ક્રાઈમ કોર્નર

ભચાઉમાં ટ્રક સાથેના અકસ્માતમાં કાર ચાલકનું મોત નિપજ્યું

ભચાઉ : શહેરમાં ઉભેલી ટ્રક સાથેના અકસ્તમાતમાં કાર ચાલકનું મૃત્યુ થતા ટ્રક ચાલકે ફરિયાદ નોંધાવી હતી. અંજારના શેખટીંબામાં રહેતા કાસમ આમદભાઈ ફકીર (ઉ.વ.૩૪)ની ફરિયાદને ટાંકીને મળતી વિગતો મુજબ ફરિયાદી પોતાની ટ્રક મારફતે મોરબીથી ગાંધીધામ તરફ આવી રહ્યો હતો ત્યારે ભચાઉની વિરાત્રા હોટલ સામે ગાંધીધામ હાઈવે પર તે ટ્રકને ઉભી રાખી સમારકામ કરી રહ્યો હતો ત્યારે અચાનક પુરઝડપે આવેલી સ્વિફટ કાર ટ્રકના ઠાઠા સાથે અથડાઈ હતી, જેના કારણે કાર ચાલકને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું હતું.

ભુજમાં પરિણીતાને સાસરિયાએ બળજબરીથી એસીડ પીવડાવતા ફરિયાદ

ભુજ : શહેરના ૩૬ ક્વાટર્સમાં રહેતી પરિણીતાને પુત્રનો જન્મ થતા સાસરિયા દ્વારા શારીરિક – માનસિક ત્રાસ આપી બળજબરીથી એસીડ પીવડાવી હત્યાનો પ્રયાસ કરનાર પોલીસકર્મી સસરા, સાસુ, પતિ, બે નણંદો સહિત પાંચ વ્યક્તિઓ સામે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનાર અલ્પાબા શક્તિસિંહ જાડેજા (ઉ.વ.રર)એ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે તેના પતિ શક્તિસિંહ ભગુભા જાડેજા, સસરા ભગુભા અભયસિંહ જાડેજા, સાસુ વિલાસબા ભગુભા જાડેજા, નણંદ સોનલબા જાડેજા તથા ભૂમિબા મયુરસિંહ સોલંકી સામે ફોજદારી ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદીને પુત્રી જન્મતા સાસરિયાએ કરિયાવરની માંગણી છેલ્લા બે વર્ષથી કરીને મારકૂટ કરી શારીરિક – માનસિક ત્રાસ આપતા હતા. બાદ મહિલાને આરોપીઓએ બળજબરીપૂર્વક એસીડ પીવડાવી દીધું હતું. ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ હતી. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે પાંચેય વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બનાવની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

માંડવીમાં ગંજીપાના ટીંચતી પાંચ મહિલા ઝડપાઈ

માંડવી : શહેરના ખારવા પચાડામાં મામાની ડેરી પાસે ગંજીપાના વડે જુગાર ખેલતી પાંચ મહિલાઓને ઝડપી પડાઈ હતી. પોલીસે પાડેલા દરોડામાં રમીલાબેન પિતાંબર ઝાલા, જીજ્ઞાબેન અનિલ ખારવા, ધારાબેન શૈલેષ ખારવા, જાનકીબેન જગદીશ પાંજરી અને હેતલબેન હિતેશ પાંજરીવાલાને ઝડપી પડાઈ હતી. પોલીસની રેડમાં આરોપી મહિલાઓ પાસેથી રૂા.૧૧,૩પ૦ની રોકડ રકમ કબજે કરાઈ હતી.

ભુજમાં પ્રમુખસ્વામી નગરમાં અજાણી સ્ત્રી વશીકરણ કરી રૂા.ર.૬૪ લાખના દાગીના લઈ પલાયન

ભુજ : શહેરના પ્રમુખસ્વામી નગરમાં મહિલાને વશીકરણ કરી અજાણી સ્ત્રીએ રૂા.ર.૬૪ લાખના દાગીના લઈ ફરાર થઈ જતા ભુજ પોલીસ મથકે ફરિયાદ કરાઈ હતી. ભુજના પ્રમુખસ્વામી નગરમાં તોરલ ગાર્ડનની બાજુમાં રહેતા હંસાબેન કિરણભાઈ પટેલ (ઉ.વ.૬પ)ના ઘરે અંદાજીત પ૦ વર્ષની અજાણી સ્ત્રી આવીને પાણીની માંગણી કરતા ફરિયાદીએ પાણીનો લોટો આપ્યો હતો. લોટો પરત આપતી વખતે અજાણી સ્ત્રીએ ફરિયાદી મહિલાને કોઈપણ રીતે બેભાન કરીને ફરિયાદી મહિલાની સોનાની ચાર બંગડી, એક સોનાની ચેઈન અને બે સોનાની વિંટી કિંમત રૂા.ર લાખ ૬૪ હજારના દાગીના ઉતારી લઈ પલાયન થઈ ગઈ હતી. આ અંગે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વરસાણા ચોકડી પાસેના ગેરેજમાંથી પોલીસે ગાંજા સાથે એક શખ્સની અટક કરી

અંજાર : તાલુકાના વરસાણા ચોકડી પાસે આવેલ ગેરેજમાંથી ગાંંજા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય આરોપી નાસી ગયો હતો. વરસાણા ચોકડી પાસે સૈયદ મોટર પાર્ટસ એન્ડ ગેરેજ નામની દુકાનમાં ભચાઉ તાલુકાના ચીરઈ ગામે રહેતો ઈસ્માઈલમિયા રાહદમિયા સૈયદ વનસ્પતિજન્ય માદક પદાર્થ (ગાંજા)નો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી બાતમીના આધારે અંજાર પોલીસે ગેરેજ પર દરોડો પાડી મહમદ સોયબ મહબદ ખુરશીદ (ઉ.વ.ર૦) (મૂળ રહે. મૂઝફફરપુર, બિહાર)ને પકડી તેના કબજામાંથી રૂા.૧૯,પ૦૦નો ૧૯.પ૦ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેમાં પોલીસે આરોપી પાસેથી મોબાઈલ તથા ગાંજા સહિત કુલ રૂા.ર૪,પ૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડામાં મુખ્ય આરોપી ઈસ્માઈલમિયા હાજર ન મળતા પોલીસે બન્ને આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.