ક્રાઈમ કોર્નર

ભચાઉમાં બાઈક સ્લીપ થતા યુવાનનું મોત

ભચાઉ : તાલુકાના શિકારપુરથી મીઠાના કારખાના તરફ જતા રપ વર્ષિય રફીક શેરમામદ ત્રાયાની બાઈક રસ્તામાં સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજાઓથી મોત નિપજ્યું હતું. જે સંદર્ભે સામખિયાળી પોલીસમાં એડી દાખલ થઈ હતી.

ધ્રોબાણામાં આધેડ પર બે શખ્સોનો હુમલો

ભુજ : ખાવડાના ધ્રોબાણા ગામે રહેતા ૪૩ વર્ષિય ચમાચી ઈબ્રાહીમ સમા પર હુશેની વાંઢ જતા હતા ત્યારે રસ્તા આરોપી કરીમ દેશર સમા અને રમજાન દેશર સમાએ ફરિયાદીને અટકાવી પોલીસ ફરિયાદ કરતો હોવાનો વહેમ રાખી ફરિયાદીને માથાના કૂહાડી અને પથ્થર વડે માર મારી ઈજા પહોંચાડાતા ખાવડા પોલીસમાં ફરિયાદ
થઈ છે.

મનફરામાં વેપારી સાથે અમદાવાદી શખ્સે ૯.૬૦ લાખની ઠગાઈ કરી

ભચાઉ : તાલુકાના મોમાયમોરા ગામમાં રહેતા અને મનફરામાં રંજકાનો વેપાર કરતા નવીન ભીખા વરચંદ સાથે અમદાવાદના આરોપી પરાગ પટેલ ઉર્ફે મીતકુમાર ભગવાનભાઈ ભ્રાસડીયાએ રૂા.૯.૬૦ લાખની ઠગાઈ કરી હોવાની ફરિયાદ ભચાઉમાં નોંધાઈ છે. આરોપીએ ફરિયાદી પાસેથી ૩ ટન રંજકો મંગાવ્યો હતો જે પેટે રૂપિયા ચૂકવવા બેંકમાં ચેક આપી તેનો ફોટો સોશિયલ મીડિયા મારફતે મોકલાવાયો હતો. પરંતુ બાદમાં ચેક બેંકમાંથી પાછો ખેંચી લઈ રૂપિયાન ચૂકવી માલ લઈ લીધો હતો. જે સંદર્ભે ફરિયાદ થઈ છે.

ગાંધીધામમાંથી ૭પ હજારના દારૂ સાથે એક ઝડપાયો

ગાંધીધામ : ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ૭પ હજારના દારૂ સહિત ૩.૭પ લાખના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. પીઆઈ એમ.એમ. જાડેજાએ બાતમીના આધારે નવી સુંદરપુરીના ભરવાડવાસમાં રેડ પાડી હતી. જ્યાંથી રૂા.૭પ હજારની કિંમતની ગ્રીન લેબલ વ્હીસ્કીની ર૧૬ બોટલ તેમજ રૂા.૩ લાખની કિંમતની સ્વિફટ કાર સાથે ર૮ વર્ષિય આરોપી રાહુલ અંબાવીભાઈ સથવારાની ધરપકડ કરાઈ હતી. જ્યારે અન્ય એક આરોપી દેવા જાખળને પકડવા તજવીજ હાથ ધરી હતી.

કચ્છ એક્સપ્રેસમાંથી પ્રવાસીની બે લાખની મત્તા ચોરાઈ

ભુજ : સામખિયાળીથી મુંબઈ જવા નીકળેલા પ્રવાસીની બે લાખની મત્તા કચ્છએક્સપ્રેસ ટ્રેનમાંથી ચોરાઈ જતા વાપી પોલીસમાં ફરિયાદ થઈ છે. મુળ સેલારીના અને હાલે મુંબઈમાં રહેતા હિતેશ રામજીભાઈ ગામી મુંબઈ જવા સામખિયાળીથી એસ-૭ કોચમાં બેઠા હતા ત્યારે રાત્રિથી સવાર સુધીના ગાળામાં કોઈ તસ્કરો તેમનો થેલો ચોરી ગયા હતા. જેમાં બે લાખ રોકડા તેમજ જરૂરી ઓળખપત્ર અને કપડાની જોડી હતી. આ ટ્રેનમાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વણવીર રાજપૂત પણ પ્રવાસ કરતા હોવાથી તેમનું ધ્યાન દોરી બાદમાં વાપી પોલીસમાં ફરિયાદ કરાઈ હતી.

બિદડામાં ગળેફાંસો ખાઈ કિશોરીનો આપઘાત

માંડવી : તાલુકાના બિદડા ગામે રહેતા શકુના વિનુભાઈ નાયકા નામની ૧૬ વર્ષિય કિશોરીએ વાડીમાં પોતાના ઘર નજીક ટાવરના એંગલમાં ફાંસો ખાઈ જિંદગી ટુંકાવી દીધી હતી. ખેત મજૂર પરિવારની કિશોરીએ કયા કારણોસર આત્મઘાતી પગલું ભર્યું તે સ્પષ્ટ થઈ શક્યું નથી.