ક્રાઈમ કોર્નર

માધાપરની ડેરીમાંથી ૩.૮૯ લાખના દૂધના પાવડરની ઉઠાંતરી

ભુજ : માધાપરના મધર ડેરી ગોદામમાં ૩.૮૯ લાખની પ૬ જેટલી દૂધના પાઉડરની થેલીઓની ગત તા.પ/૮થી ૧૬/૮ દરમ્યાન ઉઠાંતરી થઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે. મળતી વિગતો મુજબ ડેરીના ઈન્ચાર્જ દીપક શ્રીવાસ્તવની ફરિયાદ મુજબ છ જેટલા કર્મચારીઓ શકમંદ તરીકે લખાવાયા છે. જેમાં સિક્યોરિટી સુપરવાઈઝર પરાક્રમસિંહ, નાઈટ ડ્યુટી ઈન્ચાર્જ વિવેક રાઠોડ, દિલીપ ચૌધરી, રાત્રી મજુર શેરખાન સુમરા, સિકંદર હાલેપોત્રા અને અબ્બાસ સુમરા સામે શંકા દર્શાવાઈ છે.

ગાંધીધામમાં કારમાંથી શરાબ વેચતો શખ્સ ઝડપાયો

ગાંધીધામ : ગાંધીધામની નવી સુંદરપુરીમાં ભરવાડવાસમાં પોતાના ઘર પાસે કારમાંથી દારૂનું વેચાણ કરતો શખ્સ ૭પ,૬૦૦ના અંગ્રેજી શરાબના જથ્થા સાથે પોલીસે પકડી પાડ્યો હતો. મળતી વિગતો મુજબ નવી સુંદરપુરી ભરવાડવાસમાં રહેતો રાહુલ અંબાવી સથવારા તેના ઘર પાસે પોતાની કારમાંથી દારૂ વેચતો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે કાર નં. જીજે. ૧૮. બીજી. ૬૬૬૬માં કુલ ૭પ,૬૦૦નો અંગ્રેજી શરાબનો જથ્થો પકડી પાડ્યો હતો.

કંડલા ચોરી પ્રયાસમાં એકની અટક

ગાંધીધામ : કંડલામાં આઈએસીએલ કંપનીના એલપીજી પ્લાન્ટમાં રેલ્વે ફાટક પાસે ખુલ્લી જગામાં લોખંડનો સામાન તથા કેબલોની અજાણ્યા તસ્કરોએ ગત તા.ર૩/પના કોશિશ કરી હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં પોલીસે દિનેશ ભેરાભાઈ (જોગી) (નવા કંડલા)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નખત્રાણામાં યુવાન પર પાઈપથી હુમલો

ભુજ : નખત્રાણા ખાતે રૂડી સતીમાના મંદિર સામેના મેદાનમાં સામાન્ય બાબતે લોખંડના પાઈપ વડે હુમલો કરાતા રોહન હરેશ નરભેરામ જોષી (ઉ.વ.૧૯)ને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. મળતી વિગતો મુજબ વિગતો મુજબ પોલીસે નખત્રાણા તાલુકાના વેડહાર ગામના નરેન્દ્રસિંહ સોઢા અને તેની સાથે અજાણ્યા ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો.

ગજોડ સીમમાં પરિણીત યુવતી સાથે દુષ્કર્મ કરનારા સામે ફરિયાદ

મુન્દ્રા : મુન્દ્રા તાલુકાના બાબીયા સીમ તથા ગજોડ સીમમાં અંદાજે સાડા ચારેક મહિના પહેલા એક ૩ર વર્ષીય પરિણીત યુવતી પર ટપ્પરના શખ્સે દુષ્કર્મ આચરતા મુન્દ્રા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. મળતી વિગતો મુજબ આ બનાવમાં મુન્દ્રા પોલીસે ટપ્પર ગામના કરસન ફકુ કોલી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભુજ નજીક અકસ્માતમાં બે ઘવાયા

ભુજ : માધાપર નજીક નળવાળા સર્કલ પાસે ટેમ્પો બાઈક વચ્ચે અકસ્માતમાં બે જણાને ઈજા થઈ હતી. મળતી વિગતો મુજબ ભુજથી માધાપર તરફના માર્ગે ગઈકાલે મીની ટેમ્પાએ બાઈકને ટક્કર મારતા ગાંધીધામના કિડાણા ગામના ધનજી દેવરિયા (ઉ.વ. ર૭) અને હરેશ કે. મહેશ્વરીને ઈજાઓ પહોંચતા ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.