ક્રાઈમ કોર્નર

સામખિયાળીમાં બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

ભચાઉ : તાલુકાના સામખિયાળી નજીક બાઈક સ્લીપ થતા યુવાનનું મોત થયું હતું. સામખિયાળી ચાર રસ્તાથી ટોલ પ્લાઝા તરફ જતા માર્ગ પર બાઈક પર સવાર થઈ જંગીના ૩૯ વર્ષિય દેવકરણ મેરામણ આહિર અને સામખિયાળીના ૩૯ વર્ષિય રમઝાન અબીખાન પઠાણ જતા હતા ત્યારે બાઈક સ્લીપ થતા બન્ને યુવાનો રોડ પર પડી ગયા હતા. આ દરમિયાન બાઈક ચાલક દેવકરણ પર નજીકમાંથી પસાર થતું કન્ટેઈનર ટ્રેઈલર ટાયર ફરી વળતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું તો રમઝાનને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો હતો.

મોડપરની શાળામાંથી ચોરી કરતા બે પકડાયા

ભચાઉ : તાલુકાના મોડપર ગામની બંધ પ્રાથમિક શાળામાંથી ૮ હજારની તસ્કરી કરનારા લાખાપરના બે શખ્સોને પોલીસે ઝડપી પાડી ૪,ર૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે લાખાપરના શિવાભાઈ રાયમલ કોલી અને ગોરાભાઈ છગનભાઈ કોલીને ગામમાંથી પકડી ચોરીમાં ગયેલ સામાનમાંથી બે પંખા, સિલિન્ડર અને પાણીની મોટર રિક્વર
કરી હતી.

જાટાવાડા પાસે કત્તલખાને જતા ઘેટાં મુક્ત કરાવાયા

રાપર : તાલુકાના જાટાવાડા નજીક કત્તલખાને લઈ જવાતા ઘેટાંઓને પોલીસે બચાવ્યા હતા. બાતમીના આધારે બાલાસર પોલીસે બેલા-જાટાવાડા રોડ પર વોચ ગોઠવી મહિન્દ્રા મેક્સ જીપકારને રોકાવી હતી. જેમાં જીપમાં ર૩ ઘેટાં ખીચોખીચ ભરેલા હતા. જેથી કત્તલખાને લઈ જવાતા પશુઓને મુક્ત કરાવી ચાલક ઈકબાલશા મામદશા શેખ સામે પોલીસે ગુનો નોંધ્યો હતો. કનૈયાબેના આ શખ્સ સામે પશુ પ્રત્યે ઘાતકીપણું અધિનિયમ તડે ફરિયાદ થઈ છે.

ગાંધીધામમાં બંધ મકાનમાંથી દાગીના ચોરાયા

ગાંધીધામ : શહેરના મહેશ્વરીનગરમાં રહેતો રિક્ષાચાલકનો પરિવાર ઘર બંધ કરી અબડાસા ગયો ત્યારે આ મકાન તસ્કરોએ નિશાન બનાવી ૧૭ હજારના દાગીના ચોર્યા હતા. મહેશ્વરીનગરમાં રહેતા પ૦ વર્ષિય રીક્ષાચાલક સુમારભાઈ દેશરભાઈ મહેશ્વરી અબડાસાના કુણાઠિયા ગામે ગયા એ દરમિયાન આ બનાવ બન્યો હતો. ઘરમાં કબાટનો લોક તોડી ૧ર હજારની કિંમતના સોનાના ઓમ અને પાંચ હજારનો ચાંદીનો કડું તસ્કરો ચોરી જતા ગુનો દાખલ કરાયો છે.

બાલાસર પોલીસે ૧૯,ર૦૦નો દારૂ પકડ્યો

રાપર : તાલુકાના બેલા જાટાવાડા રોડ પર આવેલા ધબડા પાટિયા પાસે પોલીસે અનિલ કરશનભાઈ બાલાસારાના કબજામાંથી દારૂની બે બોટલ કબજે કરી હતી. આ બોટલ અંગે પુછતા તેણે આ બોટલ ખોડિયારવાંઢમાં રહેતા નારાણ દાનાભાઈ રાજપૂત પાસેથી લીધી હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે ખોડીયારવાંઢમાં નારાણભાઈના ઘરે દરોડો પાડી ઓરડીમાંથી દારૂના ૧૦૩ ક્વાર્ટરીયા અને ૧૪ બોટલ તેમજ બીયરના ૧૧ ટીન મળી કુલ રૂપિયા ૧૮,૭૦૦નો દારૂ કબજે કરાયો હતો. આ સાથે રેડ દરમિયાન કાનાજી વજાજી ઝાલાની પણ અટકાયત થઈ હતી.