કુકમામાં શ્રમજીવીનું છાતીમાં દુઃખાવાથી મોત

ભુજ : તાલુકાના કુકમા ગામે રહેતા મંગલભાઈ મેઘવાળ (ઉ.વ.ર૮) નામનો યુવાન ગામમાં જ મકાનનું કામ કરતો હતો, ત્યારે અચાનક છાતીમાં દુઃખાવો ઉપડતા તેને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જયાં હતભાગીએ અંતિમ શ્વાસ લીધા હતા.

ભુજ અને કેરામાં પતિઓએ પત્નિને માર્યો માર

ભુજ : શહેરના કોડકી રોડ પર બરફના કારખાના પાસે રહેતી શારદાબેન દેવજીભાઈ વાઘેલાએ પોતાનો દીકરો બીમાર હોતા દવા માટે તેના પતિ દેવજીભાઈ પાસે પૈસાની માંગણી કરતા બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી, જેથી ઉશ્કેરાયેલા પતિએ પત્નિને છરી મારી ઈજા પહોંચાડી હતી, તો તાલુકાના કેરા ગામે દિનેશ હારૂન કોલીએ તેની પત્નિ રમીલાબેનને તેની સાથે ચાલવાનું કહ્યું હતું, જેમાં પત્નિએ ના પાડતા ઉશ્કેરાયેલા પતિએ માર માર્યો હતો.

ગોડપરમાંથી બોગસ તબીબ ઝડપાયો

ભુજ : તાલુકાના ગોડપર ગામે નકલી તબીબ દ્વારા ગેરકાયદેસર રીતે કરાતી પ્રેકટીસની બાતમીને આધારે પશ્ચિમ કચ્છ એસઓજીએ વૃદ્ધ બોગસ તબીબને ઈન્જેક્શનના જથ્થા સાથે ઝડપી પાડયો હતો. ગોડપરમાં લહેરીકાંત ગૌરીશંકર ભટ્ટ (ઉ.વ.૬૩) ને પોલીસે ઝડપી પાડી તેના કબજામાંથી રૂા. ૧૯,૦૩૮ ના ઈન્જેક્શન સહિતની દવાઓનો જથ્થો કબજે કરાયો હતો. ભુજ તાલુકાના મેડિકલ ઓફિસર ડો. અંજલિબેન ભુડીયાએ તેમની સામે માનકુવા પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

મોટી ખાખરમાં બીયર ઝડપાયો : બે આરોપી ફરાર

મુંદરા : તાલુકાના મોટી ખાખર ગામે મુંદરા પોલીસે દરોડો પાડીને બિયરના ૪ર ટીન ઝડપી પાડયા હતા. દરમ્યાન બે આરોપીઓ નાસી ગયા હતા. મોટી ખાખરમાં પાણીના ટાંકા પાસે પોલીસે દરોડો પાડયો હતો. ત્યારે નાની ખાખરના આરોપી ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો પોપટભા જાડેજા અને મયુરસિંહ પોપટભા જાડેજા નાશી ગયા હતા. પોલીસે બીયરનો જથ્થો કબજે કરી ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

કોઠરામાં ટેમ્પો પલટતા યુવાન ઘવાયો

નલિયા : અબડાસાના કોઠારા નજીક ટેમ્પો પલટી મારી જતા માંડવી મથકના પરસોત્તમ રામજી વાઘેલા નામના યુવાનને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે માંડવીની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

ગાંધીધામના ટાગોર રોડ પર બાઈક હડફેટે યુવાન ઘવાયો

ગાંધીધામ : શહેરના ટાગોર રોડ પર ટીબીઝેડ સામે માર્ગ ક્રોસ કરતા યુવાનને બાઈક ચાલકે હડફેટમાં લેતા ઈજાઓ પહોંચી હતી. વરસામેડીમાં રહેતા કનકસિંહ હેતુભા જાડેજાએ નોંધાવેલી ફરિયાદ મુજબ બાઈક ચાલકે તેમના પુત્ર લક્કીરાજસિંહ જાડેજાને ટક્કર મારતા ઈજાઓ પહોંચી હતી. બાઈક ચાલક પણ બનાવમાં ઘવાયો હતો.