ક્રાઈમ કોર્નર

ભુજના કેમ્પ એરિયામાં થયેલ ચોરીનો આંક રૂા.૧.૩૦ લાખ

ભુજ : ભુજ શહેરના કેમ્પ એરિયાના મેન્ટલ હોસ્પિટલ પાસે તસ્કરોએ બંધ ઘરને નિશાન બનાવી રૂા.૧.૩૦ લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. ભુજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે દિનેશભાઈ મોહનલાલ દરજીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના કેમ્પ એરિયામાં આવેલ બંધ ઘરના તાળા તોડી અને કબાટમાંથી રોકડા રૂા.૧પ૦૦ ઉપરાંત રૂા.૧,ર૯,૦૦૦ના સોના-ચાંદીના દાગીના એમ કુલ રૂા.૧,૩૦,૯ર૦ની ચોરી અંગે પોલીસ ફરિયાદ કરાઈ હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

માધાપરમાંથી થયેલ મોપેડ ચોરીનો ભેદ ઉકેલ્યો

ભુજ : ભુજ તાલુકાના માધાપર ગામેથી થયેલ મોપેડની ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો હતો. માધાપરમાંથી મહિન્દ્ર કંપનીની ગેસ્ટો મોપેડ રજી. નંબર જીજે. ૧ર. સીજે. પ૧૪૭ કિંમત રૂા.૧૦,૦૦૦ની ચોરી થઈ હતી. પોલીસને મળેલી બાતમીના આધારે બે શખ્સો ચોરીવાળી મોપેડ સમા ઓટો વેલ્ડિંગ ગેરેજમાં મૂકી ગયા છે. જેથી આરોપીઓમાંના રીઢા ગુનેગાર અમન જેન્તીલાલ ચારણ તથા અશોકભાઈ આલજીભાઈ દલિતને પોલીસે દબોચી લીધો હતો.

ભુજમાં ત્રીજા માળેથી આપઘાત કરનાર યુવાન માંડવીનો

ભુજ : શહેરના જ્યુબિલી સર્કલ નજીક આવેલ આગમન એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી ઝંપલાવીને આપઘાત કરનાર યુવાનની ઓળખ થઈ હતી. હતભાગી માંડવીના લુહાર ફળિયામાં રહેતો ૪૦ વર્ષિય વિશાલ કિશોરચંદ્ર હોવાનું સામે આવ્યું છે. હતભાગીએ બિલ્ડીંગમાં ત્રીજા માળેથી પડતુ મુકયા બાદ પોલીસે તેની ઓળખ માટે સોશિયલ મીડિયામાં ફોટો વાયરલ કરતા તેના પરિવારજનોએ ઓળખી કાઢીને ભુજ એ ડિવિઝન પોલીસનો સંપર્ક કર્યો હતો. હતભાગીએ કયા કારણોસર આત્મઘાતિ પગલુ ભર્યું તે હજુ જાણી શકાયું નથી.

ભારાપરમાં ફેન્સીંગ તારનું રીપેરીંગ કરતા યુવાનને વીજ શોક લાગતા મોત

ભુજ : તાલુકાના ભારાપરમાં ફેન્સીંગ તારનું રીપેરીંગ કામ કરતા યુવાનને વીજ શોક લાગતા મોત નીપજ્યું હતું. હતભાગી હિંમત મગનલાલ મહેશ્વરી નામનો રર વર્ષિય યુવાન ગામના ઝકરીયા રોડ પર આવેલ પીરની દરગાહ પાસે વાવેલા છોડની ફેન્સીંગનું રીપેરીંગ કામ કરતો હતો. ત્યારે ફેન્સીંગ તારને વીજ વાયર અડકેલો હતો તેને જોરદાર વિદ્યુત આંચકો લાગ્યો હતો અને સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવને પગલે માનકુવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ અને તુણામાંથી આઠ ખેલી ઝડપાયા

ગાંધીધામ : ગાંધીધામ અને તુણામાંથી જુગાર રમતા આઠ ખેલી પકડાયા હતા. તેમની પાસેથી રોકડા રૂા.રર,૬૦૦ જપ્ત કરવામાં આવ્યા હતા. ગાંધીધામ જુની સુંદરપુરીમાં ગણેશ મંદિરના ગેટ પાસે જાહેરમાં ધાણીપાસા વડે જુગાર રમતા જગદીશ ડાયા ફફલ, તુલસી ગાંગજી મહેશ્વરી તથા ગોવિંદ આત્મારામ સોંધરા નામના શખ્સોની પોલીસ અટક કરી તેમની પાસેથી રોકડા રૂા.૧૩૦૦ કબ્જે કર્યા હતા. તો બીજી બાજુ અંજાર તાલુકાના તુણા ગામે બંગલા ચોક પાસે બારલી બજારમાં જુગાર રમતા ગામના અનવર ઈલિપાસ બાયડા, આમદ જુસબ ખારા, સાલે દાઉદ બાયડા, નૂરમામદ ઈશા લંગા તથા પરબત મેમા આહિરને પકડીને આ શખ્સો પાસેથી રોકડા રૂા.ર૧,૩૦૦ જપ્ત કર્યા હતા.

લાકડીયાનો શખ્સ અખાદ્ય ગોળ સાથે ઝડપાયો

ભચાઉ : તાલુકાના લાકડીયાથી આધોઈ જતા માર્ગ પર એક શખ્સ કારમાંથી રૂા.૧ર,૬૦૦ના અખાદ્ય ગોળના જથ્થા સાથે ઝડપાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ૧૯ વર્ષિય અઝહરૂદિન સુલેમાન ગગડાને કારમાંથી ૧૦ કિલાની ગોળની ભીલના ૩૬ કટ્ટા સાથે ઝડપી પડાયો હતો. પોલીસે અખાદ્ય ગોળના સેમ્પલો મેળવીને એફએસએલ તપાસ માટે મોકલ્યા હતા.