ક્રાઈમ કોર્નર

લાકડીયા નજીક એક વર્ષિય બાળક ટ્રેકટર નીચે ચગદાયું

ભચાઉ : તાલુકાના લાકડીયા નજીક આવેલી ડેટોક્ષ કંપનીની સુંદરપુરી કોલોનીમાં રહેતા શ્રમજીવી પરિવારના ૧ વર્ષિય બાળકનું ટ્રેકટર નીચે ચગદાઈ જવાથી મોત નીપજ્યું હતું. ફરિયાદી લક્ષ્મણભાઈ વજુભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, તેમના એક વર્ષિય પુત્ર નિતેષનું ટ્રેકટર નીચે કચડાઈ જવાથી મોત નીપજ્યું હતું. ટ્રેકટર ચાલકે બેદરકારી પૂર્વક રિવર્સ લેતા તેની પાસે રમતા બાળક પર ટ્રેકટર ફરી જતા માસુમના રામ રમી ગયા હતા. બનાવને પગલે લાકડીયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જૂનાવાડાના ગૂમસુદા યુવાનની લાશ કરમરિયા નજીક કેનાલમાંથી મળી

ભચાઉ : તાલુકાના જૂનાવાડાનો યુવાન છેલ્લા બે દિવસથી ગૂમ થઈ ગયો હતો. ૩ર વર્ષિય યુવાન નિતેશ જેરામ કોલી ગુમ થતા શોધખોળ હાથ ધરાઈ હતી. બાદમાં ભચાઉથી પ કિ.મી. દુર કરમરિયા તરફના માર્ગે નર્મદા કેનાલ પાસેથી યુવાનના બૂટ જોવા મળ્યા બાદ કેનાલની અંદર શોધખોળ આદરાઈ હતી. દરમિયાન યુવાનની લાશ મળતા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ છે.

આડેસર નજીકથી એમ્બ્યુલન્સમાંથી લાખ રૂપિયાનો શરાબ ઝડપાયો

રાપર : તાલુકાના આડેસર ચેકપોસ્ટ પર વાહન ચેકીંગ દરમિયાન રાજસ્થાનથી આવેલી એમ્બ્યુલન્સમાંથી રૂા.૯૯,૮૪૦ની કિંમતનો શરાબ મળી આવ્યો હતો. ચેકીંગ કરતી પોલીસને જોઈને એમ્બ્યુલન્સના ચાલકે રોંગ સાઈડમાં ભગવાનો પ્રયાસ કરતા પોલીસની ગાડીએ તેનો પીછો કર્યો હતો અને ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. બાદમાં એમ્બ્યુલન્સ બામણસર નજીક સીમમાં આવેલ ખેતરમાં ખાડામાં નમેલી પડી હતી. પોલીસે તેને આંતરી તેમાંથી દારૂની ૩૧ર બોટલ કિં.રૂા.૯૯,૮૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સાથે બાડમેટરના દિલીપ માનારામ જાટને પકડી પડાયો હતો. પોલીસે કુલ ૬,૦પ,૮૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તુણા વંડીમાં જૂની અદાવતે ૪ જણ પર હુમલો

અંજાર : તાલુકાના તુણા વંડીમાં જૂના ઝઘડાની અદાવતમાં ૬ ઈસમોએ શસ્ત્ર હથિયારો સાથે ૪ જણ પર હુમલો કર્યો હતો. જુણસ સિધીક હાસમ ચાવડાએ બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી. તેઓ હોસ્પિટલ જઈ રહ્યા હતા ત્યારે ગાડીમાં આવેલ અનવર ઉર્ફે લાંબો સિધીક, તેનો ભાઈ રશીદ સિધીક ચેલા, અભુ કારા ચેલા અને અલતાફ અભુ બાપડાએ ધારિયા પાઈપ સહિતના હથિયારો વડે માર માર્યો હતો.

સુંદરપુરીની સગીરાનું અપહરણ

ગાંધીધામ : અહીંના સુંદરપુરીમાં રહેતી સગીરાનું અપહરણ થતાં તેના પિતાએ ફરિયાદ નોંધાવી હતી. બનાવને પગલે સગીરાના પિતાએ શંકાના આધારે પાટણના શંખેશ્વરમાં રહેતા મહેશ કાળુજી ઠાકોર વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.