ક્રાઈમ કોર્નર

ભુજમાં એસીડ પી જનાર પ્રૌઢનું સારવાર દરમિયાન મોત

ભુજ : શહેરના ઘનશ્યામનગરમાં શનિદેવના મંદિર સામે રહેતા સંજયભાઈ વસંતલાલ શાહ નામના પ્રૌઢે તેની પત્ની સાથે થયેલા ઝઘડાને કારણે આવેશમાં આવી જઈને એસીડ પી લીધું હતું. બનાવને પગલે જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. એક મહિના પૂર્વે બનેલી ઘટનામાં ગત બપોર બાદ અચાનક તબીયત લથડતા સારવાર માટે પુનઃ જી.કે. હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો મામલો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

ફતેહગઢમાં સગીરાની છેડતી કરાતા ફરિયાદ

રાપર : તાલુકાના ફતેહગઢમાં રહેતી સગીરાના ઘરમાં ઘૂસી અડપલા કરાયા હતા. તેમજ તેની માતાને માર મારવામાં આવ્યો હતો. પોલીસમાં નોંધાવાયેલી ફરિયાદ મુજબ આરોપી ખોડા દેસરા રબારીએ સગીરાના ઘરમાં ઘુસીને એ સૂતી હતી ત્યારે થપ્પડ મારી બાવડુ પકડીને શારીરિક અડપલા કર્યા હતા. દરમિયાન સગીરાની માતા વચ્ચે પડતા આરોપીએ બે થપ્પડો મારી હતી. બનાવ અંગે સગીરાની માતાએ રાપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરાઈ છે.

ડુમરામાં યુવાનને લોખંડનું એંગલ ફટકારવામાં આવ્યું

નલિયા : અબડાસા તાલુકાના ડુમરા ગામના અને મુંબઈ મધ્યે માર્કેટીંગ કરતા યુવાનને માથા પર લોખંડનું એંગલ ફટકાર્યું હતું. કોઠારા પોલીસ મથકે ગામના ગોપાલ સમાભાઈ ગઢવી સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી તેમના પરિવાર સાથે ઠાકોરજીના મંદિરે હતા ત્યારે અન્ય માણસોની સાથે ઉભેલા ગોપાલ ગઢવી વાત વાતમાં અપશબ્દો બોલતા હોઈ ફરિયાદી ધાર્મિક સ્થળ પર અપશબ્દો બોલવાની ના કહેતા આરોપીએ ફરિયાદીને માથાના ભાગે લોખંડના એંગલ ફટકારી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે બનાવની નોંધ લઈ વધુ તપાસ હાથ ધરી છે.

માંડવી એપીએમસીમાં સિક્યુરીટી ગાર્ડ પર હુમલો

માંડવી : માંડવીના એપીએમસીમાં શાકભાજી રાખવા દરવાજો ન ખોલતા ગાર્ડ પર ચાર શખ્સોએ ધોકાથી હુમલો કર્યો હતો. માંડવી માર્કેટ યાર્ડ એપીએમસીમાં સિક્યુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા રાજેન્દ્રસિંહ બટુકસિંહ જાડેજા (ઉ.વ.૩ર)એ નોંધાવેલી પોલીસ ફરિયાદીને આધારે મળતી વિગતો મુજબ ફરિયાદી ફજર પર હતા ત્યારે રામ નાગાર્જણ ગઢવી, કનૈયા દેવરાજ ગઢવી, લખન ગઢવી અને એક અજાણ્યા શખ્સ સહિત ચાર શખ્સ એપીએમસીનું દરવાજો ખોલવાનું કહેતા ફરિયાદીએ કહ્યું કે, દરવાજો સવારે ખુલશે ત્યારે આરોપીઓ ઉશ્કેરાઈ જઈને ધોકા વડે મારમારી ગાર્ડને ઈજાઓ પહોંચાડી હતી. માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.