેલ્વે સ્ટેશન પર કચ્છ એક્સપ્રેસમાંથી ઉતરેલા વધુ ચાર પ્રવાસીઓ સામે ગાંધીધામ રેલ્વે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો. આંતરરાજય પ્રવાસ કરતાં પ્રવાસીઓએ મુસાફરીના ૭ર કલાક પહેલા આરટીપીસીઆર રિપોર્ટ કરાવીને રિપોર્ટ સાથે રાખવો ફરજિયાત હોવાની ગાઈડલાઈન હોવા છતાં કચ્છ એક્સપ્રેસમાંથી ઉતરેલા શિવકુમાર રામકૃપાલ યાદવ (થાણે), સદામભાઈ સાલેમામદ પારા (ચુબડક), સંતોષકુમાર નાથુભાઈ જોષી (મધ્યપ્રદેશ), અક્ષયભાઈ અશોકભાઈ (મુંબઈ ઘાટકોપર) પાસે આરટીપીસીઆર રિપોર્ટ માંગતા તેમની પાસે રિપોર્ટ ન હોતા તેમના સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે કરી હતી.

ભચાઉમાં ગાયને કુહાડી મરાઈ, ઠપકો આપનાર યુવાન પર ધારીયાથી હુમલો

ભચાઉ : શહેરના હિંમતપુરામાં રહેતા અસલમ આદમ રાઉમાએ રમજુ મામદશા ફકીર વિરૂધ્ધ, ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ અગાઉ ફરિયાદીની ગાયને પગમાં કુહાડી મારીને ઈજાઓ પહોંચાડી હતી. જેને કારણે ફરિયાદીએ ઠપકો આપતા તેના મનદુઃખે શકીર રમજુ ફકીર, રમજુ મામદશા ફકીર, નાઝીર રમજુ ફકીર અને રોશનબેન રમજુ ફકીરે તેમના વાડે આવીને હુમલો કર્યો હતો.

દેવપરગઢ અને લાકડીયામાં જાહેરનામા ભંગના ગુના

ભુજ : માંડવી તાલુકાના દેવપરગઢમાં કોરોના વચ્ચે સીમંધર સ્વામીની પ્રાણપ્રતિષ્ઠા યોજનાર સામે ગુનો નોંધાયો હતો. ગઢશીશા પોલીસે મુંબઈ રહેતા મુળ ગામના જ મયુરભાઈ ગાલા, રમણીકભાઈ ગાલા, લક્ષ્મીચંદ ગાલા સહિતનાઓ સામે સરકારી ગાઈડલાઈનના ભંગ શબબ ગુનો નોંધ્યો હતો. તો લાકડીયામાં લગ્નમાં મર્યાદા કરતાં વધુ મહેમાનોને આમંત્રિત કરાતા ફરિયાદ થઈ હતી. લાકડીયામાં રહેતા પ્રભા છગન ઘોઘાણીની દીકરીના લગ્નમાં વધુ લોકો આવતાં પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધ્યો હતો.