ક્રાઈમ કોર્નર

ભચાઉમાં ઘરના પાણીનાં ટાંકામાં પડી જતા વૃદ્ધનું મોત

ભચાઉ : નવી ભચાઉમાં રહેતા પ૦ વર્ષિય લાલજીભાઈ સુખરામભાઈ ચૌહાણ પોતાના ઘરમાં પાણીના ટાંકામાં પડી જતાં મોતને ભેટ્યાં હતા. બનાવને પગલે હતભાગીને ભચાઉ સીએચસીમાં ખસેડાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાં હતા. પોલીસે ઘટનાને પગલે અકસ્માત મોતનો મામલો દર્જ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

સાસરીયાના ત્રાસથી ઘર જમાઈએ આપઘાત કર્યાની ફરિયાદ

માંડવી : તાલુકાના બિદડામાં ઘર જમાઈ બનીને રહેતા યુવાને ગત માર્ચ મહિનામાં આપઘાત કરી લેતા મૃતકના પિતાએ હતભાગીના સાસુ-સસરા સહિત પાંચ સામે માંડવી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી પિતા રમેશભાઈ જોગીના પુત્ર મંગલે આપઘાત કરતા તેની પત્ની મંજૂલા મંગલ જોગી, સામત બાબુ જોગી, હિરબાઈ સામત, અરવિંદ સામત અને કિલુ સામત જોગી વિરૂધ્ધ આત્મહત્યા કરવા મજબૂર કર્યા શબબનો ગુનો નોંધાયો છે.

નાની રવમાં આંગણવાડી કાર્યકર પર હુમલો

રાપર : તાલુકાના નાની રવ ગામે ૪ શખ્સોએ આંગણવાડી વર્કર પર હુમલો કર્યો હતો. નાની રવના રબારીવાસમાં રહેતા પ૬ વર્ષિય આંગણવાડી વર્કર લક્ષ્મીબેન રૂપાભાઈ ચૌહાણે પસુ ઉર્ફે પ્રવીણ રામા ચૌહાણના ભાઈને પોતે તેના ઘરે આવવા ન દેતા હોવાનું મનદુઃખ રાખીને માર માર્યો હતો. જેમાં બાબુ રાણા રાઠોડ, ભુરા દેવા ભાટીયા અને નશા મુરા ગોહિલે ફરિયાદીને પકડી રાખ્યા હતા અને પસુ ઉર્ફે પ્રવીણ ચૌહાણે ધોકા વડે માર મારતા રાપર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

ગાંધીધામમાંથી ૪ ચોરાઉ બાઈક સાથે ર ઝડપાયા

ગાંધીધામ : અહીંની એ ડિવિઝન પોલીસે હ્યુમન રિસોર્સ અને નેત્રમ પ્રોજેકટની મદદથી રૂા.૧.૩પ લાખનાં ૪ ચોરાઉ બાઈક સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા. બાઈક ચોરીની ફરિયાદોને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીને આધારે મેઘપર કુંભારડીમાં રહેતા મીતુલ ઉર્ફે હની મુકેશભાઈ કોટીયા અને રાજેશ આત્મારામ ખોખર ચાર ચોરાઉ બાઈમ સાથે ધરપકડ કરાઈ હતી.

ગાગોદર પાસે ટ્રેલરમાં એસ.ટી. ભટકતા ૩ને ઈજા

રાપર : તાલુકાના ગાગોદર નજીક કોઈપણ આડશ વિના પાર્ક કરાયેલા ટ્રેલરમાં એસટી બસ ભટકાતા ૩ને ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે એસ.ટી. ચાલક ભરતજી રતુજી રાજપૂતે આડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ટ્રેલર ચાલકે કોઈપણ આડશ કે રીફલેકટર વિના વાહનને રોડ વચ્ચે પાર્ક કરતા તેમાં એસટી ભટકાઈ હતી. જેમાં ૩ મુસાફરોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા.

ભુજમાં છોકરાઓની બબાલમાં મારામારી થતાં સામસામે ફરિયાદ

ભુજ : કેમ્પ વિસ્તારના વાઘેશ્વરી ચોકમાં પાર્કિંગ કરાયેલા છકડા પર છોકરાઓ બેસીને નુકશાન પહોંચાડ્યા બાબતે બબાલ થઈ હતી. જેમાં બે પક્ષો વચ્ચે મારામારી થતાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી. બી ડિવિઝન પોલીસ મથકે આશિષ પ્રફુલ ભાનુશાલીના કાકાના છોકરાના છકડામાં છોકરાઓ નુકશાન કરતાં હોવાથી પડોશમાં રહેતા સુરેશભાઈ રાજગોર અને અનીતાબેન રાજગોરને ઠપકો આપતા ઉશ્કેરાઈને મારામારી કરી હતી. બીજી તરફ અનીતાબેન રાજગોરે આશિષ ભાનુશાલી, શિવા ભાનુશાલી અને નિલેશ ભાનુશાલી સામે ફરિયાદ નોંધાવી હતી.

ચરસ સાથે ઝડપાયેલા ૩ શખ્સો ૩ દિવસના રિમાન્ડ પર

નલિયા : અબડાસાના સુથરી ગામે રહેણાંક મકાનમાંથી પશ્ચિમ કચ્છ એસઓજીએ દરોડો પાડીને ૧૭ ચરસના પેકેટ સાથે ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા આરોપીઓ ઈબ્રાહીમ બાવલા કોલી, પચાણ નાથા કોલી, થારૂ ખમુ કોલીને પોલીસે રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ત્રણેય આરોપીઓના ૩ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પૂછતાછ હાથ ધરાઈ છે.