ક્રાઈમ કોર્નર

શિકરા રોડ પર પાર્ક કરેલા ડમ્પરમાં બાઈક ભટકાતા યુવાનનું મોત

ભચાઉ : તાલુકાના શિકરા રોડ પર કોઈપણ પ્રકારની આડસ વિના પાર્ક કરાયેલા ડમ્પરની પાછળ બાઈક ભટકાતા યુવાનનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ભચાઉમાં રહેતા રમેશભાઈ વનરાજભાઈ સંઘારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમની સાથે કામ કરતા પ્રવીણભાઈ સાયાભાઈ સંઘાર બાઈકથી જતા હતા ત્યારે માર્ગમાં પાર્ક કરાયેલા ડમ્પરમાં ઘૂસી જતા મોત નીપજ્યું હતું. બનાવને પગલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

નખત્રાણાના લક્ષ્મીપરમાં પવનચક્કી કંપનીનો કામદાર દાઝયો

નખત્રાણા : તાલુકાના લક્ષ્મીપર ગામે પવનચક્કીના થાંભલા પર કામ કરી રહેલા પરપ્રાંતિય યુવાનને વીજશોક લાગતા દાઝી ગયો હતો. મૂળ પશ્ચિમ બંગાળનો અને હાલ લક્ષ્મીપરમાં રહેતો ર૭ વર્ષિય શબ્બીરરૂલ નજરૂલ નામનો શ્રમિક પવનચક્કીના થાંભલા પર ચડીને કામ કરતો હતો. ત્યારે વીજશોક લાગતા ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે ખસેડાયો હતો.

અંજારમાં કપડાની દુકાનમાંથી રર હજારની જીન્સ ચોરાઈ

અંજાર : અહીંના કસ્ટમ ચોકમાં આવેલી રેડીમેઈડ કપડાની દુકાનમાંથી અલગ અલગ બ્રાન્ડની રૂા.રર,૮૦૦ની ૩૮ નંગ જીન્સ પેન્ટની ચોરી થઈ હતી. બનાવને પગલે દુકાન માલિક દીપકભાઈ ઘનશ્યામભાઈ કોટક દ્વારા ફરિયાદ નોંધાવાઈ હતી.

કુકમામાં દહેજની માંગણી કરીને પરિણીતાને ત્રાસ

ભુજ : તાલુકાના કુકમા ગામે દહેજની માંગણી કરીને પરિણીતાને શારીરિક માનસિક ત્રાસ અપાતા પતિ અને સાસુ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મૂળ કુકમાની અને હાલ મેઘપર કુંભારડીમાં રહેતી ૩૭ વર્ષિય સેજલબેન રાઠોડે કુકમામાં રહેતા તેના પતિ ધવલ પ્રવીણ રાઠોડ અને સાસુ જ્યોતિબેન વિરૂધ્ધ આદિપુર મહિલા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. આરોપીઓએ પરિણીતાને દહેજ મુદ્દે મારકૂટ કરીને ઘરમાંથી કાઢી મૂકી હતી. જેને પગલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કંડલામાં બે મકાનોમાંથી ચોરી થતાં ફરિયાદ

ગાંધીધામ : નવા કંડલામાં બે બંધ ઘરોને નિશાન બનાવીને ટીવી અને ગેસના બાટલાની ચોરી થઈ જતા ફરિયાદ નોંધાઈ છે. કંડલા મરીન પોલીસ મથકે ગોપાલભાઈ હસમુખભાઈ પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના ઘરમાંથી ૧પ હજારનું ટીવી અને પડોશીના રાજુ વૈધનાથ કાલેના ઘરમાંથી રૂ.૬ હજારના બે ગેસના બાટલાની ચોરી થઈ હતી.