ક્રાઈમ કોર્નર

બાંભણસર પાટિયા પાસે અકસ્માતમાં ડમ્પર ચાલકનું મોત

રાપર : તાલુકાના બાંભણિયા ગામના પાટિયા પાસે સર્જાયેલા અકસ્માતમાં ડમ્પર ચાલકનું મોત થયું હતું. ટ્રેઈલર નં.આરજે૩ર-જીબી-૯૯રપ લઈને મહેન્દ્રકુમાર મુશદીરામ નામનો યુવાન રાજસ્થાનથી મોરબી જવા નીકળ્યો હતો ત્યારે બાંભણસર પાસે પાછળથી ડમ્પર નં.જીજે૧ર-ડીવી-૮૬૯૯ના ચાલકે ટ્રેઈલરમાં ડમ્પર ઘુસાડી દીધું હતું. જેના કારણે ડમ્પરના ચાલક કાના રબારીને ઈજાઓ થતા મોત નિપજ્યું હતું. જે અંગે ટ્રેઈલર ચાલક સામે ફરિયાદ નોંધાઈ છે.

ગઢશીશામાં ફરી વેપારી પેઢીમાં ચોરીનો પ્રયાસ

માંડવી : તાલુકાના ગઢશીશામાં આવેલી ગણાત્રા ટ્રેડર્સ નામની પેઢીમાં તસ્કરો ત્રાટક્યા હતા, પરંતુ મોટી માલમત્તા હાથ ન લાગતા પ૦૦નું પરચુરણ લઈ નાસી ગયા હતા. બે બુકાનીધારી શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. એ જ પેઢીમાં ચોરીની બીજી ઘટના બનતા વેપારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. આ અંગે હર્ષભાઈ ગણાત્રાએ પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

અંજારમાં એક્ટિવા ચોરનાર આરોપી ઝડપાયો

અંજાર : શહેરમાં પોકેટકોપ સોફ્ટવેરના મદદથી પોલીસે એક્ટિવા ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. યોગેશ્વર ચોકડી પાસે વાહન ચેકિંગ દરમિયાન ૧૯ વર્ષિય અબ્બાસ રમઝાન વીરા મિંયાણા સફેદ કલરની એક્ટિવા લઈને પસાર થયો ત્યારે પોલીસે તેને થોંભાવી પુછપરછ કરી વાહન અંગે પોકેટકોપ સોફટવેરમાં તપાસ કરતા આ એક્ટિવા રપ ઓગસ્ટના અંજારમાંથી ચોરી થઈ હોવાનું ખુલ્યું હતું. જેથી ૩૦ હજારની ગાડી કબજે કરાઈ છે.

ચીરઈ સોયાબીન લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ ફરિયાદીને સોંપાયો

ભચાઉ : કંડલાથી પંજાબ રવાના થયેલા સોયાબીન ભરેલા ટ્રેઈલરની ભચાઉના ચીરઈ પાસે ૧૧ ઓગસ્ટના લૂંટ ચલાવાઈ હતી. જે ગુનામાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી સોયાબીન તેલનો જથ્થો જપ્ત કરી લીધો હતો અને કોર્ટના હુકમથી પ૦ લાખની કિંમતનું સોયાબીન રિફાઈનરી તેલ અને ર૦ લાખનો વાહન હિન્દુસ્તાન ઓઈલ ટ્રેડર્સ વતી ફરિયાદી પંજાબના રમનદીપસિંઘ ગુરુચરણસિંઘને સોંપવામાં આવ્યું છે. આ ગુનામાં અત્યાર સુધી ૮ આરોપીઓ પકડાયા છે. જ્યારે પડાણાનો ગની સુલેમાન ઉર્ફે સલીયો સોઢા ઝડપાવાનો બાકી છે.