અવધનગર પાસે ચાની હોટલ મુદ્દે આધેડ પર હુમલો

ભુજ : તાલુકાના કુકમા નજીક અવધનગર પાસે કંપની બહાર ચાની હોટલ કરવા મુદ્દે માધાપરના નારણભાઈ ઉર્ફે દશરથભાઈ ચંદનસિંહ પરમાર નામના આધેડને આરોપીઓ અરૂણભાઈ હિરજી ગરવા અને ધનજીભાઈ હિરજી ગરવા દ્વારા ધોકાથી માર મારવામાં આવતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓએ બંને ભાઈઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી કંપનીની બહાર આવેલી ચાની હોટલે સાફ સફાઈ કરવા ગયા ત્યારે આ બનાવ બન્યો હતો.

દેશલપર ગુંતલીમાં યુવક પર હુમલો

નખત્રાણા : તાલુકાના દેશલપર ગુંતલી ગામે રહેતા મુસ્તાક રમજાન લુહારને ગામના ઈસ્માઈલ આમર લંઘા દ્વારા સોમવારે જુની અદાવતનું મનદુઃખ રાખી માથાના ભાગે ઉંધી કુહાડી મારવામાં આવતા નખત્રાણા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

એમપીમાંથી અપહરણ થયેલી સગીરા અંજારમાંથી મળી

અંજાર : મધ્યપ્રદેશ રાજ્યના અવંતીપુર વડોદિયા પોલીસ સ્ટેશન દર્જ થયેલા બે વર્ષ જૂના અપહરણના કેસમાં અંજાર પોલીસે અજાપર સીમમાં આવેલ એસઆઈપીએલ પ્લાયવુડની કંપનીમાં દરોડો પાડી આરોપી દેવેન્દ્ર ઉમરાવ ગુર્જરને અપહરણ થયેલી સગીરા સાથે પકડી પાડ્યો હતો. ભોગ બનનાર બાળકીને શોધી આરોપીને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવ્યો છે.

સુંદરપુરીમાંથી ૪ જુગારી પકડાયા

ગાંધીધામ : શહેરના નવી સુંદરપુરી વિસ્તારમાં મંદિર પાસે જુગાર રમતા પરષોત્તમ રતુભાઈ દેવીપૂજક, વિનોદભાઈ ગોવિંદભાઈ કુંવારિયા, રશિકગિરિ મંગલગિરિ ગુંસાઈ અને ગોવિંદભાઈ ચોથાજી માજીરાણાને ૩,૯૦૦ની રોકડ સાથે એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા હતા.