ક્રાઈમ કોર્નર

ભુજમાં પેટ્રોલથી સળગાવવાના કેસમાં ગ્રાહકનું મોત

ભુજ : શહેરના રઘુવંશી ચોકડી પાસે છ દિવસ પૂર્વે ઉધારમાં પેટ્રોલ લેવાની બાબતે મામલો બિચક્યો હતો. જેમાં વેપારીએ ગ્રાહક પર અને ગ્રાહકે વેપારી પર પેટ્રોલ છાટી આગ લગાવતા બન્ને જણા દાઝયા હતા. આ ચકચારી કેસમાં વધુ માત્રામાં દાઝેલા રમેશ દામજી પરમાર નામના ગ્રાહકનું સારવાર દરમિયાન મોત થયું હોવાનું જાણવા મળ્યું છે જેથી વેપારી સહિત બે જણ સામે દાખલ થયેલી ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો થયો છે. એ-ડિવિઝન પોલીસમાંથી મળતી માહિતી પ્રમાણે ગત રોજ સવારે ભોગ બનનાર રમેશનું મોત થયું હતું. રમેશે જે-તે સમયે વેપારી ઘનશ્યામ ઠક્કર અને કેબિનધારક વડો ઠક્કર સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં હવે હત્યાની કલમનો ઉમેરો થયો છે. નોંધનીય છે કે, મૃતક રમેશ પરમાર કેબિને ઉધારમાં પેટ્રોલ લેવા જતા મામલો બિચકયો હતો.

ફતેહગઢની પરિણીતાને આપઘાત કરવા કરાઈ મજબૂર

રાપર :તાલુકાના ફતેહગઢ ગામે પરિણીતાને સાસરિયાઓ દ્વારા શારીરિક માનસિક ત્રાસ આપી આપઘાત કરવા માટે મજબૂર કરી હોવાની પોલીસ ફરિયાદ રાપરમાં નોંધાઈ છે. મહેસાણાના નગરાસણમાં રહેતા ૪પ વર્ષિય પોપટજી પ્રતાપજી સોલંકીએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, તેમની દીકરી અનીષાબા લગ્ન ફતેહગઢમાં રહેતા હેતુભા મદારસંગ જાડેજાના પુત્ર મહેન્દ્રસિંહ જાડેજા સાથે થયા હતા. તેમનો જમાઈ મહેન્દ્રસિંહ અગાઉ દારૂના ગુનામાં તેમજ પોલીસ સાથેની માથાકૂટમાં જેલમાં હતો. ત્યારે તેને છોડાવવા માટે દાગીના ગીરવી મુકી રૂા.૧ લાખ આપ્યા હતા. જોકે, દહેજની માંગણી કરી મહેન્દ્રસિંહ, હેતુભા, પ્રેમિલાબા હેતુભા જાડેજા, કંચનબા હેતુભા જાડેજા, કાળુભા હેતુભા જાડેજા દ્વારા ત્રાસ અપાતો હતો. જેનાથી કંટાળીને અનીષાબાએ ગળેફાંસો ખાઈ લીધું હોવાનું જણાવાયું છે. સાસરિયાઓના ત્રાસથી પુત્રીએ આપઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાતા ભચાઉ ડીવાયએસપી કે.જી.ઝાલાને તપાસ સોંપાઈ છે.

નાગોરમાં બિમારીથી પીડિત વૃદ્ધાએ આપઘાત કર્યો

ભુજ : તાલુકાના નાગોર ગામે એકલવાયું જીવન જીવતા અને માનસિક બિમારીથી પીડિત વૃદ્ધાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. નાગોર ગામે રહેતા રાજવીબાઈ ભીમજી જેપાર નામના પ૦ વર્ષિય મહિલાએ પોતાના ઘેર રસોડામાં લાકડીની આડીમાં દોરીવળે ગળેફાંસો ખાઈ જિંદગી ટુંકાવી હોવાનું જાણવા મળ્યું છે.

ગાંધીધામમાં તસ્કરોએ ઘર વેરવિખેર કર્યું

ગાંધીધામ : અહીના સપનાનગરમાં આવેલ મસ્જિદની બાજુમાં રહેણાક મકાનમાં તસ્કરોએ ખાતર પાડ્યું હતું. મકાન માલિક કમલજીતસિંઘ પરિવાર સાથે પંજાબ ગયા હતા તે દરમિયાન બંધ ઘરમાં ત્રાટકેલા તસ્કરોએ ઘરવખરી વેરવિખેર કરી હતી, પરંતુ કાંઈ હાથ લાગતા ઘરની બહારની દીવાલ પર ‘કુછ ભી નહીં હૈ સરદાર’ લખી ચાલ્યા ગયા હતા. જોકે, મકાન માલિક આવીને તપાસ કરતા ઘરમાંથી ૧૦ હજારની રોકડ ચોરાઈ હોવાનું સામે આવ્યું છે. અલબત્ત આ અંગે સત્તાવાર ફરિયાદ હજુ સુધી નોંધાઈ નથી.

ભુજની રામનગરીમાં યુવાને ગળે ફાંસો ખાધો

ભુજ : શહેરના રામનગરી વિસ્તારમાં રહેતા ર૭ વર્ષિય મજીદ ઈસ્માઈલ નોડેએ ગત ૩૦મી માર્ચની રાતથી બુધવાર સવાર સુધીના સમયગાળામાં અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેને પગલે બી-ડિવિઝન પોલીસે ગુનો દાખલ કરી આગળની તજવીજ હાથ ધરી છે.