નારાયણ સરોવર એસ.ટી. બસમાં પુરૂષને વોમીટ થતા મોત

દયાપર : લખપત તાલુકાના નારાયણ સરોવરથી આવતી એસટી બસમાં પુરૂષની તબીયત ખરાબ થતા વોમીટ આવ્યા બાદ પુરૂષનું મોત નીપજ્યું હતું. નારાયણ સરોવર – અમદાવાદ એસટી બસમાં ધારેશીથી બેસીને મહિલા અને પુરૂષ દવા લેવા માટે જઈ રહ્યા હતા ત્યારે માતાનામઢ ખાણ નજીક બસ પહોંચતા તેમની તબીયત લથડી હતી અને ચાલુ બસે વોમીટ થઈ હતી અને બસમાં જ પુરૂષ મૃત્યુ પામ્યો હતો. આ અંગે એમ્બ્યુલન્સ મારફતે પુરૂષને દયાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જઈ વધુ તજવીજ હાથ ધરી હતી.

બારોઈ રોડ પરની ઈમારતમાંથી વીસ હજાર મીટર કેબલ વાયરની ચોરી

મુંદરા : મુંદરાના બારોઈ રોડ પર રામદેવનગરમાં બંધાતી ઈમારતમાંથી રૂા.૪૦ હજારની કેબલ ચોરી થતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. મુંદરાના બારોઈ રોડ પાસે કંપનીમાં કામ કરતા મેનેજર સદામ મુફીઝ અહમદ હુશેની (રહે. મૂળ બિહાર હાલે મુંદરા)એ ચાર અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીની કંપનીની બિલ્ડીંગનું કન્સ્ટ્રકશન કામ રામદેવનગર મધ્યે ચાલુ હતો. ત્યારે રાત્રીના સમયે ચાર અજાણ્યા ઈસમો આવીને ત્યાંથી ર૦ હજાર મીટરના ખુલ્લામાં પડેલા વાયર ચોરી ગયા હતા. રૂા.૪૦ હજારની કિંમતના આ કેબલ વાયર અંગે ફરિયાદી દ્વારા મુંદરા પોલીસ મથકે ફરિયાદ કરી હતી. પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મેઘપર બોરીચીમાં છેડતી અંગેની ફરિયાદ બાબતે આત્મવિલોપનની ચીમકી

અંજાર : અંજાર તાલુકાના મેઘપર (બોરીચી) મધ્યે પોલીસ પુત્ર સહિત શખ્સો દ્વારા મહિલાની છેડતી કરી હોવાની ફરિયાદ કરવા જતાં અંજાર પોલીસ કર્મી દ્વારા ફરિયાદ ન લઈ મહિલા અને તેના પરિવારને અપશબ્દો બોલતા પૂર્વ કચ્છ એસપીને રજૂઆત કરાઈ હતી. મેઘપર બોરીચી સોસાયટીમાં રહેતી મહિલાના ઘરે પાડોશી મોબાઈલ ભૂલી જતા તેમાં ફોન આવતા મહિલાએ ઉપાડ્યો હતો. જેમાં આરોપી પ્રકાશ અમરશી ભીલ ઉર્ફે માવળો અપશબ્દો બોલવા લાગ્યો હતો. ત્યારબાદ મહિલાના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરને પોલીસ પુત્ર પ્રદીપસિંહ વાઘેલા સહિતના અન્ય આરોપીએ છેડતી કરી હતી. આ તમામ આરોપીઓ દારૂના નશામાં હતા. તેમજ પોલીસ પુત્રએ સાથે બંદુક રાખી હતી. આ સંદર્ભે મહિલાએ અંજાર પોલીસ મથકે ફરિયાદ કરવા જતા અંજાર પોલીસના હેડ કોન્સ્ટેબલ માદાભાઈ ચૌધરીએ મહિલાના ભાઈને અપશબ્દો બોલી ફરિયાદ ન લીધી હતી. જેથી મહિલાએ પૂર્વ કચ્છ એસપીને રજૂઆત કરી છે અને જો તપાસ નહી થાય તો આત્મવિલોપનની ચીમકી આપી હતી.