ક્રાઈમ કોર્નર

માધાપરમાં સ્કૂલ બસની ટક્કરથી સગીરનું મોત

ભુજ : તાલુકાના માધાપર હાઈવે ભવાની હોટલ પાસે અંધજન મંડળની સ્કૂલની બસની ટક્કરે સોયબ કાદર સમા નામના ૧૩ વર્ષિય સગીરનું કરૂણ મોત થયું હતું તેવી વિગતો પોલીસ ચોપડેથી સામે આવી છે.

મથલમાં એસીડ પીનારી કિશોરીનું મોત

નખત્રાણા : તાલુકાના મથલ ગામે માતાએ ટીવી જોવાની ના પાડતા ઉસ્કેરાઈને મનમાં લાગી આવતા જમના ગોપાલ સીજુ નામની ૧૭ વર્ષિય કિશોરીએ એસીડ પી લીધું હતું. જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

રાપરની વાડીમાંથી ૪૬૦૦ની ચોરી

રાપર : અહીંના પાધેડા વાડી વિસ્તારમાં ચોરીની ઘટના બનવા પામી હતી. જેમાં તસ્કરો ઓરડીના તાળા તોડી બાજરીનો કટો, ડ્રીલ મશીન, ટોચ, લાઈટ, બેટરી સહિતની ૪૬૦૦ની મત્તા ચોરી ગયા હતા. જે અંગે વાડી માલીક લખમણ કરમશીભાઈ પટેલે ફરિયાદી નોંધાવી હતી.

પત્રીમાં આકાશી વિજળી પડતા માલધારીનું મોત

મુન્દ્રા : તાલુકાના પત્રી નજીક આકાશી વિજળી પડતા દેવભૂમિ દ્વારકાના સુજીત્રાના વતની એવા મેકરણભાઈ રબારી નામના માલધારીનું મોત થયું હતું. તેઓ ખેંગાર સાગર ડેમ નજીક ઊંટોને ચરાવવા માટે લઈ આવ્યા હતા ત્યારે આકાશી વિજળી ત્રાટકતા આ ઘટના બનવા પામી હતી.

કિડાણામાં રપ હજારનો દારૂ પકડાયો

ગાંધીધામ : તાલુકાના કિડાણા ગામના બસ સ્ટેશન પાસે રીક્ષા નં.જીજે૧ર-બીયુ-૩૩૧૪માંથી પોલીસે રપ હજારનો અંગ્રેજી શરાબ ઝડપી પાડ્યો હતો. આ સાથે રીક્ષા ચાલક રવીન્દ્ર જયરામ સીજુની અટકાયત કરાઈ હતી. જ્યારે આ દારૂ ગણેશનગરના કાનજી સુંઢાએ આપ્યો હોવાની માહિતી ખુલવા પામી હતી.