ક્રાઈમ કોર્નર

શિણાય રોડ પર છકડામાંથી પડી જતા કિશોરીનું મોત

અંજાર : તાલુકાના મેઘપર કુંભારડી વિસ્તારમાં શિણાય રોડ પર ચાલુ છકડામાંથી પડી જતાં સગીરાનું મોત નીપજ્યું હતું. બનાવમાં ગંભીર રીતે ઘવાયેલ ચંદ્રિકાબેન ભીલ (ઉ.વ.૧૭)એ સારવાર દરમિયાન આંખો મીચી લીધી હતી. છકડા રીક્ષા નં. જીજે. ર૩. વાય. ૭૦૧૧માં બેસીને હતભાગી ગળપાદર તરફ જતી હતી. દરમિયાન છકડામાંથી નીચે પડી જતા બનાવ બન્યો હતો. બનાવને પગલે પોલીસે રીક્ષા ચાલક કિશન બાબુભાઈ ભીલ સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ચોરાઉ એકટીવા સાથે એકની ધરપકડ

ભુજ : શહેરના પ્રમુખસ્વામીનગર ચોકડી પાસેથી ચોરાઉ એકટીવા સાથે ભુજ એ ડિવિઝન પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગડા પાટીયા ખાતે જ્યોતિપાર્ક સોસાયટીમાં રહેતા હિરેન જીતેન્દ્રગર ગુસાઈ નામના યુવાનને પોલીસે ઝડપી પાડતા વાહન ચોરીનો ભેદ ઉકેલાયો હતો. સહાયક ફોજદાર કે.બી. જાડેજાને મળેલી બાતમીના આધારે ઈન્સ્પેકટર પી.એમ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરાઈ હતી.

એ અમદાવાદી કોન્ટ્રાકટરે વધુ ૧૮ લાખની કરી ઠગાઈ

ગાંધીધામ : અમદાવાદના કોન્ટ્રાકટરે ગાંધીધામ સહિત અંજાર, સામખિયાળી, ભુજ, નખત્રાણાના કોન્ટ્રાકટરોને છેતરીને વધુ ૧૮ લાખની ઠગાઈ આચરી છે. જેમાં ૪ કેટરર્સ સાથે વિશ્વાસઘાત થયાની ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામના પરેશભાઈ અશોકભાઈ નિમ્બોર્ક નોંધાવેલી ફરિયાદમાં અમદાવાદની ધ રીલ સેન્ટર ટેઈન્મેન્ટના માલિક હિરેનભાઈ ઉર્ફે યશભાઈ વિજેન્દ્ર વૈદ્યની કંપની દ્વારા ઠગાઈ આચરાઈ છે. જેમાં સામખિયાળીના અમીતભાઈ ઠક્કર, રાપરના પરેશભાઈ રામાણી તેમજ ભુજ-નખત્રાણા માટે માધાપરના ભરતભાઈ જયંતીભાઈ પડીયા અને મુંદરા માટે મેઘરાજ ડોસાભાઈ ટાપરિયાને કોન્ટ્રાકટ આપવાના બહાને ૧૮ લાખનો ચૂનો ચોપડ્યો હતો.

વરાડીયામાં ઝેરી દવા પી ગયેલી યુવતીનું મોત

નલિયા : અબડાસા તાલુકાના વરાડીયામાં રહેતી રસીદાબેન અલાના મંધરા (ઉ.વ.૧૮)એ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ગત તા.પ/૪ના દવા પીધા બાદ હતભાગીને સારવાર માટે ખસેડાઈ હતી. જ્યાં સારવાર કારગત ન નીવળતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે કોઠારા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મોટા કપાયામાં માતાના વિયોગમાં પુત્રએ ગળે ફાંસો ખાધો

મુંદરા : તાલુકાના મોટા કપાયામાં ગત બીજી એપ્રિલે માતાએ આત્મહત્યા કરી લીધા બાદ તેના વિયોગમાં પુત્રએ પણ ફાંસો ખાઈ આપઘાત કર્યો છે. હતભાગીના પિતા ડાહ્યાલાલભાઈ ધેડાએ નોંધાવેલી વિગતો મુજબ તેમના ર૭ વર્ષિય પુત્ર કીર્તિ ધેડાએ અગમ્ય કારણોસર ઘરની આડીમાં રસ્સો બાંધીને ગળે ફાંસો ખાધો હતો. બનાવને પગલે પરિવારજનોમાં શોક ફેલાયો છે. બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે.