ભુજમાંથી ગાંજાના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

ભુજ : શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે તેમજ ભીડનાકા બહાર રહેણાંક મકાનોમાં દરોડો પાડીને ૧૧૮ ગ્રામ ગાંજો કિં.રૂા.૧૧૮૦ તેમજ ૧૩૪ ગ્રામ પોસડેડાનો જથ્થો મળીને પોલીસે કુલ ર૮૭૪ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસની કાર્યવાહીમાં રજાક મામદહુશેન સોરા (ઉ.વ.ર૪)ને બાતમીને આધારે ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછતાછમાં તેને ઈબ્રાહીમ ઉર્ફે ગળો ઈસ્માઈલ કુંભારે વેંચાણ માટે આપ્યાની કેફિયત આપતા પોલીસે તેના ઘરે પણ દરોડો પાડીને ઝડપી પાડ્યો હતો.

તેરામાં જુગાર રમતા સાત ખેલી ઝડપાયા

નલિયા : અબડાસા તાલુકાના તેરા ગામે રહેણાક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડીને સંચાલક સહિત સાત ખેલીને ઝડપી પાડ્યા હતા. જયારે ચાર શખ્સ નાસી ગયા હતા. નલિયા પોલીસને મળેલી બાતમીના આધારે તેરાના જૈન ફળિયામાં રહેતા ચંદ્રકાંત પ્રેમજીભાઈ રાજગોરના રહેણાંક મકાનમાં પોલીસ દરોડો પાડીને સંચાલક ચંદ્રકાંત રાજગોર, નવીન ભીમજીભાઈ વાળંદ, મહાવીરસિંહ દાજીભા સોઢા, હીરાલાલ વાલજી દાફડા, ઈશાક ઓસમાણ જત, જીલુભા ભોજરાજસિંહ સોઢા, આદમ ઈબ્રાહીમ ઉઠાર સહિત સાત શખ્સોને રૂપિયા ૪૩,પપ૦ તેમજ આઠ હજારની કિંમતના ચાર મોબાઈલ મળી કુલ રૂા.પ૧,પપ૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. જ્યારે ચાંદુભા લાધુભા સોઢા, અભુભકર સુલેમાન ગજણ, હસણ જુસબ ઓઢેજા, સીધીક મુસા મંધરા નામના ચાર શખ્સો નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ જુની સુંદરપુરીના રહેણાંક મકાનમાંથી દારૂ પકડાયો

ગાંધીધામ : ગાંધીધામની જુની સુંદરપુરીમાં રહેણાંક મકાનમાંથી રૂપિયા છ હજારનો દારૂ પોલીસે પકડી પાડ્યો હતો. ગાંધીધામ પોલીસને મળેલી બાતમીના આધારે જુની સુંદરપુરી તલાવડી પાસે રહેતા સીમાબેન નરેન્દ્રભાઈ પટેલ પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરે છે તે બાતમીના આધારે દરોડો પાડીને મકાનમાંથી રૂા.પ૬૦૦ની કિંમતના વિદેશી દારૂની ૧૬ બોટલ તથા રૂા.૧૩૦૦ની કિંમતના બિયરના ૧૩ ટીન મળી કુલ રૂા.૬૯૦૦નો દારૂ-બિયરનો જથ્થો મળ્યો હતો. પરંતુ આરોપી મહિલા હાજર મળી ન હતી.

ભચાઉ હાઈવે હોટલ પર પાર્ક કરેલ એરંડા ભરેલી ટ્રક ચોરાઈ

ભચાઉ : અહીંના હાઈવે પર આવેલ ખેમાબાપા હોટલ પર પાર્ક કરેલી ૧૦.૪પ લાખની કિંમતના એરંડા ભરેલી ટ્રકની ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ભચાઉમાં લોકલ ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા ભરતકુમાર છગનલાલ વાળંદે ફરિયાદ નોંધાવી હતી. ટ્રક ચાલકની સાથે ફરિયાદીએ દિપકભાઈ કાંતિલાલ વોરાના ગોડાઉનમાંથી રૂા.૧૦,૪પ,૯૧૩ની કિંમતના એરંડા ભર્યા હતા અને ગાંધીધામ આપવાના હતા. રાત્રે હોટલ પર પાર્ક કરાયેલી ટ્રક કોઈ અજાણ્યા તસ્કરો ચોરી જતાં ગુનો નોંધાયો હતો.

નાગીયાની સીમમાંથી દારૂની ભઠ્ઠી ઝડપાઈ

નલિયા : અબડાસા તાલુકાના નાગીયા ગામની સીમમાં દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી હતી. નાગીયા સીમમાં પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે છાપોમારીને રપ૦૦ લીટર આથા સાથે ઉસ્તીયા ગામનો શખ્સ મહેશ જુમા કોલી (ઉ.વ.ર૪)ને પોલીસે પકડી પાડ્યો હતોે. જયારે સિધુભા ઉર્ફે સરદારસિંહ અજીતસિંહ સોઢા અને જુઠુભા કેતસિંહ ઉર્ફે ખેતુભા સોઢા (રહે. આશાપુરા કેમ્પ લખપતવાળા) નાસી ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.