ક્રાઈમ કોર્નર

ગાંધીધામમાં વાહન હડફેટે યુવકનું મોત

ગાંધીધામ : શહેરમાં ઈફકો ગેટથી રોટરી સર્કલ પર જતા ચાર રસ્તા ઓશિયા મોલ સામે ગત રપ ઓગસ્ટના અજાણ્યા વાહન ચાલકે યુવાનને ટક્કર મારતા તેનું ગંભીર ઈજાઓથી મોત નિપજ્યું હતું. આ યુવાનના અત્યાર સુધી કોઈ વાલી-વારસ ન મળતા અંતિમવિધિ કરાઈ હતી.

હમીરપરમાં વીજશોકથી યુવાનનું મોત

રાપર : તાલુકાના હમીરપર ગામમાં સમારકામ કરતી વખતે વીજ કર્મચારી ૩૬ વર્ષીય જે.વી.દરંગાને વીજ આંચકો લાગ્યો હતો. જેમાં નીચે પટકાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચતા આ યુવાન કર્મચારીનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. વીજ ડીપીમાં સમારકામ કરતી વખતે આ કરૂણ ઘટના બનવા પામી હતી. વીજ પુરવઠો બંધ હોવા છતાં કર્મચારીને કરંટ લાગતા આ મુદ્દે પણ તપાસ કરવામાં આવે તે જરૂરી છે.

ઢોરી ગામે જુગાર રમતા ૭ પકડાયા

ભુજ : તાલુકાના ઢોરી ગામે જુગાર રમતા જુસબ ઈબ્રાહીમ પારા, રમેશ મામદ કોલી, અલીમામદ ગુલામમામદ મણકા, અશોક મોહન દેવીપુજક, હીરાભાઈ છવાભાઈ ડાંગર, ચમન મોહન દેવીપુજક અને રામુ બાબુ દેવીપુજકને પોલીસે રોકડા રૂા.ર૪,૧૦૦ની રોકડ અને ૩પ૦૦ના ચાર મોબાઈલ સાથે જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.

આદિપુરમાંથી ગૂમ થનાર કિશોરને શોધી કઢાયો

ગાંધીધામ : આદિપુરના દુબઈ, સિંધુનગરના વોર્ડ-૬/એમાં રહેતો ૧૬ વર્ષિય હર્ષ પ્રદિપ રાજનાની ગુરૂવારના સાંજના સમયે ટ્યુશને જવાનું કહી ગૂમ થયો હતો, જે બાબતે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ હતી. આ ગુના કામે પૂર્વ કચ્છ એલસીબી ગાંધીધામને જાણ કરી ત્યાંથી ઈન્ચાર્જ પીઆઈ શ્રી સોલંકીની મદદ મેળવી આદિપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એચ.એસ. તિવારીએ ગૂમ થનારનું લોકેશન મંગાવતા તે અમદાવાદ હોવાનું સામે આવતા ત્યાંથી બાળકનો કબજો મેળવી પિતાને સોંપાયો હતો.