ક્રાઈમ કોર્નર

મોરગરમાં પ્રેમ સંબંધમાં યુવાનની હત્યા

ભચાઉ : તાલુકાના મોરગર ગામે પ્રેમ સંબંધનું મનદુઃખ રાખી પ્રેમીકાએ પરિવાર સાથે મળી બોથડ પદાર્થ પ્રેમીને મારી હત્યા નિપજાવી હોવાની ઘટના દુધઈમાં નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે અશોક ઉર્ફે લાલો અમરસિંગ ભાભોર નામના યુવાનને રાધનપુરની શિલ્પા વિષ્ણુ કોલી સાથે પ્રેમ સંબંધ હતો જે પરિવારને પસંદ ન હોવાથી અશોકને ઘર પાસેના ખેતરમાં બોલાવી આરોપી પ્રેમીકા શિલ્પા તેમજ વિષ્ણુ રામજી કોલી, મહેન્દ્ર વિષ્ણુ કોલી અને મહેશ વિષ્ણુ કોલીએ બોથડ પદાર્થથી માર મારી હત્યા નિપજાવી હોવાની ફરિયાદ મૃતકની બહેન સુરેખાબેને નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે.

ભુજમાં મારામારીનો ફરાર આરોપી ઝડપાયો

ભુજ : ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા મારામારીના કેસમાં ફરાર આરોપી દિલીપ નટવરલાલ ઠક્કર (રહે ગ્રીન એકર્ડ સોસાયટી)ની દરબારગઢ પાસેથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ દ્વારા અટકાયત કરી એ-ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો હતો.

સુમરાસર શેખમાંથી ૭પ હજારની તસ્કરી

ભુજ : તાલુકાના સુમરાસર શેખ ગામે રહેતા જુસબભાઈ આમદભાઈ શેખનો પરિવાર કામકાજ અર્થે બહાર ગયો ત્યારે તસ્કરોએ બંધ ઘરમાં ત્રાટકી પેટીનું લોક તોડી રોકડા રૂા.પ૦ હજાર અને ચાંદીના બે દાગીના કિંમત રૂા.રપ હજાર મળી કુલ રૂા.૭પ હજારની તસ્કરી કરતા માધાપર પોલીસમાં ગુનો નોંધાયો છે. નોંધનીય છે કે, ભુજ શહેરમાં ચોરીના ચાર બનાવનો ભેદ ઉકેલાયો નથી ત્યાં પાંચમો કિસ્સો બન્યો છે.

ટપ્પરના નરાધમે પરીણિતા પર બે વખત દુષ્કર્મ આચર્યું

ભુજ : મુન્દ્રા તાલુકાના ટપ્પર ગામે રહેતા નરાધમ આરોપી કરશન ફફુ કોલીએ બાબિયાની પરીણિતા પર બાબિયાની સીમ અને ભુજના ગજોડ ગામની સીમમાં દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આરોપીએ મહિલાના પતિને મારી નાખવાની ધમકી આપી બળજબરી પૂર્વક આ કૃત્ય આચર્યું હતું જે અંગે ગુનો દાખલ કરાયો છે.

ગાંધીધામ ગટર મોત પ્રકરણમાં આરોપી જેલમાં ધકેલાયો

ગાંધીધામ : અહીંના બસ સ્ટેશન પાસે ગટરની ચેમ્બરમાં ગુંગળાઈને બે યુવાનો મોતને ભેટ્યા હતા. જે સંદર્ભે કિરણ ભરત કટારિયા સામે ગુનો દાખલ થતા પોલીસે આરોપીની અટકાયત કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. જે બાદ તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આરોપી સેફટી ઈન્ચાર્જ હોવાથી તેણે દાખવેલી બેદરકારી સબબ આ પગલાં લેવાયા છે.

માનકૂવામાં આધેડનો આપઘાત

ભુજ : તાલુકાના માનકૂવા ગામે જુનાવાસમાં રહેતા પ૮ વર્ષિય ગોપાલભાઈ નારાણભાઈ કેરાઈએ બુધવારે સવારે પોતાના ઘરમાં પંખામાં ચુંદડી બાંધીને આપઘાત કરી લીધો હતો. પ્રાથમિક તપાસમાં હતભાગીએ બિમારીના કારણે જિંદગી ટુંકાવી હોવાનું સામે આવ્યું છે.