ક્રાઈમ કોર્નર

કિડાણાના તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

ગાંધીધામ : તાલુકાના કિડાણામાં આવેલા તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજ્યું હતું. તળાવમાં એક યુવાનની તરતી લાશ દેખાતા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા હતભાગીના મૃતદેહને બહાર કાઢીને તપાસ કરતા મૃતક કિડાણાની કરણીજી સોસાયટીમાં રહેતા તેજશી ભાણજી દાફડા (ઉ.વ. ૪પ) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે.

મુન્દ્રાના ટુંડામાં યુવાનનો અકળ આપઘાત

મુન્દ્રા : તાલુકાના ટુંડા ગામે મૂળ ભાવનગરના વતની એવા શક્તિ મુંધા વાઘેલા (ઉ.વ. ર૬)એ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હતો. હતભાગી ટુંડામાં ભાડાના મકાનમાં રહેતો હતો. ધૂળેટીની રાત્રે અગમ્ય કારણોસર આત્મઘાતિ પગલું ભરતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ગાંધીધામમાં સમાજની ચર્ચા દરમિયાન બે જુથો વચ્ચે મારામારી

ગાંધીધામ : શહેરના ગોપાલપુરી રેલવે ઝુંપડા વિસ્તારમાં સમાજ અંગેની ચર્ચા દરમિયાન થયેલી બોલાચાલી બાદ ઝઘડો થતા મારામારી થઈ હતી. જેમાં બન્ને પક્ષે મહિલાઓ સહિત ૭ જણને ઈજાઓ થઈ હતી. બનાવ અંગે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ભંવરલાલ ભેરાજી ચૌહાણે આરોપી ભેરારામ આશારામ પરમાર તેની પત્ની લક્ષ્મીબેન, દિકરો રાહુલ અને વિનોદ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. તો બીજી તરફ ભેરારામ આશારામ પરમારે આરોપી ભંવરસિંહ ભેરારામ, ભંવરસિંહની પત્ની, તેના મામા-મામી અને પડોશી મદનભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને પક્ષે સામસામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

નલિયામાં આંખલા યુદ્ધમાં વૃધ્ધ ઘવાયા

નલિયા : તાલુકા મથકની મુખ્ય બજારના ચોકમાં બે આંખલાઓ વચ્ચે દ્રંદ્ર યુદ્ધ થતા એક વૃધ્ધને ઈજાઓ પહોંચી હતી. બનાવમાં ૬૮ વર્ષિય દાનુભા ખેંગારજી જાડેજાને ઈજાઓ થતા તાત્કાલિક નલિયા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા. નલિયાની બજારમાં રખડતા ઢોરના ત્રાસે હવે હદ વટાવી છે ત્યારે લોકોમાં રોષ ફેલાયો છે.

વરસાણામાં લોડર અકસ્માતમાં એકનું મોત

અંજાર : તાલુકાના વરસાણામાં આવેલી પીએસએલ કંપની પાસેની સુમિલોન કંપનીમાં લોડર પડી જતા અકસ્માત સર્જાયો હતો. તોતીંગ વાહનના આગળના દાંતા ગણેશ હીરાલાલ પટેલ (ઉ.વ.૩૬) ઉપર પડતા તેમને ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે રામ આશ્રય પટેલ નામના યુવાનને પગમાં અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. બનાવને પગલે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

ભુજ ગીતા કોટેજીસમાં એરફોર્સ ઓફિસરના ઘરમાંથી ચોરી

ભુજ : શહેરના એરપોર્ટ રોડ પર આવેલ ગીતા કોટેજીસમાં રહેતા એરફોર્સ ઓફિસર પંકજભાઈ શ્રીરાજકુમાર ગુલીયાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમના ઘરના આંગણામાં રાખેલ રૂા.૧૦,પ૦૦ની ૩ મોટર તેમજ રૂા.૪ હજારની કિંમતના બૂટની જોડીની ચોરી થઈ હતી. તેમની બાજુમાં રહેતા સહકર્મીના ઘરના આંગણામાંથી પણ ચીભડ ચોરી થઈ હતી.