ચોપડવા પાસે ટ્રેન હડફેટે યુવાનનું મોત

ભચાઉ : તાલુકાના ચોપડવા નજીક અંકુર સોલ્ટ પાસે આવેલા રેલવે ટ્રેક પાસેથી અજ્ઞાત યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેન હડફેટે આવી જવાથી ગંભીર ઈજાઓથી યુવાનનું મોત નિપજયું હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે. અલબત મૃતકની ઓળખ માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

વરસામેડીમાંથી ૧૮ હજારનો શરાબ પકડાયો

અંજાર : તાલુકાના વરસામેડી ગામે આવેલી શાન્તિધામ સોસાયટીના રહેણાક મકાનમાં પોલીસે દરોડો પાડી ૧૮ હજારનો શરાબ જપ્ત કર્યો હતો. જો કે પોલીસ રેડ કરવા આવી હોવાની ગંધ આવી જતાં આરોપી વનરાજસિંહ નટુભા જાડેજા મકાનના દરવાજા બંધ કરી નાસી ગયો હતો. એલસીબી દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો.

ભચાઉમાં બચત યોજનાના નામે મહિલા સાથે પ૮ હજારની ઠગાઈ

ભચાઉ : શહેરમાં દૈનિક બચત યોજનાનું ખાતુ ખોલાવી વ્યાજની લાલચ આપી મહિલા સાથે અડધા લાખની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. મળતી વિગતો મુજબ પારસબેન લખમણભાઈ ગઢેરાએ આ અંગે રશિલાબેન ચંદ્રકાન્ત દવે અને તેના પુત્ર યશદીપ સામે ફરિયાદ નોંધાવી છે. આરોપી મહિલાએ પોતે યુવાનિધિ કંપનીમાં મેનેજર હોવાની ઓળખાણ આપી ૧૦૦ – ૧૦૦ રૂપિયા બચત કરવાની યોજના અંગે માહિતી આપી હતી. જેથી મહિલાએ પોતાના તેમજ ભત્રીજીના છોકરાઓના નામે ખાતા ખોલાવ્યા હતા. પણ પાકતી મુદ્દતે વ્યાજ અને મુદલની રકમ લેવા ઓફિસે ગયા ત્યારે ઓફિસ બંધ હતી. અને આરોપીઓએ રૂપિયા મળશે નહીં તેવું જણાવી દેતા બંને માતા- પુત્ર સામે ગુનો દાખલ કરાયો છે.

કેટરર્સના ૧૧ ધંધાર્થી સાથે ઠગાઈ કરનારો આરોપી ઝડપાયો

ભુજ : ભોજનના કામોનો ઠેકો આપવાની લાલચ આપી કચ્છના વિવિધ વિસ્તારના ૧૧ કેટરર્સ સાથે રૂપિયા ૩૧.પ૦ લાખની ઠગાઈ કરનાર અમદાવાદના હિરેન ઉર્ફે યશ વિજેન્દ્ર વૈદ્યને પોલીસે ભાવનગરમાંથી ઝડપી લીધો હતો. આરોપી સામે માંડવી અને ગાંધીધામ એ ડિવિઝનમાં ફરિયાદ થઈ છે. આરોપીએ પોતાને કચ્છની તમામ પ્રાથમિક શાળામાં કોમ્પ્યુટર લેબના નિર્માણ કાર્યમાં રોકાયેલા સ્ટાફના ભોજન માટેનો ઠેકો મળ્યો હોવાના બણંગા ફુકી ધંધાર્થીઓને શીશામાં ઉતાર્યા હતા. માંડવી પોલીસે ધરપકડ બાદ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

મીઠીરોહરમાં ધારિયાથી હુમલો કરી કાન કાપી નખાયો

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર ગામે પંચરની દુકાન ચલાવતા ફરિયાદી અબ્બાસ સુલેમાન સોઢા અને તેના ભાઈ હસન સુલેમાન સોઢા પોતાની દુકાને હતા. ત્યારે ધારિયા સાથે આવેલા આરોપી સિકંદર અબ્દુલ ધોનાએ બોલાચાલી કરી હતી. જેથી ગાળો બોલવાની ના પાડતા આરોપીએ ઉશ્કેરાઈને ફરિયાદીના ભાઈ હસનભાઈને માથાના ભાગે ધારિયા વડે હુમલો કરી કાન કાપવા સહિતની ઈજાઓ પહોંચાડતા આરોપી સામે હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરાયો છે.

સામખિયાળીના દારૂના કેસમાં આરોપી દબોચાયો

ભચાઉ : સામખિયાળી પોલીસ મથકના દારૂના કેસમાં છેલ્લા છ મહિનાથી ફરાર આરોપી બબલુસિંહ મદનસિંહ શેખાવતને પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે આદિપુરમાંથી ઝડપી સામખિયાળી પોલીસને સોંપ્યો હતો.

મેઘપર – બોરીચીમાં જુગાર રમતા ૪ ઝડપાયા

અંજાર : તાલુકાના મેઘપર – બોરીચી ગામની તુલસીધામ સોસાયટીમાં છેલ્લી ગલીમાં જુગાર રમતા આરોપી દિલીપ પ્રભુભાઈ પરમાર, દિલીપ બળદેવભાઈ મકવાણા, પ્રહલાદ જામાભાઈ સોલંકી અને રાજુ નાથાભાઈ વાઘેલાને પોલીસે રોકડા રૂપિયા રપ,૧૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા.

અંજારમાં બીજા દિવસે ચોરાઉ બાઈક સાથે આરોપી ઝડપાયો

અંજાર : શહેર પોલીસે સતત બીજા દિવસે પોકેટ કોપ સોફટવેરના માધ્યમથી બાઈક ચોરીના વધુ બે ગુનાનો ભેદ ઉકેલી વિજયનગરમાં રહેતો આરોપી ભરત બાબુ મરંડની ધરપકડ કરી હતી. આરોપીએ ૩૧ ઓગષ્ટના અને ૩૦-૮ના રામકૃષ્ણ મહાવીરનગરમાંથી બાઈક ચોરી કરી હોવાનું સપાટી પર આવ્યું હતું.